એક સમયનો મોભાદાર વ્યવસાય આજે ‘ઝઝુમી ’ રહ્યો છે
જુનિયર વકીલો પેટીયુ રળવા રિક્ષા ચલાવવા, રેસ્ટોરન્ટોમાં કામે જવા મજબુર
કોરોના મહામારીને ફેલાતો અટકાવવા સમગ્ર ભારતમાં આગમચેતીના પગલાં સ્વરૂપે લોક ડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. લોક ડાઉનને કારણે તમામ ઉદ્યોગ – ધંધા તેમજ વેપાર બંધ હતા પરંતુ આર્થિક ખેંચતાણને ધ્યાને રાખી છૂટછાટ આપવામાં આવી છે. જેના પગલે ફરિવાર ઉદ્યોગ ધંધા શરૂ થયા છે જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય લોકોના જીવમાં જીવ આવ્યો છે. આ સમયગાળા દરમિયાન મંદિરો ખુલ્યા પરંતુ ન્યાયમંદિર હજુ પણ બંધ હોવાથી એડવોકેટ્સ કે જેમનું ગુજરાન વકીલાતને કારણે ચાલતું હોય છે તેમનું નિર્વાહન કરવું મુશ્કેલ બન્યું છે. હાલની પરિસ્થિતિમાં એવી ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે કે સમગ્ર રાજ્યમાં હજારોની સંખ્યામાં વકીલોએ વકીલાતનો ધંધો છોડી અન્ય વ્યવસાય અપનાવ્યા છે. જે બાબત ખૂબ જ ગંભીર છે. વકીલો કે જે સનદ મેળવીને વ્હાઇટ કોલર નોકરી કરતા હોય છે તે જ વકીલો હાલ રીક્ષા ચલાવીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેવી પણ બાબતો સામે આવી છે. આ તમામ ઘટના પાછળ મુખ્ય પરિબળ એ જ છે કે આશરે ગત ૩ મહિનાથી તમામ ન્યાય મંદિરો બંધ અવસ્થામાં છે જેના કારણે તમામ જુનિયર એડવોકેટ્સની તમામ પ્રકારની આવક બંધ છે. હાલ વિડીયો કોંફરન્સના માધ્યમથી જામીન અરજી સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ આશરે ૫૦% વકીલો વિડીયો કોંફરન્સ કઈ રીતે કરવું તેનાથી જ અજાણ હોવાથી તેઓ કોઈ પણ કાયદાકીય કાર્ય હાથમાં લઈ શકતાં નથી જેથી જુનિયર એડવોકેટ્સ હાલ ખૂબ પીડાઈ રહ્યા છે.
વકીલો તેમની સમસ્યા કોઈને કહી નથી શકતા, મનમાં જ શોષાઇ રહ્યા છે: દિલીપભાઈ પટેલ (મેમ્બર – બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા)
આ સમયગાળા દરમિયાન વકીલોની પરિસ્થિતિ અંગે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ ૮૫ હજાર જેટલા વકીલો નોંધાયા છે, ભારતમાં વકીલોની સંખ્યા ૨૦ લાખ જેવી છે જેમની હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. હાલ જ્યારે કોર્ટ બંધ છે ત્યારે આ પૈકીના ૯૫% વકીલો બેકાર બન્યા છે. તમામ ઉદ્યોગ – ધંધા ખુલ્યા, મસ્જિદ – મંદિર ખુલ્યા પરંતુ ન્યાય મંદિર હજુ ઓન બંધ છે. તેમણે કહ્યું હતું કે હાલ વકીલો એટલા ફસાયા છે કે તેઓ વકીલાત છોડી અન્ય કોઈ પણ વ્યવસાય કરવા મજબૂર બન્યા છે. મારા ધ્યાને એવા કિસ્સા પણ આવ્યા છે કે જે એડવોકેટએ સનદ મેળવી વટભેર વકીલાત શરૂ કરી હોય તે જ વકીલ હાલ રીક્ષા ચલાવવા મજબૂર બન્યા હોય. કોઈ ગામડે જઈને ખેતી કરવા મજબૂર બન્યું છે તો કોઈ પરિવારનું પેટ ભરવા રેસ્ટોરન્ટમાં કામે લાગી ગયા છે. તેમણે કહ્યું હતું કે આ એક એવો વર્ગ છે કે જે ક્યારેય કોઈની પાસે હાથ લંબાવી શકે નહીં, તેઓ આ બાબતે ક્ષોભ અનુભવતા હોય છે પરંતુ દુર્ભાગ્યવશ કહેવું પડી રહ્યું છે કે જ્યારે અમે વકીલો માટે અનાજ કિટનું વિતરણ શરૂ કર્યું ત્યારે આ જ વકીલો પરિવારની પરિસ્થિતિને ધ્યાને રાખી કીટ લેવા અર્થે દોડ્યાં હતા તેની ઉપરથી અંદાજ લગાવી શકાય કે હાલ કેવી પરિસ્થિતિનો વકીલો સામનો કરી રહ્યા છે. અમુક જુનિયર એડવોકેટ્સ ગામડે થી અહીં પ્રેક્ટિસ અર્થે સ્થળાંતર કરીને આવ્યા હોય છે તેમની પાસે હાલ ઘરનું ભાડું ચૂકવવા માટે પૈસા નથી ત્યારે તેઓ ફરીવાર ગામડે જવા મજબૂર બન્યા છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે રાજકોટ ખાતે કુલ નોંધાયેલા આશરે ૨૫૦૦ જેટલા વકીલો છે જેમાંથી હાલ સુધીમાં આશરે ૩૦૦ જેટલા વકીલોએ વકીલાત છોડી અન્ય વ્યવસાય શરૂ કર્યો છે. તેવી જ રીતે ગુજરાતમાં કુલ ૮૫ હજાર વકીલો નોંધાયેલા છે જેમાંથી કુલ આશરે ૯૦૦૦ જેટલા વકીલોએ વકીલાત છોડીને અન્ય વ્યવસાય ઉઓર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે ખૂબ મોટું દુર્ભાગ્ય છે. હાલના સમયમાં વકીલો મનમાં શોષાય રહ્યા છે પરંતુ તેઓ કોઈને પણ કંઈ કહી શકે તેવી પરિસ્થિતિમાં નથી. તેમણે કહ્યું હતું કે આ મામલે મેં હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને રાજ્ય સરકારને લેખિતમાં રજુઆત કરી છે કે ન્યાય મંદિરને શરતોને આધીન કાર્યરત કરવામાં આવે જેનાથી વકીલોને નાના મોટા કામ મળી રહે અને તેઓ તેમનું ગુજરાન ચલાવી શકે.
‘ન કહેવાય ન સહેવાય’ જેવી જુનિયર એડવોકેટ્સની પરિસ્થિતિ : એડવોકેટ એલ વી લખતરિયા (રાજકોટ)
આ અંગે સિનિયર એડવોકેટ એલ વી લખતરિયાએ કહ્યું હતું કે હાલ કોર્ટ બંધ હોવાથી એડવોકેટ્સ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે તેમાં પણ જુનિયર એડવોકેટ્સની વ્યથા તો ખૂબ જ વધુ છે. જુનુંયર એડવોકેટ્સ પાસે હાલ કોઈ જ પ્રકારનું કામ નથી જેના પરિણામે કોઈ જ જાતની આવક પણ નથી. કેમકે તમામ જુનિયર એડવોકેટ્સ સિનિયર વકીલો સાથે સંકળાયેલા હોતા નથી જેથી ફક્ત ૫% વકીલોને જ કામ મળે છે અને બાકીના બેકાર બન્યા છે. મોટા ભાગના વકીલોની આર્થીક પરિસ્થિતિ નબળી બની છે. આ પરિસ્થિતિમાં સિનિયર એડવોકેટ્સ દ્વારા મદદ સ્વરૂપે રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું પણ કોઈ રાશન કીટ કેટલા દિવસ કોઈ પરિવારનું પેટ ભરી શકે તે મોટો સવાલ છે. અંગે રાજકોટ બાર કાઉન્સિલના પ્રમુખ બકુલભાઈ રાજાણી, દિલીપભાઈ પટેલ અને જીજ્ઞેશભાઈ જોશી દ્વારા ત્વરિત ધોરણે ન્યાયમંદિર શરૂ કરવા લેખિત રજુઆત કરવામાં આવી છે જેમાં શરતોને આધીન સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કોર્ટ શરૂ કરવા સૂચન કરવામાં આવ્યું છે. તેમજ બાર કાઉન્સિલ દ્વારા એક વાર ૫ હજાર ની સહાય કરવામાં આવી હતી જેમાં પણ વિસંગગતા જોવા મળી હતી. મામલામાં સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ ને પણ રજુઆત કરવામાં આવી છે. હાલ જે રીતની સમસ્યા સામે આવી છે તે જોતા મને પણ એવો સવાલ ઉદભવે છે કે એડવોકેટ્સ કઈ રીતે તેમનું ગુજરાન કરી રહ્યાં છે પરંતુ આ વ્હાઇટ કોલર નોકરી કરતા લોકો છે જેથી કોઈ સમક્ષ હાથ લંબાવી શકતા નથી પરંતુ ટૂંક સમયમાં કોઈ ઉકેલ આવવો જરૂરી છે.
