નર્મદાડેમ ભરચોમાસે છલકાયો!!!: ડેમની સપાટી ૧૩૧ મીટરે પહોંચતા ૨૬ દરવાજા ખોલાયા: મુખ્યમંત્રીએ કર્યા વધામણા
ચાલુ વર્ષે મેઘરાજાએ ગુજરાત મોડેમોડેથી ભારે મહેર કરી છે. જેના કારણે ગત માસ સુધી ગુજરાતમાં વરસાદના અભાવે પાણીની મોકાણ ઉભી થવાની સંભાવના હતી જયાં હવે પાણી પાણી થઈ જવા પામ્યું છે. વધારામાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન બની ગયેલા નર્મદા ડેમમા પાણીની ભારે આવક થવા પામી છે. જેથી નર્મદા ડેમની સપાટી ૧૩૧ મીટર ઓળંગી જતા ડેમના ૩૦માંથી ૨૬ દરવાજાને ખોલવા પડયા છે. દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના કાર્યકાળના ત્રીજા વર્ષ પૂર્ણ થવા પ્રસંગે પાણીની અછતને ભૂતકાળ બનાવીને ગુજરાતને જળ સરપ્લસ રાજય બનાવવાનો પાણીદાર સંકલ્પ વ્યકત કર્યો છે.
વિજયભાઈ રૂપાણીએ તેમના મુખ્યમંત્રી પદના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ગાંધીનગરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં રાજયને જળ સરપ્લસ રાજય બનાવવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.રૂપાણીએ જણાવ્યું હતુ કે તેમના ત્રણ વર્ષનાં શાસનમાં અનેક લોકકલ્યાણના કામો કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રાજયમાં પાણી અછતને ભૂતકાળ બનાવીને જળ સરપ્લસ બનાવવા કાર્ય કરાશે તેમને પોતાની સરકાર પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના ચાર પાયાના સિધ્ધાંતો પર કામ કરી રહ્યાનું જણાવ્યું હતુ જેની શરૂઆત જિલ્લા પંચાયત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બિનખેતીમાં થતા ભ્રષ્ટાચારને નાબુદ કરીને પારદર્શક અને ભ્રષ્ટાચાર મૂકત શાસન આપીને આ પ્રક્રિયાને ઓનલાઈન કર્યાનું જણાવ્યું હતુ.
સીબીઆઈની તેમના કાર્યકાળમાં એસીબીને મજબૂત બનાવીને ભ્રષ્ટાચાર સામે લડત ચલાવી હોવાનું જણાવીને રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમને રાજયમાથી ગરીબી અને બેકારી મૂકત કરવા સરકાર ચલાવતા શીખવ્યું છે. જેથી અમારી સરકારે ભ્રષ્ટાચાર મૂકત શાસન પ્રદાન કરવાનો સંકલ્પ લીધો છે તેમની સરકારે જુદી જુદી જ્ઞાતિના આંદોલનો અને શાંતિમાં વિક્ષેપ પાડવાના પ્રયત્નોનો સામનો કરીને રાજયમાં સ્થિતિ સામાન્ય અને સુમેળ ભરી બનાવી હોવાનું ઉમેર્યું હતુ આ પ્રસંગે રૂપાણીએ ખાનગી જમીન પર ઝુંપડપટ્ટીના પુનવિકાસ માટે નવી નીતિની પણ જાહેરાત કરી અને ખેડુતોને સબસીડી આપવા અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા અંગેની ત્રણ નવી યોજનાઓની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ આગામી સમયમાં રાજયને જળપ્લસ રાજય બનાવવાની જાહેરાત કરી છે. ત્યારે, આગામી સમયમાં રૂપાણી સરકાર દાયકાઓ જૂની કલ્પસર યોજનાને પર ઝડપભેર કામ કરશે તે નિશ્ચિત મનાય રહ્યું છે. સરદાર સરોવરડેમ ઓવરફલો થતા તેનું પાણી ખંતાન અખાતના દરિયામાં જતુ રહે છે. જેની આ ઓવરફલો થતા પાણીને ભાવનગરથી દહેજ વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં વિશાળ કલ્પસર બંધ બાંધીને મીઠા પાણીને સંગ્રહ કરવાની યોજના ત્રણેક દાયકા પહેલા બનાવવામાં આવી હતી કલ્પસર એટલે ઈચ્છીત ફળ આપનાર આ યોજના તેના નામ પ્રમાણે સૌરાષ્ટ્રના સાતેય જિલ્લાઓની પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શકે તેમ છે. ઉપરાંત આ બંધ પર હાઈવે બનવાથી ભાવનગર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનો મુસાફરીને સમય પણ ઘટશે. જેની ઈંધણનો ખર્ચ પણ ઘટવાની સંભાવના છે.
પાણીદાર રૂપાણી સરકારે આગામી સમયમાં રાજયને ખાસ કરીને સૌરાષ્ટ્રને કાયમી પીડતી પાણીની સમસ્યાના નિરાકરણ લાવવા કમર કસીને ગુજરાતને જળ સરપ્લસ રાજય બનાવવા કમર કસી છે. ત્યારે રાજયમાં નર્મદાની કેનાલોનો વ્યાપ વધારીને ખૂણેખૂણે નર્મદાનું પાણી પહોચાડવા ઉપરાતં સરકારી ફાઈલોમાં દબાયેલી કલ્પસર યોજનાને પૂર્નજીવીત કરીને સૌરાષ્ટ્રને પાણી પાણી કરશે તે નિશ્ચિત છે.
૧૩૮.૬૮ મીટરની ડેમની ઉંચાઇ પરંતુ ૧૩૧ મીટર સુધી જ ભરવાની મર્યાદા!!!
ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમની સપાટી ગઈકાલે મધરાતે ૧૩૧ મીટર સુધી પહોંચી જતાં ઈતિહાસમાં પ્રમવાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે ડેમમાં પાણીની ધોધમાર આવક ચાલુ રહેતા આજે સવારે ડેમના ૩૦ પૈકી ૨૬ દરવાજાઓ ૦.૯૨ મીટર સુધી ખોલી નાખવામાં આવ્યા હતા. હાલ ડેમમાંથી ૬ લાખ કયુસેક પાણી બ્રાન્ચ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા ડેમને ૧૩૧ મીટર સુધી ભરવાની મંજૂરી આપવામાં આવતા ડેમ મંજૂરી મુજબ ભરાતા આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નર્મદા મૈયાની પૂજા કરી પાણીની વધામણા કર્યા હતા.
નર્મદા ડેમની સપાટી ૧૨૧.૯૨ મીટરની હતી. દરમિયાન કેન્દ્રમાં મોદી સરકાર સત્તારૂઢ યાના ૧૭માં દિવસે જ ડેમ પર દરવાજા મુકવાની મંજૂરી આપવામાં આવી હતી. ડેમ પર ૩૦ દરવાજા ચઢાવવાનું કામ વર્ષ ૨૦૧૭માં પૂર્ણ થઈ જતાં ડેમની સપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચી જવા પામી હતી. આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા ડેમ ૧૩૧ મીટર સુધી ભરવાની મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયી મધ્યપ્રદેશમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નર્મદા ડેમમાં પાણીની માતબર આવક થવા પામી છે. છેલ્લા સાત દિવસમાં ડેમમાં ૭ મીટર નવું પાણી આવ્યું હતું. ગઈકાલે રાત્રે ડેમની સપાટી ૧૩૧ મીટરે પહોંચી જતા રાત્રે દોઢ વાગ્યે ડેમનો ૧૪ નંબરનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. આ સો ઈતિહાસમાં પ્રથમ વખત નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમના ૧૦ દરવાજા ખોલાયા હતા. આજે સવારે પણ પાણીની અનરાધાર આવક યાવત રહેતા ડેમના ૩૦ પૈકી ૨૬ દરવાજા ૦.૯૨ મીટર સુધી ખોલી દેવામાં આવ્યા હતા. હાલ ડેમમાં પ્રતિ મીનીટ ૬૮૨૯ કયુસેક પાણીની જાવક થઈ રહી છે.
ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ડેમના દરવાજા ખોલાવાનું નકકી કરવામાં આવ્યું હતું. પરંતુ મધરાતે ડેમમાં પાણીની આવક વધતાં દરવાજા ખોલવાની ફરજ પડી હતી. નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ જે લેવલ સુધી ડેમ ભરવાની મંજૂરીઆપી છે તે લેવલ એટલે કે ૧૩૧ મીટર સુધી ડેમ ભરાઈ જતા આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પાણીના વધામણા કર્યા હતા અને નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવી જાહેરાત કરી હતી કે, નર્મદા ડેમ મંજૂરી મુજબ પૂર્ણ ભરાઈ ગયો છે. ડેમનું પાણી હવે જયાં ઓછો વરસાદ થયો છે તે કચ્છ અને ઉત્તર ગુજરાત માટે છોડવામાં આવશે. બ્રાન્ચ કેનાલ મારફત ૬ લાખ કયુસેક પાણી છોડવામાં આવશે.
નર્મદા ડેમ ૧૩૧ મીટર સુધી ભરાઈ જતા હવે રાજયમાં ૨ વર્ષ સુધી પીવાના પાણી અને સિંચાઈના પાણીની કોઈ સમસ્યા નહીં રહે. ડેમ સાઈટ પર એવાલા વિજ ઉત્પાદન માટેના ૬ ટર્બાઈન શરૂ કરી દેવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસના ૪૨ ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. અહીં કાંઠાળા વિસ્તારમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. પાણી છોડવાના કારણે નર્મદા જિલ્લાના ૮ ગામો સંપૂર્ણપર્ણે સંપર્ક વિહોણા થઈ ગયા છે. જે રીતે ડેમમાં પાણીની આવક થઈ રહી છે તે જોતા એવુ લાગી રહ્યું છે કે, બપોર સુધીમાં ડેમના તમામ ૩૦ દરવાજા ખોલવા પડશે. નર્મદા ડેમના દરવાજા પ્રમ વખત ખોલાતા ભારે અલ્હાદક નજારો જોવા મળ્યો છે.