પશુ ઘાતકીપણાના ગુનેગારોને ૭૫ હજાર દંડથી પાંચ વર્ષથી જેલની સજાનું કાયદાકીય પ્રાવધાન છે પણ અબોલ જીવોને રંઝાડવાની ફરિયાદ જ કયાં થાય છે
અબોલ જીવોને અભયદાન આપવું એ પણ મોટામાં મોટુ પુણ્ય ગણાય છે. લગભગ મોટાભાગના ધર્મશાસ્ત્રોમાં પશુ હિંસાને વ્રજ ગણવામાં આવે છે. પાલતુ પ્રાણીઓ, રાની પશુઓ અને જંગલી જનાવરોને વિના કારણે મારવા પાપ ગણાય છે તેમાં પણ પશુઓને મોઢા પર મારવાનું કૃત્ય સૌથી વધુ નિંદનીય કહેવાય છે. દરેક જીવાચાર પરમાત્માની ભકિત પોતાની ભાષા, આચરણથી કરતું હોય છે.
કાયદાકિય પ્રમાણોમાં પશુ પર અત્યાચાર કરવું એ દંડનીય અપરાધ ગણવામાં આવે છે પરંતુ ભારતની સામાજીક વ્યવસ્થામાં અને કયાંકને કયાંક સામાજીક જાગૃતિના અભાવ અને બેદરકારીના કારણે ‘મારે શું’ના ભાવથી પશુઓ પર અત્યાચાર થાય છે તેની ફરિયાદ જ થતી નથી.
વિદેશમાં એવી વ્યવસ્થા છે કે પશુઓ તો ઠીક ઘરના પરિવારજનોને ત્રાસ અપાતો હોય તો તેની સામે પણ કાયદાકિય કાર્યવાહી થાય છે. અમેરિકા, બ્રિટન જેવા કહેવાતા સુધારાવાદી દેશોમાં સંતાનોને ત્રાસ અપાતો હોય તો વાલીઓ પર કાયદેસરની કાર્યવાહી થાય છે.
ભારતમાં હજુ આવી જાગૃતિનો અભાવ જોવા મળે છે. અબોલ પશુઓ મુંગા મોઢે અત્યાચાર સહન કરતા હોય છે. અત્યાચાર કરનારાઓ સામે આકરા દંડની જોગવાઈ છે પરંતુ તેના માટે ફરિયાદ થવી જરૂરી છે. જાહેરમાં પાલતુ અને રાની પશુઓને બેરહેમીથી મારવાની ઘટનાઓ બને છે પરંતુ ફરિયાદના અભાવે કાર્યવાહી થતી નથી. પશુઘાતકીપણાની કલમો અત્યારે માત્ર કતલખાને લઈ જવાતા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અને વાહનોમાં ઠાસી-ઠાસીને પશુઓને ભરવાના કિસ્સામાં જુજ રીતે સામાજીક જીવદયા સંસ્થાઓના માધ્યમથી ફરિયાદો થાય છે પરંતુ અત્યાર સુધી કોઈને પશુઘાતકીપણા કલમો અન્વયે સજા થઈ નથી પરંતુ હવે કાયદાકિય પ્રાવધાનમાં પશુઓ પર અત્યાચાર ગુજારનારાઓને પોણા લાખનો દંડ અને પાંચ વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
કોઈપણ વ્યકિત પશુઓને ઈજા કે તેનું મોત નિપજાવે તો હવે ૫૦ રૂપિયાના દંડની જોગવાઈના બદલે સરકાર ૬૦ વર્ષ જુના પશુઘાતકીપણાના કાયદામાં સુધારો કરીને ૭૫ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા પશુની કિંમત કરતા ત્રણ ગણી કિંમતનો દંડ અને પાંચ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી રહી છે. કોઈ એક વ્યકિત કે સમુહ ગેરકાયદેસર રીતે પશુઓના મૃત્યુ માટે જવાબદાર ઠરે તો તેમને ૭૫ હજાર દંડ અને પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી રહી છે.