સરકારે વકીલોની વ્હારે આવી આર્થિક સહાય આપવી જોઈએ : રીતેશ પંડ્યા (ગીર-સોમનાથ)
આ અંગે વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ રીતેશભાઈ પંડ્યાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ સમગ્ર દેશમાં માટે વિકટ પરિસ્થિતિ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ હાલ મારી દ્રષ્ટિએ સૌથી વધુ દયનીય પરિસ્થિતિ વકીલોની છે કેમકે આ વર્ગ એવો છે કે જે કોઈ પાસે હાથ ફેલાવીને કંઈ માંગી નહીં શકે અથવા તો પોતાની આર્થિક ખેંચતાણ અંગે કોઈ સાથે ચર્ચા નહીં કરી શકે જેના કારણે તેમની પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા ૮૫ દિવસથી ન્યાયમંદિર બંધ છે, વકીલો પાસે કોઈ જ જાતનું કામ નથી, કામ નહીં હોવાને કારણે કોઈ આવક નથી અને આવક નથી તેવા સમયગાળા દરમિયાન જાવક તો સતત ચાલુ છે. ત્યારે ગુજરાન કેમ ચલાવવું તે પણ એક મોટો સવાલ એડવોકેટ્સ માટે બન્યો છે. હું એવું માનું છું કે આ સમયમાં સરકારે વકીલોની વ્હારે આવીને એક ચોક્કસ આર્થિક સહાય આપવી જોઈએ જેથી વકીલો પોતાનું અસ્તિત્વ જાળવી રાખે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હવે જ્યારે તમામ ઉદ્યોગ – ધંધા શરૂ થઈ ચુક્યા છે ત્યારે ન્યાયમંદિર પણ શરૂ કરી દેવા જોઈએ જેથી વકીલોને પડતી હાલાકીનો કાયમી ઉકેલ આવી શકે.
ધોરાજી ખાતે જુનિયર એડવોકેટસની પરિસ્થિતિ દયાજનક: એડવોકેટ વી.વી.વઘાસીયા
આ અંગે ધોરાજી ખાતે પ્રેકટીસ કરવા એડવોકેટ વી.વી.વઘાસીયાએ કહ્યું હતું કે, કોરોના સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલો છે. ગુજરાતમાં ૭૨ હજાર વકિલો છે અને ધોરાજી વકિલ મંડળમાં ૧૭૫ વકિલો છે. ગંભીર ગણાતા ગુનાઓમાં વડિ અદાલતનાં આદેશ મુજબ મોટાભાગના ગુનાઓમાં પોલીસ સ્ટેશનેથી જ જામીન મંજુર કરી આપવામાં આવે છે જેનાથી જુનિયર વકિલોને આર્થિક તકલીફ પડી છે. કોરોનાની મહામારીનાં કારણે છેલ્લા ત્રણ મહિનાથી કોર્ટ સદંતર બંધ છે. જુનીયર વકિલના પરિવારની જવાબદારી તેમના પર હોય છે ત્યારે તેમની દયાજનક પરિસ્થિતિ છે. કોરોનાની મહામારીમાં ગુજરાત બાર કાઉન્સીલ તરફથી ૨૧ લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપેલા છે. આઝાદી મેળવવામાં વકિલોનો મહત્વનો ફાળો રહ્યો છે તે પણ સરકારે ધ્યાને લેવું જોઈએ. બીગર સેમીનાર, લોક અદાલતમાં વકિલોએ નિસ્વાર્થ સેવા આપીને કોર્ટનાં કેસોનું ભારણ ઘટાડવામાં મહત્વનું યોગદાન આપેલ છે તેને નજર અંદાજ કરી શકાય નહીં. હાલમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુનાં ભાવ આસમાને પહોંચ્યા છે. આવા સંજોગોમાં વકિલોને આર્થિક સહાય કરવી જોઈએ જો ન કરવામાં આવે તો કલ્પી ન શકાય તેવા ગંભીર પરીણામો આવી શકે છે. ગુજરાત તેમજ ભારતના નામાંકિત લોકોએ આર્થિક મંદીનાં કારણે આત્મહત્યા કરેલ છે ત્યારે વકિલોને પણ આર્થિક મદદ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
વકીલાત છોડી શિક્ષણનો વ્યવસાય કરવો પડશે : બીનીતા ખાંટ (રાજકોટ)
આ અંગે જુનિયર એડવોકેટ બીનીતા ખાંટએ જણાવ્યું હતું કે હાલ તમામ મંદિર મસ્જિદ ખુલી ગયા છે પરંતુ ન્યાય મંદિરો બંધ હોવાથી મારા જેવા નાના એડવોકેટ્સની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. અમે લાંબો અભ્યાસ કરીને સનદ મેળવી છે, પરિવારને અમારી પાસે એક અપેક્ષા હોય છે જે અપેક્ષા અમે કોઈ પણ સંજોગોમાં પુરી કરી શકતા નથી તેની સામે હાલ અમારે ખર્ચ માટે પરિવારની અન્ય આવક પર નભવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેમણે વધુમાં જણાવતાં કહ્યું હતું કે અગાઉ નાના મોટા કામના માધ્યમથી આવક યથાવત રહેતી હતા પરંતુ હાલ આવકના નામે તો જાણે સાવ શૂન્ય છે. અંતે તેમણે કહ્યું હતું કે હાલ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે જો હજુ થોડો સમય કોર્ટ બંધ રહેશે તો મારે વકીલાત છોડી કોઈ શિક્ષકની નોકરી કરવી પડશે અને મારો તમામ અભ્યાસ, આટલા વર્ષનો ભોગ પાણી જશે તેવું મને લાગી રહ્યું છે.
