ભારતીય બૌદ્ધ સંઘ આયોજીત સમારોહમાં લાખો દલિતો સહિત રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ ઉપસ્થિત રહેશે
ભારતીય બૌદ્ધ સંઘ દ્વારા સોમનાથમાં સદભાવના મેદાન, સોમનાથ બાયપાસ ચોકડી, કોડીનાર રોડ ખાતે આગામી ૧૫મી નવેમ્બરે સમાનતા-સમરસતા સંકલ્પ યાત્રાનો સમાપન સમારોહ યોજાશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. આ અંગેની વધુ વિગત આપવા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. ભારતીય બૌદ્ધ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ભન્તે સંઘપ્રિય રાહુલજીએ જણાવ્યું હતું કે, ભારતમાં એકતાનું સ્થાપન કરવા માટે અને સમાજના ઉચ્ચ વર્ગની સાથે દલિત વર્ગને આગળ વધારવા માટે સમાનતા સંકલ્પ યાત્રાનું આયોજન ૩૦ જુનના રોજ અમદાવાદથી કરાયું હતું. જે ૧૫મી નવેમ્બરે સોમનાથમાં પૂર્ણ થશે.
સમાપનના દિવસે લાખો દલિતોની હાજરીમાં સંમેલન યોજાશે. જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી સહિત બૌદ્ધિક દેશના વડાઓની ઉપસ્થિતિ રહેશે. વધુમાં રાહુલજીએ જણાવ્યું હતું કે, સમાનતા-સમરસતા સંકલ્પ યાત્રા ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં ફરશે. યાત્રાનો મુખ્ય ધ્યેય દલિતોને ડો.બાબા સાહેબ અને બૌદ્ધ ધર્મના વિચારોથી વાકેફ કરી બૌદ્ધ ધર્મ તરફ પ્રેરવાનો છે. ૧૫મી નવેમ્બરે યોજાનાર સંમેલન માટે અન્ય ૧૫ દેશના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનોને તેમજ ચારેય શંકરાચાર્યોને અને દલાઈ લામાને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અંતમાં રાહુલજીએ જણાવ્યું હતું કે, જે આદિવાસીઓ ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ અને ખ્રિસ્તી બન્યા છે તેઓને બૌદ્ધ ધર્મ તરફ પરત લાવવા માટે ભારતીય બૌદ્ધ સંઘ હંમેશા કાર્યરત છે.