સાધુ સંતો એ કરી ગીરનાર યાત્રા ૪ લાખ ભાવિકો ભવનાથ મહાદેવને શિશ ઝુકાવ્યુ
મહાશિવરાત્રીના આડે હવે એક દિવસ જ છે ત્યારે જૂનાગઢમાં ભવનાથમાં પાંચ દિવસીય શિવરાત્રી મેળાનો ત્રીજો દિવસ છે. સાધુ-સંતોના જમાવડા વચ્ચે ભાવિકો રોજ સાધુ સંતો ના દર્શન કરવા પહોંચી રહ્યા છે. બીજા દિવસે શિવરાત્રીના મેળામાં ૪ લાખ ભાવિકોએ ભવનાથ ક્ષેત્રની મુલાકાત લીધી હતી. સાધુ-સંતોની ગીરનાર યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સંતો જોડાયા હતા મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુએ જણાવ્યું હતું કે, આજે ચારેય અખાડાના મહામંડલેશ્વરો, વરિષ્ઠ સંતો, મહંતો ગીરનાર યાત્રા પર નીકળ્યા છે. ખાસ કરીને શાંતિપૂર્ણ રીતે મેળો સંપન્ન થાય તે માટે ગિરનારી મહારાજ ભગવાન દત્ત મહારાજને પ્રાર્થના કરશે. આ ઉપરાંત શહેર તરફથી ભાવિકો જે વાહન મળે તેમાં આવી મેળાનો આનંદ માણી રહ્યા છે
જૂનાગઢના ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળાનો સોમવારથી પ્રારંભ થયો છે. ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યે યોજાતા મેળામાં બીજા દિવસ એટલે કે મંગળવાર રાતથી ભાવિકોની ભીડ ઉમટી રહી છે. મેળો માણવા આવતા ભાવિકોના કારણે એસટી, રિક્ષા તેમજ ખાનગી વાહનોમાં ચિક્કાર ગિરદી જોવા મળી રહી છે. આ ઉપરાંત લોકો હાથ આવ્યું તે વાહન પકડીને મેળો માણવા આવી રહ્યા હોય જેના કારણે જાણે શહેરના તમામ રસ્તા ભવનાથ તરફ વળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભવનાથમાં અન્નક્ષેત્રોમાં હરહર મહાદેવ સાથે ચાલો… હરિહરના સાદ પડી રહ્યા છે અને અસંખ્ય લોકો પ્રસાદ ગ્રહણ કરી તૃપ્ત થઇ રહ્યા છે. સાથે સાધુ, સંતો, દિગંબરોએ ધૂણી ધખાવી હોય ભાવિકો પ્રેમથી દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્ય બની રહ્યા છે. જ્યારે રાત્રીના સમયે યોજાતા લોક ડાયરા, સંતવાણી, સાંસ્કૃતિક કાર્યક્રમ અને હાસ્યરસના કાર્યક્રમોનો ભાવિકો ભરપુર આનંદ ઉઠાવી રહ્યા છે.
બપોરના સમયે આકરા તકડાને કારણે ભાવિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે જો કે હાલમાં આકરી ગરમી પડી રહી હોય બપોરના સમયે ભીડ ઓછી જોવા મળે છે પરંતુ સાંજ થતાની સાથે જ જનમેદની ઉમટી પડતી હોય ખાસ કરીને સાંજના સમય બાદ મોડી રાત્રી સુધી મેળાની જમાવટ થઇ રહી છે. બુધવારથી ભાવિકોની સંખ્યામાં હજુ પણ વધારો થશે અને છેક અંતિમ દિવસ સુધી આવવાનું ચાલુ રહેશે, જેના કારણે ભાવિકોની સંખ્યા લાખોની થઇ જશે. ખાસ કરીને મેળાના આગળના દિવસો દરમિયાન ભાવિકો ની સંખ્યામાં ઉતરોતર વધારો જોવા મળશે ખાસ કરીને મહાશિવરાત્રીની રાત્રીના નિકળનારી રવેડી લોક આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય મેળાના અંતિમ દિવસે ભીડ વધુ જોવા મળશે.