પૈસા નહીં હોવાથી રાશન લેવા અસમર્થ, ગૌ શાળામાં સેવા આપી પરિવારનું પેટ ભરવા મજબૂર : નંદકિશોર પાનોલા (રાજકોટ)
આ અંગે એડવોકેટ નંદકિશોર પાનોલાએ જણાવ્યું હતું કે હું ગત ૧૦ વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું પરંતુ મેં મારી કારકિર્દીમાં ક્યારેય આવો સમય જોયો નથી જ્યારે ઘરમાં ખાવા માટેના પણ ફાંફા પડી રહ્યા હોય. હાલ તમામ ન્યાય મંદિરો બંધ હોવાથી કોઈ જ પ્રકારની આવક થતી નથી તેની સામે જાવક તો યથાવત છે જેથી હું ખૂબ જ આર્થિક સંકળામણ અનુભવી રહ્યો છું. પૈસા નહીં હોવાથી હાલ મારા ઘરની નજીક એક ગૌશાળા આવેલી છે જ્યાં દરરોજ જરૂરિયાતમંદ લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે ત્યાં કોઈ જ જાતની અપેક્ષા વિના સમગ્ર પરિવારજનો સેવા આપીએ છીએ અને ત્યાંથી અમને બે વખતનું જમવાનું આપવામાં આવે છે તેમાં સૌ જમીને હાલ જીવન ચલાવી રહ્યા છીએ. તેમણે વિન્નતી કરતા કહ્યું હતું કે હાલ અમે ખૂબ જ તકલીફમાં છીએ જેને ધ્યાને લઈ વહેલી તકે ન્યાયમંદિર શરૂ કરવામાં આવે જેથી ફરીવાર અમે સ્વમાનભેર જીવી શકીએ.
મકાનનું ભાડું ચૂકવવા પૈસા નથી, પરિવાર સાથે વતન તરફ દોટ મુકવી પડશે : નિર્મળ લોખીલ (રાજકોટ)
આ અંગે એડવોકેટ નિર્મળભાઈ લોખીલએ જણાવ્યું હતું કે હું એક ગ્રામ્ય વિસ્તારમાંથી અહીં પ્રેક્ટિસ અર્થે આવ્યો છું, લોક ડાઉન પહેલા સુધી બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું પણ લોક ડાઉન આવ્યું અને સાથે દુ:ખનું પહાડ લાવ્યું હોય તેવી પરિસ્થિતિ અમારા માટે આવી ગઈ છે.
અહીં હું ભાડામાં મકાનમાં પરિવાર સાથે રહુ છું પરંતુ હાલ કોઈ જ આવક નહીં હોવાથી હું ભાડું પણ ચૂકવી શકતો નથી જે બાબત મારા હૃદયને ખૂબ જ ખૂંચી રહી છે. હાલ એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં ફરીવાર ગામડે ચાલ્યું જવું પડશે તેમજ વકીલાત છોડી ખેતી કરવી પડશે કેમકે તે સિવાય મને કોઈ જ વિકલ્પ દેખાઈ રહ્યો નથી. હાલ કોઈ જ પ્રકારનું કામ જ નથી તેમજ વિડીયો કોંફરન્સના માધ્યમથી હવે સુનાવણી કરવાની છે જે અમારા માટે કપરા ચઢાણ જેવું છે જેથી અમે એ પણ કરી શકતા નથી.
