જાદુની દુનિયામાં પણ શક્તિનો દબદબો: મહિલા જાદુગર આંચલના ‘જાદુ’માં દર્શકો ખોવાઈ જાય છે !
સામાન્ય રીતે ભાઈઓ જાદુગર હોય પરંતુ કોઈ યુવતી જાદુના શો કરે એ કંઈક નવીન વાત કહેવાય.પરંતુ આજે આપણે મળવાના છે મહિલા જાદુગર એટલેકે મેજીશીયન આંચલ (ધ મેજીક ગર્લ) કે જેઓનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ દર્જ છે. તેઓ કહે છે કે જાદુ મારા માટે જીવન છે. આજના તનાવભર્યા જીવનમાં લોકોનું હાસ્ય પણ કયાંક ખોવાઈ ગયુ છે ત્યારે મારા બે કલાકના જાદુના શોમાં હું તેઓનું હાસ્ય પરત લાવવા એક પ્રયાસ કરૂ છું અને લોકોને હળવાફુલ કરી દઉ છું. તેના કહવા પ્રમાણે ટ્રીક, ટેકનોલોજી, પ્રેકટીસ, સ્પીડ અને સાયન્સના સમન્વયથી જાદુ શકય છે. મુળ રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી જાદુગર આંચલ કુમાવત નેશનલ ચાઈલ્ડ એવોર્ડ વિનર છે. તેઓ કહે છે કે મેં માત્ર પાંચ વર્ષની ઉમરે સ્કુલમાં જાદુનો પ્રથમ શો કર્યો હતો. ત્યાર પછીના બીજા દિવસે અખબારમાં મારા ફોટા સાથેના ન્યુઝ આવતા હું ખૂબ ખુશ થઈ આમ જાદુની દુનિયામાં મારો પ્રવેશ થયો, અને તેનો શ્રેય મીડિયાને પણ જાય છે. તેઓ કહે છે કે ૧૯૯૭ સુધી મેં જાદુના નોનપ્રોફેશ્નલ શો કર્યા. ૨૦૦૧થી કોમર્શીયલ શો કરવાના શરૂ કર્યું હતું. વર્ષમાં ૧૦ મહિના જાદુના શો કરૂ છું અને વર્ષના બાકીના બે મહિના મારા અભ્યાસ માટે ફાળવતી હતી. તેમણે સાયકોલોજીમાં એમ.એ. પોસ્ટગ્રેજ્યુએશન કર્યુ છે. વર્ષ ૨૦૧૦માં ‘ફ્રાન્સ ફરારી’ નામક કાર્યક્રમમાં ટોપ-૧૦માં પહોંચેલા ઈન્ડિયા ગોટ ટેલેન્ટમાં કવાર્ટર ફાઈનલ સુધી ૨૦૧૨માં ઈટીવીમાં તેલુગુ અને કન્નડ ભાષામાં પ્રસારીત થતાં અધર્સ – ટુ અને સુપર – ટુ નામના શોમાં વિજેતા બની ૧૦ લાખનું ઈનામ મેળવ્યું હતું, તેમજ દેશ-વિદેશમાં શો કરી લીધા છે, અને ૨૦૧૬માં લીમ્કા બુકમાં સ્થાન મળ્યુ છે. તેઓ તેમના જીવનના પ્રેરણાસ્ત્રોત તરીકે તેમના માતા-પિતા અને પરિવારજનોને માને છે. દેશના ૧૬ રાજયોમાં અને ૭ શો વિદેશમાં કરી ચૂકયા છે. ખાસ કરીને ડર લાગે તેવા જાદુના પ્રયોગો કરવાની ખૂબ મજા આવે છે. રાજકોટમાં પણ કંઈક નવું આપવાની ઈચ્છા છે તેઓ પોતાના શોમાં સ્ટેચ્યુ ઓફ લીબર્ટીને ગાયબ કરી દેશે. આ સિવાય સાયોનારા સહિતના પ્રયોગો રજૂ કરીશ. રાજકોટ શહેરના ગેસ્ફોર્ડ નજીક આવેલ લેડીઝ કલબ ખાતે જાદુગર આંચલના શોનું ઓપનીંગ કરવામાં આવ્યું છે, જે દરરોજ ૧ શો (રાત્રીના ૯:૩૦ વાગ્યે) તેમજ બુધ, શનિ અને રવિ બે શો (સાંજે ૬:૩૦ અને ૯:૩૦) યોજાશે.
રાજકોટ : યુવા જાદુગર આંચલે એક અદ્દભૂત સ્ટંટ શો કરેલો. જેમાં તેઓને ૧૦૦ ફૂટ લાંબી સ્ટીલની ચેઈનથી બાંધી દેવાયા હતા. બોક્ષમાં ૧૦૦ તાળા મારી દેવામાં આવેલ અને બોક્ષમાં પણ વેલ્ડીંગ કરી નાખવામાં આવેલ. પરંતુ આંચલ માત્ર થોડી સેકેંડમાંથી જ બહાર નીકળી ગયા હતા. આ શોમાં જ આંચલે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોધાવ્યું હતું.