ખેડૂતોના નામે સરકારનું કરી નાખ્યું!
ગ્રામપંચાયતના વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોરે ખેડૂતના રેવન્યુ રેકર્ડ અને આધાર કાર્ડ તાલુકા વિકાસ અધિકારીને અપલોડ કરી બેન્કના ડમી એકાઉન્ટમાં રૂ.૨૦ લાખનું કૌભાંડઆચર્યું
રાજયમાં અતિવૃષ્ટિના કારણે ખેતરમાં થયેલા ધોવાણના કારણે ખેડુતોને વળતર ચુકવવા સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજની કરાયેલી જાહેરાત અંતર્ગત થયેલા સર્વેની કામગીરી પુરી કરી ખેડુતોના રેવન્યુ રેકર્ડ અને બેન્કની વિગત તાલુકા વિકાસ અધિકારીને ઓનલાઇન અપલોડ કરતા વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોરે ભાવનગર જિલ્લાના વરતેજ ગામના ૧૦૦ જેટલા ખેડુતના બેન્કના ડમી એકાઉન્ટ ઉભા કરી રૂા.૨૦ લાખનું કૌભાંડ આચર્યાનું પ્રકાશમાં આવતા મદદનીશ ખેતિ નિયામકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગના મદદનીશ નિયામક જગદીશભાઇ વિનુભાઇ ધાનાણીએ વરતેજના ગ્રામ પંચાયતના વીસીઇ તરીકે ફરજ બજાવતા ઇરફાન જમાલ વારૈયા સામે રૂા.૨૦ લાખની સરકાર સાથે ગેરરીતી આચરી ઉચાપત કર્યા અંગેની વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સરકાર દ્વારા અતિ વૃષ્ટિના કારણે પાકમાં થયેલા નુકસાનનું વળતર માટે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યુ હતુ જે અંતર્ગત દરેક ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા વિલેજ કોમ્પ્યુર એન્ટરપ્રિન્યોરે વળતર માટે ઓનલાઇન અરજી અપલોડ કરવાની હોય છે. રાજય સરકારના ડિઝીટલ ગુજરાત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરવા માટે ખેડુતના ૭-૧૨ અને ૮-અનો ઉતારો, ખેડુતનું આધાર કાર્ડ તેમજ તેના બેન્કની વિગત ઓનલાઇન અપલોડની કામગીરી કરે છે.
વરતેજના ૧૦૦ જેટલા ખેડુત ખાતેદાર કે જેઓ વર્ષોથી અન્ય શહેરમાં સ્થાયી થયા હોય તેની જાણ બહાર તેના આધાર કાર્ડ અને ખેતરના રેવન્યુ રેકર્ડ મેળવી તેમના નામે મળેલી સહાય બીજાના બેન્ક એકાઉન્ડમાં જમા થાય તે માટે વીસીઈએ પોતાના લાગતા વળતાની બેન્ક એકાઉન્ટની ખોટી વિગતો આપી કૌભાંડ આચર્યુ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
વરતેજના ૧૦૦ જેટલા ખેડુતોની સરકાર દ્વારા મંજુર થયેલા રૂા.૨૦ લાખ વીસીઇના લાગતા વળતાના બેન્ક એકાઉન્ટમાં જમા થતા તેને ખેડુતોની જાણ બહાર બારોબાર ઉપાડી લઇ સરકાર સાથે છેતરપિંડી કર્યાનો પોલીસે વીસીઈ ઇરફાન વારૈયા સામે વરતેજ પોલીસે ગુનો નોંધી પી.એસ.આઇ. એમ.એસ.જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.