શારીરિક અસ્વસ્થતા બાદ હવે માનસિક તણાવમાં ગરકાવ: મહેન્દ્ર ભાલુ (રાજકોટ)
આ અંગે નોટરી – એડવોકેટ મહેન્દ્ર ભાલુંએ જણાવ્યું હતું કે હું શારીરિક રીતે અપંગ છું, સહારા વિના ચાલી શકતો નથી. હાલમાં જ મને નોટરીનું લાયસન્સ મળ્યું છે જે મળ્યા બાદ મને એવું લાગી રહ્યું હતું કે હવે આવકમાં વધારો થશે અને પરિવારને સુખી રાખી શકીશ પરંતુ મારી આ માન્યતા બિલકુલ ખોટી ઠરી. હાલ હું દરરોજ સવારે કોર્ટ ખાતે આશા લઈને આવું છું કે આજે કંઇક આવક થશે, કોઈ કામ મળશે. આખો દિવસ આશામાં વીતી જાય છે અને અંતે મારી આશા નિરાશામાં પરિવર્તિત થાય છે અને હું ખાલી હાથે ઘરે પહોંચી જાઉં છું. કોઈ જ આવક થતી નથી જેથી ખીબ આર્થિક ખેંચતાણ ઉભી થઈ છે અને ખેંચતાણ જશે કે સાથે અમારી ખુશીઓને લઈને જશે એ મારા માટે ખૂબ મોટો સવાલ છે. તેમણે અબતક મીડિયાના માધ્યમથી કેન્દ્ર સરકાર તેમજ સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી કે વહેલી તકે ન્યાયમંદિર શરૂ કરી દેવામાં આવે જેથી પરિવારનું પેટ ભરી શકે તેટલી કમાણી થઈ શકે.
જુનિયર એડવોકેટસને માસિક આર્થિક સહાય મળવી જરૂરી : સત્યમભાઈ (ગારીયાધાર)
જુનિયર વકીલો ની પરિસ્થિતિ અંગે ગારિયાધાર ખાતે પ્રેક્ટિસ કરતા એડવોકેટ સત્યમભાઈ એ કહ્યું હતું કે નામદાર કોર્ટ કચેરી બંધ હોવાના કારણે નવા કામ જે મળવા જોઈએ એ મળતા નથી અને તેના લીધે તેમને આવક થતી નથી
અને નોલેજ પણ મળતું નથી. જુનિયર એડવોકેટ ને સિનિયર એડવોકેટ ની નીચે કામ કરવું પડતું હોવાથી પણ અનેક સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે.
સરકાર શ્રી તરફ થી જે ૫૦૦૦ રૂપિયા ની મદદ જાહેર થઈ છે તે જ્યાં સુધી કોર્ટ કચેરી ના ખુલે ત્યાં સુધી દર મહિને મળવી જોઈએ એવું મારું માનવું છે
જુનિયર કક્ષાએ પ્રેક્ટીસ કરી રહેલા વકીલોની કોરોનાએ કમ્મર તોડી : હેમલ વાઘાણી (જામનગર)
જુનિયર એડવોકેટ્સની વ્યથા વિશે જણાવતાં જામનગરના એડવોકેટ હેમલ વાઘાણીએ ધંધા-રોજગાર બંધ થતાં આવક ના નામે શૂન્ય થઈ ગયું હતું તો સામે જાવક સતત ચાલુ જ હતી જો વાત કરવામાં આવે જુનિયર વકીલોની તો લોક ડાઉન ના લીધે દેશભરમાં તમામ ન્યાયાલય બંધ હતા જેના લીધે વકીલાતનું કામ સદંતર બંધ હતું આવા વકીલોનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું પોતાનું તથા પોતાના પરિવારનું પાલન કરવું પણ તેમના માટે કપરું થયું છે.
અમુક વકીલોને બાર એસોસિએશન વગેરે એ રાહત પેકેજ તેમજ અનાજ ની કીટો વિતરણ કરતા તે લોકો ને આવા મુશ્કેલીના સમયમાં થોડી રાહત થઇ હતી પરંતુ ઘણા ખરા વકીલોની જે કંઈ પણ જમા પૂંજી હતી લોક ડાઉન દરમિયાન ખર્ચાઈ ગઈ છે. અમુક વકીલોના પરિવારમાં અચાનકથી આવી પડેલી મુશ્કેલીઓ તથા બીમારીઓએ વકીલોને ઓશિયાળા બનાવી દીધા છે.
