- ઐતિહાસીક ગ્રાઉન્ડની જાળવણીમાં કોઈને રસ નહિ
- અગાઉ અધિકારીઓએ થોડા દિવસ કાર્યવાહીનું નાટક કર્યું, હવે ફરી પરિસ્થિતિ જૈસે થે
- કોઈ સિક્યુરિટી ગાર્ડ નહિ, એન્ટ્રી ગેઇટ પણ તોડી નખાયો: મેદાનની અંદર ફરી બસોના પાર્કિંગ શરૂ, કાટમાળના ઢગલા પણ ખડકાવા લાગ્યા
- ગ્રાઉન્ડમાં કચરાના પણ ગંજ: અંદર રહેઠાણ પણ શરૂ થઈ ગયું, ચૂલા ચાલે છે કપડા ધોવાઈ છે અને સુકવાઈ પણ છે
- કલેકટર તંત્રની નિરસતાએ શાસ્ત્રી મેદાનને મલ્ટી પર્પઝ બનાવી દીધું: શહેરની મધ્યમાં આવેલ આ ગ્રાઉન્ડ ન્યૂસન્સ પોઇન્ટ, કબાડખાનું, પાર્કિંગની ગરજ સારે છે
શહેરની અનેક મોટી ઇવેન્ટનું સાક્ષી એવું ઐતિહાસિક શાસ્ત્રી મેદાન અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. પણ કમનસીબે કલેકટર તંત્ર દ્વારા તેના ઉપર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું ન હોય હાલ શાસ્ત્રી મેદાનની અવદશા ચાલી રહી છે.
અગાઉના એક જિલ્લા કલેકટરે શાસ્ત્રી મેદાનમાં ફલાણી અને ઢીકણી સુવિધા ઉભી કરવાની અનેક આંબા આંબલી બતાવી હતી. તેઓએ આ અંગે પોતાની ખુરશી ઉપરથી અનેકવાર સતાવાર જાહેરાતો પણ કરી હતી. ઉપરાંત અનેક મિટિંગો પણ ભરી હતી. જો કે આ જાહેરાતો હવામાં ઓગળી ગઈ. છેલ્લે માત્ર શાસ્ત્રી મેદાનમાં ફરતે બાજુ દીવાલો અને ગેઇટ નાખીને સંતોષ માની લેવામાં આવ્યો છે.
ઉપરાંત તાનમાં આવી તાજેતરમાં કલેકટર તંત્ર દ્વારા સિક્યુરિટી ગાર્ડને ડ્યુટી સોંપી શાસ્ત્રી મેદાનનું ધ્યાન રાખવામાં આવતું હોવાનો દેખાવ કર્યો હતો. આ સાથે અંદર બસો પાર્ક કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. ઉપરાંત ગેઇટને બંધ જ રાખી અંદર કોઈ કાટમાળના ઢગલા ખડકાઈ નહિ તેની તકેદારી રાખવાનું એલાન પણ કર્યું હતું.
પણ આ બધું એકાદ અઠવાડિયા માટે માંડ ટક્યું હતું. હવે તો આ ગ્રાઉન્ડ શહેરની મધ્યમાં ન્યુસન્સ પોઇન્ટ, કબાડ ખાનું અને પાર્કિંગની ગરજ સારે છે. અત્યારે આ ગ્રાઉન્ડમાં કાર અને બસ પાર્કિંગ, ઠેક ઠેકાણે કાટમાળના ખડકલા, કચરાના ગંજ જોવા મળે છે. આ ઉપરાંત ભંગાર થઈ ગયેલી લારીઓ પણ અહી મુકવામાં આવી છે. આ ઉપરાંત ગ્રાઉન્ડનો રહેઠાણ તરીકે પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમુક ફૂટપાથ ઉપર રહેતા પરિવારો અહીં અંદર રહેવા આવી ગયા છે તે મોજથી અહીં ચૂલા સળગાવે છે , કપડા સુકવે છે. અહીં મેઈન ગેઇટ તોડી નાખવામાં આવ્યો હોય રાત્રીના સમયે ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા તત્વોના અડ્ડા પણ બની જાય છે.
ઉલ્લેખનીય છે કે આ ગ્રાઉન્ડનું સંચાલન જિલ્લા કલેકટર તંત્ર હસ્તક છે.
ગ્રાઉન્ડની યોગ્ય જાળવણીમાં કલેકટર તંત્ર ઉણું ઉતર્યું છે. હજુ જો કલેકટર તંત્ર આ ગ્રાઉન્ડની સુરક્ષામાં ધ્યાન કેન્દ્રિત નહિ કરે આવનારા દિવસોમાં ગ્રાઉન્ડની હાલત બદતર થઈ જશે.