અતિ સૂક્ષ્મ કહી શકાય તેવા કોરોના વાયરસે વિશ્વભરના દેશોને બાનમાં લઈ મોટી સુનામી જેવી ગંભીર સ્થિતિ ઉભી કરી દીધી છે. એમાં પણ કોરોનાએ સમયાંતરે પોતાનો “કલર” બદલતા નવું નવું જોખમ ઉભું થયું છે. કાકીડાની જેમ કલર બદલતા આ કોરોનાએ તો તેનું સ્વરૂપ પણ ઓળખવું મુશ્કેલ કરી દીઘું છે. એટલે જ તો ભારતમાં બીજી લહેર વધુ ઘાતકી સાબિત થઈ છે. કોરોનાના ઘમાસાણથી બચવા રસી જ સર્વસ્વ હોય તેમ વિશ્વમાં મનાય રહ્યું છે પરંતુ હાલ એક એવા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે જેને જાણીને રસી પરની વિશ્વસનીયતા ડગમગી જાય.

સૌથી વધુ વેક્સિન લેનાર દેશમાં જ કોરોનાના કેસ ડબલ નોંધાઈ રહ્યા છે. શું કોરોનાના બદલતા કલર સામે રસી પણ અપડેટ  કરવી પડશે ?? નવા નવા વેરીએન્ટ્સ, મ્યુટન્ટ સામે આવતા એ પ્રમાણે રસી પણ બદલવી પડશે ?? એવા પણ પ્રશ્નો ઉભા થયા છે.

જણાવી દઈએ કે હિંદ મહાસાગરમાં આવેલા ટાપુ રાષ્ટ્ર સેશેલ્સએ સૌથી વધુ “કોરોના કવચ” પોતાના નાગરિકોને પૂરું પાડ્યું છે. વિશ્વમાં સૌથી વધુ જો કોઈ દેશએ વેક્સિનેશન કરાવ્યું હોય તો એ આ સેશેલ્સ જ છે. પરંતુ હાલ અહીં છેલ્લા એક અઠવાડિયાથી નવા કેસ ઝડપભેર ફરી વધી રહ્યા છે. ગત 7મી મેથી અત્યાર સુધીમાં અહીં કરોનાના કેસ ડબલ થઇ ગયા છે. જે ચિંતાજનક છે. અને રસી લેવા છતાં કોરોના વકરે તો એ પાછળ કારણ  શું ?? શું રસી નિષ્ફળ નીવડી છે ?? પરંતુ આ અંગે વિશ્વા ચારથી સંગઠનને જણાવ્યું કે ઊંડાણપૂર્વકની તપાસ કર્યા વગર એમ કહેવું જરા પણ યોગ્ય નથી કે કોરોના સામે રસીકરણ નિષ્ફળ નિવડયું છે. ડબ્લ્યુએચઓનાં ઇમ્યુનાઇઝેશન, રસી અને જીવવિજ્ઞાન વિભાગના ડિરેક્ટર કેટ ઓ. બ્રાયને સોમવારે એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે તેઓ સેશેલ્સ સાથે સીધો સંદેશાવ્યવહાર કરી રહ્યા છે અને વાયરસના કેસ ફરી વધવા પાછળ તેની તીવ્રતા જેવા પરિબળોની વિગતવાર આકારણી કરવી જરૂરી છે. આફ્રિકાના પૂર્વ દરિયાકાંઠે આવેલા દ્વીપસમૂહ સેશેલ્સના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા અઠવાડિયાથી સક્રિય કેસની સંખ્યા બમણાથી વધુ થઈ ગઈ છે, જે 2,486 લોકો છે, અને તેમાંથી 37% લોકોને રસીના બે ડોઝ મળી ગયા છે. માલદીવ, કે જે અન્ય એક મહાસાગરના ટાપુ દેશ છે, જે એક લોકપ્રિય પર્યટન સ્થળ છે તેમાં પણ પોઝિટીવ મામલાઓ વધી રહ્યા છે.

જણાવી દઈએ કે, સેશેલ્સએ  સંયુક્ત આરબ અમીરાતની સાયનોફોર્મ રસીનો ઉપયોગ કરીને કોરોનાવાયરસ (કોવિડ -19) સામે તેમની વસ્તીને રસી આપવાનું શરૂ કર્યું. પાછળથી, સેશેલ્સએ ભારતની પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ રસીનો ઉપયોગ કર્યો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.