લોક ડાઉને જુનિયર એડવોકેટ્સની સ્થિતિ કફોડી બનાવી : દિનેશ પંપાણીયા (સુત્રાપાડા)
પરિસ્થિતિ અંગે સુત્રાપાડા બાર કાઉન્સિલના ઉપપ્રમુખ દિનેશભાઇ પંપાણીયાએ જણાવ્યું હતું કે હાલ સુત્રાપાડા ખાતેની કોર્ટ બંધ હોવાથી એડવોકેટ્સને ખૂબ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે બાબત તો બિલકુલ સ્પષ્ટ છે. તેમને૫ કહ્યું હતું કે ન્યાયમંદિર જ બંધ હોવાથી એડવોકેટ્સ ખૂબ મોટી આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે જુનિયર એડવોકેટ્સની પરિસ્થિતિ તો ખૂબ જ દયનીય છે કેમકે સિનિયર એડવોકેટ કદાચ વિડીયો કોંફરન્સના માધ્યમથી સુનાવણી કરાવી શકે પરંતુ જુનિયર એડવોકેટ્સને પ્રથમ તો અનુભવનો અભાવ હોય છે તેમજ વિડીયો કોંફરન્સ બાબતે પણ તેઓ અજાણ હોય છે તેથી તેઓ તો બિલકુલ બેરોજગાર બન્યા છે તેવું કહી શકાય. તેમણે ’અબતક’ મીડિયાના માધ્યમથી અપીલ કરતા કહ્યું હતું કે હવે ફિઝિકલ કોર્ટ શરૂ કરી દેવું જોઇએ જેથી જુનિયર એડવોકેટસને પણ કામ મળી રહે.
કોરોનાની મહામારી વચ્ચે લીંબડીના એડવોકેટ્સ હેરાન – પરેશાન : લલિતભાઈ રાઠોડ (લીંબડી)
અંતર્ગત લીંબડી બાર કાઉન્સિલના પ્રમુખ લલિતભાઈ રાઠોડે કહ્યું હતું કે કોરોનાની મહામારી માં લીંબડીના સિનિયર તથા જુનિયર વકીલોની હાલત ગંભીર થઈ ગયેલ છે. હાલ માં કોર્ટના કામકાજ બંધ હોવાથી તેઓની પરિસ્થિતિ દયાજનક બની ગઈ છે.
તેઓના વકીલાત બંધ હોવાથી સિનિયર વકીલો જુનિયર વકીલ ને બનતી સહાય કરવાની કોશિશ કરી રહ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફ થી રૂપિયા ૫૦૦૦ ની સહાય કરાઈ છે પરંતુ કોઈ એક પરિવાર માટે આ રકમ ખૂબ નાની છે કે જેમાં કોઈ એક પરિવારનું કદાચ એક મહિનાનું ગુજરાન પણ ચાલી શકે તેમ નથી. આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે પણ આ મુદ્દે વિચારણા કરવી જોઈએ તેમજ એડવોકેટ્સને આર્થિક સહાય આપવા અંગે નિષ્ણાતોન મત લઈને ઝડપી લાર્યવાહી કરવી કોઈએ.
મંદિરો ખુલ્યા તો ન્યાય મંદિર પણ ખોલો: મહેશકુમાર ગઢવી (ઈડર-સાબરકાંઠા)
કોરોનાની મહામારી સમગ્ર વિશ્ર્વમાં ચાલી રહી છે. ત્યારે વકીલોને પણ તેમની અસર થઈ છે. દુકાનો-ધંધાઓ તેમજ મંદિરો ખુલ્યા પરંતુ પરંતુ ન્યાય મંદિરો હજુ ખુલ્યા નથી જે વકીલો માટે મુખ્ય સમસ્યા છે. વકીલોનો વ્યવસાય એ પ્રાઈવેટ વ્યવસાય છે ત્યારે વકીલો માટેનો આ સમય ખુબજ કપરો છે. સરકારને પણ વિનંતી કરીએ છીએ કે વકીલોને સહાય મળે અને તેમનું ગુજરાન ચાલે. સરકારે વ્યવસાયો માટે પેકેજ આપ્યા છે પરંતુ વકીલને કશું સહાય નથી. સરકારે વકીલોને ઓછા ટકે લોન આપવી જોઈએ. ત્રણ મહિનાથી વકીલોને કશું આવક નથી અત્યારે ખાસ જુનીયર વકીલોને ખુબ વધુ તકલીફ પડી રહી છે.
તમામ ઉદ્યોગોને સહાય આપી તો વકીલોને પણ આપો: ભુપતસિંહ ગઢવી (ઈડર-સાબરકાંઠા)
કોરોના મહામારીને કારણે ત્રણ મહિનાથી અદાલતો બંધ છે. જેનાથી જુનીયર તેમજ સિનિયર વકીલોને આવક બંધ થઈ છે. જેનાથી જુનીયર વકીલોને ખુબ મુશ્કેલીઓ પડતી હોય છે.
