સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો કોરા ધાકડ જ રહેવાની વકી:  શ્રાવણ પૂરો થવા દશેક દિવસ બાકી, ત્યાં વરસાદ નહિ પડે તો જગતાતની મુશ્કેલી વધશે

સૌરાષ્ટ્રમાં અનેક મેળાઓ શરૂ થયા છે. બીજા અનેક મોટા મેળાઓ શરૂ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. તેવામાં મેળાની રંગત બગડવાની નથી. કારણકે માત્ર દરિયાકાંઠે જ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તા.7થી 10 સુધી અમરેલી, ભાવનગર, ગિર સોમનાથ અને દિવમાં વરસાદની આગાહી કરવામા આવી છે.

આ વર્ષે અલનીનોની સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્રમાં શરૂઆતમાં વાવાઝોડાની અસરને પગલે ભરપૂર વરસાદ પડી ગયા બાદ મેઘરાજાએ જાણે વિરામ જ લઇ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર દેશમાં પણ આવી જ સ્થિતી છે. દેશમાં ઓગસ્ટ મહિનાએ છેલ્લા 122 વર્ષનો રેકોર્ડ તોડી સૌથી ઓછો વરસાદ નોંધાવ્યો છે.

તેવામાં હવે સૌરાષ્ટ્ર માટે માઠા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગે વરસાદની આગાહી તો કરી છે. પણ માત્ર 4 વિસ્તાર પૂરતી જ કરી છે. આગામી તા.7થી 10 સુધી અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દિવમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના વિસ્તારો કોરા ધાકડ રહેવાના છે. આ વિસ્તારોમાં મેળાની રંગત બગડવાની નથી. લોકો મનમૂકીને વિના વિઘ્નએ મેળાની મજા માણી શકવાના છે. પણ આ વિસ્તારોમાં જગતાંત ચિંતામાં મુકાઈ ગયા છે.

શ્રાવણ માસને પૂર્ણ થવામાં હવે માત્ર દશેક દિવસ બાકી રહ્યા છે. ત્યાં સુધીમાં જો વરસાદ નહિ થાય તો પાણીની ખેંચ ઉભી થાય તેવી શકયતા સેવાઈ રહી છે. જેને પગલે ખેતીને ભારે અસર પહોંચી શકે છે. આમ જન્માષ્ટમી સામાન્ય લોકો માટે તો સારી જવાની છે. પણ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થવાનો છે.

તા.11થી 15 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શકયતા

હવામાન વિભાગની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી તા. 11થી 15 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શકયતા છે. તેઓના જણાવ્યા અનુસાર તા.10 થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. તેઓએ 13 થી 15 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.