સર્વજન હિતાય, સર્વજન સુખાયના ઉદ્દેશ્ય સાથે રાજકોટ હિતરક્ષક સમિતિની રચના
આ સંગઠનમાં રર સભ્યોની કોર કમિટી નાગરિકોના વ્યાજબી પ્રશ્ર્નોના નિકાલ માટે તંત્રને ઢંઢોળશે
રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન અને રાજકોટના જાહેર જીવનમાં વર્ષોથી કાર્યરત નિષ્ઠાવાન, લડાયક આગેવાન રાજભા ઝાલાના નેતૃત્વ તળે આજે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આવેલ ઓડીટોરીયમમાં મોટી સંખ્યામાં જાગૃત નાગરીકોની એક બેઠક મળી હતી. જેમાં રાજકોટના નાગરીકોના અધિકારી અને હિતોના રક્ષણમાટે બીનરાજકીય સંગઠન રાજકોટ નાગરીક હિત રક્ષક સમીતીની રચના કરવામાં આવી છે. આજે સવારે ૧૦ વાગ્યે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે વિશાળ સંખ્યામાં રાજકોટ શહેરમાં એકિટવિસ્ટ મિત્રો અને જાગૃત નાગરીકો એકત્રિત થયા હતા. આ નાગરીક સંમેલનનું આયોજન રાજકોટના નાગરીક અધિકારો માટે પરિણામલક્ષી કાર્ય કરવાના હેતુથી બોલાવવામાં આવ્યું હતું. જેનો વન પોઇન્ટ રાજકોટના નાગરીકોનો અવાજ બની રહેવા માટે એક મજબુત સંગઠનની સ્થાપનાનો હતો.
રાજકોટ નાગરીક હિત રક્ષક સમીતીના સંયોજક રાજભા ઝાલાના જણાવ્યા મુજબ રાજકોટમાં સેવાકીય પ્રવૃતિ કરતી અનેક સંસ્થાઓ છે. પરંતુ લોકોના વ્યકિતગત કે સામુહિક સમસ્યાઓ માટે લોકોનો અવાજ બનનાર એકપણ સંગઠ નથી તો રાજકોટ નાગરીક હિત રક્ષક સમીતી રાજકોટીયન્સનો અવાજ બનશે. અને જરુર પડયે કાયદેસર રીતે પણ લોક પ્રશ્ર્નોને અવગણનાર અમલદારો સામે લોકશાહી ઢબે રજુઆતો કરીને કાયદાની મર્યાદામાં રહીને લોક પ્રશ્ર્નો હલ કરવા મજબુર કરશે.
રાજકોટ નાગરીક હિત રક્ષક સમીતી રાજકોટના નિરાધાર નાગરીકોનો આધાર બનશે અને નાગરીકોને બંધારણીય અધિકારો પ્રાપ્ત થાય છે. તે મુજબ નાગરીકોને બંધારણીય અધિકારો પ્રાપ્ત થયા છે તે મુજબ નાગરીકોના અધિકારોનું જતન કરશે અને સમયાંતરે નાગરીકો બંધારણ દ્વારા નાગરીકોને પ્રાપ્ત થયેલ અધિકારોથી અવગત કરાવવા માટે બંધારણીય નિષ્ણાંતોના સેમીનારો યોજાશે. તેમજ રાજકોટના નાગરીકોના જાનમાલ હડપ કરનાર અસામાજીક તત્વો સામે તંત્રમાં રજુઆત કરીને નાગરીકોની માલ મિલ્કતનું રક્ષણ થાય તે કામ પણ કરશે.
રાજકોટ નાગરીક હિત રક્ષક સમીતી રાજકોટમાં કોમી એખલાસ અને સર્વધર્મ સમભાવનું વાતાવરણ ખરા અર્થમાં બની રહે તે ચરિતાર્થ કરવા માટેના અલગ અલગ કાર્યક્રમો આપશે. આ સમીતીના સંયોજક રાજભા ઝાલા, સહ સંયોજક અભિષેક તાળા, નૈમિષ પાટડીયા, કોર કમીટી અજીતભાઇ લોખીલ, અંકુરભાઇ ગજજર, હરપાલસિંહ ગોહીલ, પરેશભાઇ શિંગાળા, સમીરભાઇ પટેલ, (સી.એ.) દિગ્વીજયસિંહ ચુડાસમા, મહેન્દ્રભાઇ રાઠોડ, રાજેશભાઇ પોપટ,શર્મિલાબેન બાંભણીયા સહીતના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સાથે નાગરીક હિત રક્ષક સમીતી બાબતની કોઇપણ માહીતી મેળવવા માટે મો.નં. ૭૨૨૬૮૮૩૬૩૬ પર સંપર્ક કરી શકાશે.