સરકાર દ્વારા અનેક ઉદ્યોગોને સહાય આપવામાં આવી છે. પરંતુ વકીલોને કોઈપણ પ્રકારની સહાય આપવામાં આવી નથી.
જુનિયર જ નહીં સિનિયર એડવોકેટસની પણ પરિસ્થિતિ ગંભીર: નયન સુથાર (ઈડર-સાબરકાંઠા)
કોર્ટો ઘણા લાંબા સમયથી બંધ છે. જુનીયર વકીલોની સ્થિતિ ખુબ નાજુક તબક્કામાં છે. સરકાર તરફથી કોઈ સહાય, પેન્શન આપવામાં આવતું નથી. અન્ય કોઈ લોન આપવામાં આવતી નથી. હાલની સ્થિતિ જુનીયર તેમજ સીનીયર વકીલોને ખુબ તકલીફ પડી રહી છે. સરકારને વિનંતી છે કે ઝડપથી ન્યાય મંદિરો શરૂ કરવામાં આવે કે જેથી અમારા વ્યવસાયો ફરીથી શરૂ થાય.
ન્યાયમંદિરો ફિઝિકલી શરૂ કરવા અત્યંત આવશ્યક : ઇતેશ મહેતા (લાઠી)
આ અંગે લાઠી ખાતે પ્રેક્ટિસ કરતા એડવોકેટ ઇતેશ મહેતાએ કહ્યું હતું કે કોરોના અને તેને રોકવા જે લોક ડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું તેની સીધી એડવોકેટ્સને થઈ છે કેમકે, આ સમયગાળા દરમિયાન ન્યાયમંદિર બંધ અવસ્થામાં પડ્યાં છે, ફક્ત જરૂરી કામગીરી જ હાલ કરી શકાય છે અને આ પ્રકારના કામ ફક્ત સિનિયર વકીલોને મળતા હોવાથી જુનિયર વકીલોએ નવરા બેસવાનો સમય આવ્યો છે. કોઈ જ કામ નહીં હોવાથી હવે નાણાંકીય સંકળામણ ખૂબ મોટા સ્તરે ઉભી થઈ છે જેને નિવારવા ન્યાયમંદિર ટૂંક સમયમાં શરૂ કરી દેવા પડશે તો જ આ પરિસ્થિતિ પર વિજયી મેળવી શકાશે.
પરિવારનું ગુજરાન ચલાવવું કેમ ? : ઘનશ્યામ અતુલિયા (લીંબડી)
આ વિશે લીંબડીના જુનિયર એડવોકેટ ઘનશ્યામ અતુલિયાએ કહ્યું હતું ધંધા-રોજગાર બંધ થતાં આવક ના નામે શૂન્ય થઈ ગયું હતું તો સામે જાવક સતત ચાલુ જ હતી જો વાત કરવામાં આવે જુનિયર વકીલોની તો લોક ડાઉન ના લીધે દેશભરમાં તમામ ન્યાયાલય બંધ હતા જેના લીધે વકીલાતનું કામ સદંતર બંધ હતું આવા વકીલોનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું પોતાનું તથા પોતાના પરિવારનું પાલન કરવું પણ તેમના માટે કપરું થયું છે. અમુક વકીલોને બાર એસોસિએશન વગેરે એ રાહત પેકેજ તેમજ અનાજ ની કીટો વિતરણ કરતા તે લોકો ને આવા મુશ્કેલીના સમયમાં થોડી રાહત થઇ હતી પરંતુ ઘણા ખરા વકીલોની જે કંઈ પણ જમા પૂંજી હતી લોક ડાઉન દરમિયાન ખર્ચાઈ ગઈ છે.
