રૈયાધારમાં આમલેટ મોડી આપવા બાબતે ધંધાર્થી પર જીવલેણ હુમલો: હુમલાખોર સંકજામાં
શહેરના રૈયાધાર વિસ્તારમાં ઈંડાની લારી ચલાવતા ધંધાર્થી પર એક શખ્સે છરી વડે ખૂની હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં આમલેટ ખાવા આવેલા શખ્સને ધંધાર્થીએ થોડી રાહ જોવાનું કહેતા તેના પર છરી વડે ખૂની હુમલો કર્યાની ઘટના યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાતા પીઆઈ એ.બી.જાડેજા સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સદર બજારમાં પરમાર ખૂણે રહેતા અને રૈયાધાર પાસે મંચ્છોનગરના ગેટ પાસે ઈંડાની રેકડી ધરાવતા દાદુભાઈ અબ્દુલભાઈ શેખ નામના 55 વર્ષના પ્રૌઢે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇ કાલે સવારે પોતે પોતાની ઈંડાની લારીએ હતા ત્યારે રાધે ઉર્ફે રાની પંકજ પરમાર નામનો શખ્સ આમલેટ ખાવા આવ્યો હતો. ત્યારે દાદુભાઈએ થોડીવાર લાગશે તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ રાધે ઉર્ફે રાની ત્યાંથી જતો રહ્યો હતો.
તેના થોડા સમય બાદ બપોરના સમયે રાધે ઉર્ફે રાની ફરી વખત રેકડીએ આવ્યો હતો અને “તમે મને આમલેટ દેવા બાબતે કેમ માથાકૂટ કરો છો?, હું કહું એટલે મને રાહ જોવડાવ્યા વગર આપી દેવું” તેમ કહી દાદુ ભાઇ સાથે માથાકૂટ કરતો હતો. ત્યારે ફરિયાદીના પુત્ર અરફાદએ તમે પ્રૌઢ સાથે શુકામ લપ કરો છો કહેતા આરોપીએ પોતાના પાસે રહેલી છરી વડે યુવાનને પડખાના ભાગે ઘા મારી જીવલેણ હુમલો કરી નાસી ગયો હતો. આ અંગે ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજા સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને હાલ હુમલાખોર પોલીસના સંકજામાં હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે.