- રંગીલા રાજકોટીયન્સ ઝંખે છે સલામતી
- ચાર ધારાસભ્ય અને બે સાંસદ હોવા છતાં રાજકોટમાં વિવાદ સમવાનું નામ લેતુ નથી
- ‘ઇન્ચાર્જ’ પોલીસ કમિશનર: દિવસ શાંતિથી પસાર થતા હાશકારો અનુભવે છે
- એક સમયની ‘હોટ’ સીટ આજે ભડકા જેવી થઇ ગઇ
ધડ ધિંગાણે જેના માથા મસાણે એવા, ઘડવૈયા મારે ઠાકોરજી થઇ ને નથી પૂજાવવું કવિ દાદની કવિતા જેવી સ્થિતી રાજકોટ પોલીસની થઇ છે. શહેર પોલીસ તોડકાંડ અને સાયલા દારૂકાંડના વિવાદ બાદ એક સમયે રાજકોટ પોલીસ કમિશનરની જગ્યા માટે પડાપડી થતી તે જગ્યા માટે આઇપીએસ અધિકારી આવવા તૈયાર નથી જેના કારણે રાજકોટ શહેર પોલીસ માથા વિનાના ધડ જેવી બની ગઇ છે.
રાજકોટ પોલીસના કથિત તોડકાંડના મામલે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા ગૃહ મંત્રીને લખેલા પત્રના સમગ્ર રાજયના પોલીસબેડામાં ઘેરા પ્રત્યાઘાત પડયા બાદ ગૃહ વિભાગ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ તાલિમ કેન્દ્ર ખાતે તા.28 ફેબ્રુઆરીએ થઇ હતી અને ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ એસ.વી.સાખરા અને હેડ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરાયા હતા.
તા.28 ફેબ્રુઆરીએ પોલીસ કમિશનર તરીકે મનોજ અગ્રવાલની બદલી થયા બાદ તા.1 માર્ચથી રાજકોટ શહેર પોલીસનું તંત્ર ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ ચલાવી રહ્યા છે. કે જેઓ ગમે ત્યારે બદલી થશે તેવી દહેશત વચ્ચે વગોવાયેપલી પોલીસની છાપ સુધારવા અને પોલીસનું મોરલ ઉચુ લાવવા ઉચક જીવે પ્રયત્ન કરી રહ્યા છે.
રાજયમાં નેતૃત્વ પરિવર્તન થયા બાદ રાજય સરકાર દ્વારા સૌરષ્ટ્રના પાટનર સમાન રાજકોટને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યું હોય તેમ રાજકોટ શહેરને 75 દિવસ બાદ પણ કાયમી પોલીસ કમિશનર નથી મળ્યા, શહેરમાં દિન-પ્રતિદિન કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે.
બીજી બાજુ કેટલાક ચોકાવનારા વિવાદોમાં સપડાતી રહેતી શહેર પોલીસ માટે માથુ કયારે મળશે તેવો સવાલ થઇ રહ્યો છે.રાજકોટ પોલીસ કમિશનરની જગ્યા માટે આઇપીએસ અધિકારીઓમાં લોબીંગ કરી રહ્યા હતા અને હાલની પલ્ટાયેલી પરિસ્થિતીના કારણે કોઇ આઇપીએસ અધિકારી રાજકોટ પોલીસ કમિશનરની જગ્યા માટે આવવા કેમ તૈયાર નથી તેવો સવાલ થઇ રહ્યો છે.
આ સ્થિતી માટે જવાબદાર કોણ તેવા અનેક સવાલો વચ્ચે રાજકોટના રાજકીય નેતાઓ પણ ભેદી મૌન સેવી રહ્યા છે.રાજકોટ પોલીસ કમિશનરની જગ્યા શું ઇન્ચાર્જથી જ ચલાવવાની છે? રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે આવવા કોઇ આઇપીએસ તૈયાર ન થતા રાજય સરકારે શું ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે કામ ચલાવવાનું મનમનાવી લીધુ છે?
રાજકોટમાં સતાધારી પક્ષના ચાર ચાર ધારાસભ્ય અને બે બે સાંસદ સભ્ય હોવા છતાં રાજકોટને કેમ અન્યાય થઇ રહ્યો છે.
સ્થાનિક નેતાઓનું સરકારમાં કંઇ ઉપજતુ ન હોય તેમ રાજકોટને કાયમી પોલીસ કમિશનરની નિમણુંક અપાવી શકતા નથી ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ રાજકોટ પોલીસ વિવાદમાં ન આવે તે માટે પીઆઇ થી કોન્સ્ટેબલ સુધીના સ્ટાફની આંતરિક બદલી કરી છે. પરંતુ રાજકોટ પોલીસને બાહોશ ‘માથુ’ નહી મળે ત્યાં સુધી વિવાદ અને દહેશતનો માહોલ રહેશે તેમ જાણકારો કહી રહ્યા છે.
રાજકોટ ઈન્ચાર્જ પોલીસ કમીશનર ખુર્શીદ અહેમદ દિવસ શાંતિથી પસાર થાય એટલે હાશકારો અનુભવે છે અને પોલીસની દયનીય અને લાચારી ભરી સ્થિતી સર્જાય છે ત્યારે રાજકટીયનને જરૂર છે એક કાયમી પોલીસ કમીશનરની.