વકીલાત ચાલતી નથી, કોઈ બીજો વ્યવસાય અમને આવડતો નથી: કિરણ શાહ (લીંબડી)
મામલામાં લીંબડી ખાતે પ્રેક્ટિસ કરતા એડવોકેટ કિરણભાઈ શાહે જણાવ્યું હતું કે હાલ તમામ પ્રકારની કામગીરી બંધ હોવાથી ખૂબ જ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ સમયગાળા દરમિયાન સરકારે જુનિયર એડવોકેટ્સને આર્થિક સહાય આપવી ખૂબ જરૂરી છે જેના ભાગરૂપે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલોને રુઓઈય ૫ હજારની સહાય કરી હતી પરંતુ જુનિયર વકીલનું કહેવું છે કે ૫૦૦૦ માં શુ થશે, આ ત્રણ માસ થી લોકડાઉન છે માત્ર ૫૦૦૦ માં કાઈ થાય નહી અને તેઓ નું કહેવું છે કે અમો ને બીજા કોઈ ધંધા આવડતા નથી માટે અમારી વિનંતી છે કે જલ્દી થી જલ્દી કોર્ટ ચાલુ કરવી
વકીલાત કરતા જુનિયર વકીલોની હાલત કફોડી બની: ઋસ્તમ પીલુડીયા (સુરેન્દ્રનગર)
સુરેન્દ્રનગર જિલ્લા માં નું ન્યાય મંદિર (કોર્ટ)છેલ્લા અઢી મહિના થી બન્ધ હાલત માં છે.ત્યારે ખાસ કરી ને કોર્ટ માં વકિલો ને પણ પ્રવેશ આપવા દેવા માં નથી આવી રહો.ત્યારે ખાસ છેલ્લા બે થી ત્રણ વર્ષ પહેલા વકીલ ની સનત લઈ જિલ્લા ન્યાયાલય માં વકીલાત કરતા જુનિયર વિકિલો ની આર્થિક હાલત ખૂબ કફોડી બની છે.ત્યારે બીજી તરફ જિલ્લા ની કોર્ટ માં વકીલાત કરતા જુનિયર વકિલો હાલ માં સરકાર સામે આર્થિક સહાય ની માગ કરી રહા છે.ત્યારે બે માસ થી વધુ સમય થી કોર્ટ બન્ધ ના પગલે જુનિયર વકીલો ને કોઈ જાત નું કામ કાજ મળ્યું નથી.જેના પગલે જુનિયર વકીલો આર્થિક સંકડામણ નો ભોગ પણ બન્યા છે.ત્યારે અમુક જિલ્લા ન્યાયાલય માં વિકલાત કરતા જુનિયર વકીલો કોર્ટ બન્ધ હોવા થી કોર્ટ માં કામકાજ ન મળતા જનસેવા કેન્દ્ર બહાર અરજીઓ લખી પોતાનું ગુજરાન ચલાવે છે.તો અન્ય કેટલાક જુનિયર એડવોકેટ જિલ્લા માં રીક્ષા ચલાવી અને અન્ય નાના મોટા કામકાજ કરી પોતાનું પેટ ભરી રહ્યા છે.
દ્વારકા ન્યાયમંદિર ખોલવું અતિ અનિવાર્ય : એડવોકેટ સંદીપ રાયઠઠા (દ્વારકા)
દ્વારકા બાર કાઉન્સિલના પ્રમુખ સંદીપભાઈ રાયઠઠાએ જણાવ્યું કે હાલમાં કોરોના ની મહામારી ની અન્ય ઉદ્યોગો પર અસર થઈ છે તેમ વકીલો ને પણ અસર થવા માં પામી છે.હાલમા દ્રારકા કોર્ટ બંધ હોવથી વકીલો મુશ્કેલી માં મુકાયા છે.સામન્ય રીતે જુનીયર વકીલો પરચૂરણ કામ કરી તેમનો રોટલો રોડવતા હતા પરંતુ હાલમાં તેઓ અન્ય વ્યવસાયમાં જોડાવા ઇરછે તો પણ જોડાઈ શકે નહીં કારણ કે સનદ ધરાવતા વકીલ અન્ય વ્યવસાય ન કરી શકે. ખાસ તો સરકાર જુનીયર વકીલો ને સહાય કરે તેવી માંગ ઉઠવા પામી છે.આ ઉપરાંત દ્વારકા માં ન્યાયમંદીર સરકાર ના નિયમો સાથે શરૂ કરવું જોઈએ જે બાબતે દ્વારકા બાર કાઉન્સિલ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે.
એડવોકેટસને આર્થિક સહાયની તાતી જરૂરિયાત: સલીમ મંસુરી (ઈડર-સાબરકાંઠા)
કોર્ટ કોરોનાને કારણે મહિનાઓથી બંધ છે. જેનાથી વકીલની આવક બંધ થઈ છે અને કેસોમાં પણ ભરાવો થઈ રહ્યો છે. ગુજરાત કે ભારત સરકારે લોકડાઉનમાં કોઈ ભંડોળ સહાય જાહેર કરવામાં આવી નથી.
સરકાર જે સહાય જાહેર કરે તો વકીલની સ્થિતિ સારી થશે. તેમજ કોર્ટ જો શરૂ થશે તો પણ વકીલની પરિસ્થિતિમાં સુધારો આવી શકશે. બેન્કે પણ વકીલોને લોન મળતી નથી. આ સમયે વકીલોને આર્થિક રીતે ખુબ તકલીફો પડી રહી છે.