સરકાર દ્વારા પશુઘાતકીપણાની જોગવાઈની વ્યાખ્યા મુજબ ગુનાઓની અલગ-અલગ ૩ પ્રકાર ફાળવવામાં આવ્યા છે જેમાં સામાન્ય ઈજા, સામાન્યથી ગંભીર ઈજા અને કાયમી વિકલાંગતા આપતી ઈજા ઉપરાંત કોઈપણ પ્રાણીનું ઘાતકીપણાના કારણે મૃત્યુ થાય તો હાલની રૂા.૭૫૦ના દંડની જગ્યાએ ૭૫ હજાર રૂપિયા સુધીનો દંડ અને અલગ-અલગ ગુનાઓમાં ૫ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. અત્યારે માત્ર રૂા.૧૦ થી ૫૦ના દંડની જોગવાઈવાળા કાયદામાં ધડમુળથી ફેરફાર આવી રહ્યો છે.
સંસદમાં લેખિત પ્રશ્ર્નોના જવાબમાં મત્સય અને પશુ સંવર્ધન અને ડેરી ઉધોગના મંત્રી ગીરીરાજસિંહે માહિતી આપી હતી કે, હવે પશુઘાતકીપણાના ૧૯૬૦ના કાયદામાં ફેરફાર કરીને દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી રહી છે. જોકે મંત્રીએ સજા અને દંડના પૂર્ણ મુસદાનો ઉલ્લેખ કર્યો ન હતો. રાજયસભાના સાંસદ રાજીવ ચંદ્રશેખરે કેરલના બનાવમાં હાથીના મોઢામાં ફટાકડા ભરીને ફોડી હાથીના મૃત્યુ નિપજાવ્યાના બનાવમાં સરકારને પ્રશ્ર્ન પુછયો હતો. પશુઘાતકીપણાના નવા કાયદાની રચના અને તેના અમલની પ્રક્રિયા ચાલુ છે. સરકારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી પશુઘાતકીપણાના ૩૧૬ બનાવોમાં અલગ-અલગ અદાલતોમાં ૬૪ જેટલા કેસ પેન્ડીંગ પડયા છે. સુપ્રીમ કોર્ટમાં ૩૮ અને દિલ્હીની હાઈકોર્ટમાં પણ કેટલાક કેસ પેન્ડીંગ પડયા છે. આ તમામ મુકદમાઓમાં વિવિધ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તામિલનાડુમાં ૫૨, મહારાષ્ટ્રમાં ૪૩, કેરલમાં ૧૫, કર્ણાટકમાં ૧૪, તેલંગણામાં ૧૩, રાજસ્થાનમાં ૧૨ સહિત કુલ ૩૧૬ કેસોમાં ૧૯૯ કેસો પશુઘાતકીપણાના પેન્ડીંગ પડયા છે. આ તમામ કેસોમાં નવા કાયદાકિય સુધારા અને દંડ અને જેલની સજાની જોગવાઈનો સુધારો અસર કરશે.
અબોલ પશુ મુંગા મોઢે અત્યાચાર સહન કરે તેનો લાભ ‘પાપી’ઓને
જીવ માત્ર દયાના પાત્રના વૈશ્ર્વિક ધર્મના સુત્ર માત્ર ધર્મના આચરણ પુરતુ જ સીમીત રહી ગયું છે. માનવી પોતાના સ્વાર્થ ખાતર પશુજીવોને જીવ નહીં પણ વસ્તુ સમજીને પરપીડનવૃતિની મજા લે છે. પશુઓ પર થતા અત્યાચાર અબોલ જીવો મુંગે મોઢે સહન કરી લે છે. કોઈ ફરિયાદ કરવાવાળુ નથી. પશુઘાતકીપણાના નિયમોમાં પશુ પર અત્યાચાર કરનારાઓ સામે દંડ અને સજાની જોગવાઈ છે પણ અબોલ પશુ કયાં બોલવાના છે કે મારા પર તેઓ અત્યાચાર થયો. પશુઓની અબોલતાથી જ પાપીઓ બચી જાય છે.