રાજ્યમાં ચોમાસાની વિદાયની વાતો વચ્ચે આવેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં પાછલા વરસાદે ખેડૂતોની દયનીય હાલત કરી દીધી છે. આ વાતની સાક્ષી પુરતા દ્રશ્યો સામે આવ્યા છે. આ દરમિયાન સતત વરસાદથી પશુઓનો ઘાસચારો પણ છીનવાયો છે.
જામનગર જિલ્લાના ખેડૂતોની દિવાળી બગડી
રાજ્યમાં આવેલ વરસાદને કારણે જામનગર જિલ્લાના ખેડૂતોની દિવાળી બગડી હોય તેવી સ્થિતિ સામે આવી છે. આ સાથે માવઠાને લઈને કપાસ, મગફળી, અને કઠોળના પાકને નુકસાન થયું છે. તેમજ વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલ કોળ્યો છીનવાયો છે. આ તરફ મગફળીના પથારા પલળી જતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું હોવાથી સરકાર તાત્કાલિક સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે.
અમરેલીના બાબરા પંથકમાં ખેડૂતોને નુકસાન
પાછલા વરસાદને લઈ અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન સતત વરસાદી માહોલથી પશુઓનો ઘાસચારો પણ છીનવાયો છે. વરસાદના લીધે ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક ધોવાયો છે. આ સાથે મગફળીના પથારા વરસાદી પાણીમાં તરબોળ થયા છે. આ દ્રશ્યોથી ખેડૂતોની નુકસાનીનું અનુમાન લગાવી શકાય છે.
વલસાડમાં વરસાદથી ડાંગરના પાકને નુકસાન
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વરસાદથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી ખેડૂતોએ રાતાપાણીએ રોવાના દિવસો આવ્યા છે. તેમજ ખેતરોમાં કપાયેલો પાક પલળી ગયો તો તૈયાર થયેલો પાક આડો પડી જતા ખેડૂતોને નુકસાન થયું છે. આ સાથે જીલ્લાના વાપી અને પારડી તાલુકામાં ભારે નુકસાન થયું છે. તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાનીનું સર્વે શરૂ કરાયું અને જિલ્લામાં સર્વેની કામગીરીમાં 16 ટીમો જોતરાઈ છે.
જુનાગઢમાં વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા
જુનાગઢ જિલ્લામાં વરસાદને કારણે ભારે નુકશાન થયું છે. આ સાથે કેશોદના મેસવાણ ગામ ખેડૂતોએ કરેલ આગોતરા વાવેતરમાં વરસાદ પડતા પાકને નુકસાન થયું છે. જેમાં ખાસ કરીને મગફળી, સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન થયું છે. આ સાથે પશુઓનો ચારો પણ નિષ્ફળ ગયો છે. જેને લઈ હવે સરકાર વહેલી તકે સહાય કરે તેવી માંગ કરાય છે.
આણંદ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો માહોલ
આણંદ જિલ્લામાં મોડી સાંજે ગાજ વીજ અને પવન સાથે વરસાદ વરસતા ડાંગરના પાકને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. તેમજ મહત્વનું છે કે, જતા જતા વરસાદ આફત બની વરસતા હવે ખેડૂતોની દિવાળી બગડશે અને ગાજ વીજ પવન સાથે વરસાદ વરસતા ડાંગર નો પાક જમીન ધ્વસ્ત થયો છે. વરસાદ વરસતા હવે ડાંગરનો પાક ઘર સુધી પહોંચાડવો અશક્ય છે. તેમજ નોંધનિય છે કે, ખેડૂતોની દિવાળી ડાંગરના પાક પર નિર્ભર હોય છે.
નવસારીમાં ડાંગરના પાકને મોટું નુકસાન થયું
રાજ્યમાં પાછલા વરસાદથી નવસારીમાં ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે. તેમજ વાંસદા તાલુકામાં ડાંગરનો પાક લેતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. કાપણી સમયે જ વરસાદ વરસતા ઉભો ડાંગરનો પાક ધોવાયો છે. આ તરફ તૈયાર થયેલો કોળિયો મોઢેથી છીનવાયો હોવાની ખેડૂતોમાં લાગણી છે. આ સાથે હવે પંથકમાં સરકાર સર્વે કરીને યોગ્ય વળતર આપે તેવી જગતના તાતની માંગ છે.