સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદય કાનગડે ત્રણેય ઝોનનાં સીટી ઈજનેરોને આપી સુચના
વીજ કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલીંગ, કોર્પોરેશન દ્વારા પાણીની પાઈપલાઈન નાખવા, મોબાઈલ અને ગેસ કંપનીઓ દ્વારા શહેરનાં મોટાભાગનાં રાજમાર્ગો આડેધડ ખોદી નાખવામાં આવ્યા હોવાનાં કારણે હાલ રાજકોટનાં રસ્તાઓની હાલત ગામડાઓનાં માર્ગોથી પણ બદતર થઈ ગઈ છે. ત્યારે ચોમાસાની સીઝન પૂર્વે મુખ્ય માર્ગો પર ડામર અને મેટલીંગ અને મોરમની કામગીરી પુરી કરવા આજે ત્રણેય ઝોનનાં સીટી એન્જીનીયરને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે સવારે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં આચારસંહિતા અમલમાં હોવાનાં કારણે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. દરમિયાન બેઠકમાં ચેરમેન ઉદયભાઈ કાનગડે ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનનાં સિટી એન્જીનીયરને એવી તાકીદ કરી હતી કે, ચોમાસાની સીઝન શરૂ થાય તે પૂર્વે શહેરનાં મુખ્ય માર્ગો પર ડામર પેવર અને મેટલીંગ તથા મોરમની કામગીરી પુરી કરી નાખવી જેથી ચોમાસાની સીઝન દરમિયાન શહેરીજનોને હાલાકીનો સામનો ન કરવો પડે.
મેયરનાં વોર્ડમાં પાણીકાપ ઉઠાવી લેવાયો ૩ વોર્ડનાં હજારો લોકો રહ્યા તરસ્યા
રાજકોટને આજે ન્યારા પમ્પીંગ સ્ટેશન પર નર્મદાનું અપુરતું પાણી મળવાનાં કારણે શહેરનાં ૪ વોર્ડમાં ગઈકાલે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન રાજકીય પ્રેશર આવતાં આજે સવારે અચાનક મેયર બીનાબેન આચાર્યનાં મતવિસ્તાર એવા વોર્ડ નં.૧૦માંથી અચાનક જ પાણીકાપ ઉઠાવી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. વોર્ડ નં.૧,૨ અને ૯નાં હજારો લોકો કાળઝાળ ઉનાળામાં પાણી વિના ટળવળ્યા હતા. ન્યારી ડેમમાંથી વધારાનું પાણી લઈને જો મેયરનાં વોર્ડમાંથી પાણીકાપ ઉઠાવી શકાતો હોય તો અન્ય ત્રણ વોર્ડમાં કેમ પાણી કાપ યથાવત રાખવામાં આવ્યો તે વિચાર માંગી લેતો સવાલ છે.