- ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની વન-ડે મેચમાં ભારતની ભવ્ય જીત
- લોકો તિરંગા સાથે રોડ પર આવી ભારતની જીતને બિરદાવી હતી
- ભાગળ વિસ્તારમાં લોકો બહોળી સંખ્યામાં થયા એકઠા
ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની વન-ડે મેચમાં ભારતની ભવ્ય જીત થઈ છે. આ દરમિયાન સુરતના ભાગળ વિસ્તારમાં લોકો બહોળી સંખ્યામાં એકઠા થઈ લોકો તિરંગા સાથે રોડ પર પહોંચી ભારતની જીતને બિરદાવી હતી. આ ઉપરાંત લોકોએ ભારતની જીતનો જશ્ન મનાવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ICC મેન્સ ચેમ્પિયન્સ લીગમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. જેને લઈને ભારતીયો દ્વારા દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ક્રિકેટના ચાહકો સહિત મિત્રો અને પરિવારજનો સાથે સૌ કોઈ રસ્તા પર આવી ગયા હતા અને ભારતની શાનદાર જીતને પગલે સૌ લોકો આનંદની ક્ષણના ભાગીદાર બન્યા હતા.
સુરત શહેરમાં ભાગળ ખાતે સુરતીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સૂરત પોલીસકર્મીઓ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્થાનિકોએ ભેગા મળીને આનંદ અને ઉત્સાહ વહેંચ્યો હતો. ઇન્ડિયાના નારા સાથે સૂરત ગુંજી ઉઠ્યું હતું. હાથમાં તિરંગો લઈ સુરતીલાલાઓએ ભારતની જીતની શાનદાર ઉજવણી કરી હતી.
દુબઈમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ વાળી મેચમાં ભારતની ક્રિકેટ ટીમનો વિજય થતાં વડોદરાના ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ટીમના વિજયને વધાવવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાની ક્રિકેટ ટીમને 6વિકેટે પરાજય આપ્યો છે, ત્યારે ટીમના વિજયને શહેરીજનો દ્વારા ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. જેમાં શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દેશની આન બાન અને શાન સમાં તિરાંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા અને ફટાકડા ફોડી ટીમ ઈન્ડિયાના વિજયના વધામણા કર્યા હતા. આ દરમિયાન બહોળી સંખ્યામા ક્રિકેટ પ્રેમીઓ વિજયોત્સવ માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોડી રાત સુધી ફટાકડા અને મીઠાઈઓ વહેચી વિજયને મનાવવામાં આવ્યો હતો.
અમદાવાદમાં પણ નારેબાજી સાથે ફટાકડા ફોડ્યાં
અમદાવાદમાં પણ ભારતની શાનદાર જીત થયા બાદ લોકો આનંદથી પોતાના ઘરની બહાર આવી ગયા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ મેચમાં અભુતપૂર્વ પ્રદર્શન કરવા બદલ ટીમના વધામણાં કર્યાં હતા. લોકો તિરંગા સાથે રસ્તાં પર આવીને આનંદ અને ઉલ્લાસની ક્ષણોના સાક્ષી થયાં હતા. તેમજ ફટાકડાં ફોડીને આ જોરદાર જીતને મનાવવામાં આવી હતી.