કોરોના કાકીડાની જેમ કલર બદલી રહ્યો છે
વિદેશમાં મળી આવેલ કોરોનાના નવા સ્ટ્રેન N44OK અને E484Q ભારતમાં પણ ગત સપ્ટેમ્બર માસથી ઉપસ્થિત
મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના આ નવા સ્વરૂપથી કેસ ન વધતા હોવાનો સ્વાસ્થ્ય મંત્રાલયનો મત
કોરોના વાયરસનાં કારણે વિશ્ર્વભરમાં છવાયેલી મહામારીથી વિશ્ર્વઆખું હતપ્રત થઈ ઉઠ્યું છે. આ કપરાકાળમાંથી ઉગરવા મોટાભાગનાં દેશોમાં રસીકરણ ઝુંબેશ પણ શરૂ થઈ ગઈ છે. બ્રિટન, રશિયા, યુકેમાં હજુ કોરોના વાયરસની તિવ્રતા ઓછી થઈ નથી. પરંતુ ભારતમાં છેલ્લા થોડા અઠવાડિયાઓથી કોરોનાના કેસ મહંદઅંશે ઘટી ગયા હતા. મૃત્યુઆંક ઘટવાની સાથે રીકવરી રેટ પણ વધી ગયો હતો પરંતુ છેલ્લા સાતેક દિવસથી કોરોનાએ ફરી માથું ઉંચકતા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે એમાં પણ સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને કેરળમાં વધ્યા છે. આ પાછળનું કારણ કોરોનાના નવા બે સ્ટ્રેન છે. જી.હા, ભારત પણ કોરોનાના નવા બે સ્ટ્રેન એટલે કે આ વાયરસનું નવું સ્વરૂપ સામે આવ્યું છે. જેનાથી સંક્રમણ ફેલાવાનો પહેલા કરતા પણ વધુ ખતરો ઉભો થયો છે. જો કે, મહારાષ્ટ્ર, કેરળમાં કોરોના કેસ વધવા પાછળ આ સ્ટ્રેન જવાબદાર ન હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
કોરોના કાકીડશની જેમ કલર બદલી રહ્યો છે. યુકે, યુએઈમાં નવાસ્ટ્રેને હાહાકાર મચાવ્યા બાદ હવે, કોવિડનો વધુ એક નવો કલર ભારતમાં જોવા મળ્યો છે. નીતિ આયોગનાં સ્વાસ્થ્ય ક્ષેત્રનાં સભ્ય ડો.વી.કે. પોલે કહ્યું કે, ભારતમાં N44OK અને E484Q નામના નવા બે સ્ટ્રેન સામે આવ્યા છે. પરંતુ હાલ, વધતા જતા કેસ સાથે તેને કોઈ સંબંધ નથી આ નવા સ્ટ્રેન અત્યારે નહી, પણ અગાઉ પણ સામે આવી ચૂકયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચના ડાયરેકટર જનરલ ડો. બલરામ ભાગર્વે જણાવ્યું કે, આ નવા બંને સ્ટ્રેન અગાઉ બીજા ઘણાં દેશોમાં જોવા મળેલા છે જ. અને ગત વર્ષે ભારતનાં ઘણા રાજયોમાં પણ જોવા મળ્યા હતા E484Q સ્ટ્રેન મહારાષ્ટ્રમાં વર્ષ ૨૦૨૦ના માર્ચથી જુલાઈ માસ વચ્ચે જોવા મળ્યો હતો. જયારે N44OK સ્ટ્રેન વર્ષ ૨૦૨૦ના મેથી સપ્ટેમ્બર માસ દરમિયાન તેલંગાણા, આંધ્રપ્રદેશ અને આસામમાં જુદા-જુદા ૧૩ પ્રયોગમાં જોવા મળ્યો હતો.
વધતા જતા કોરોના કેસને કાબુમાં લેવા ગઈકાલે પીએમઓ (વડાપ્રધાન કાર્યાલય) ખાતે મહત્વની બેઠક મળી હતી. જેમાં ૬ રાજયોમાં ફેલાયેલ કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરાઈ હતી. જેમાં સ્વાસ્થ્ય સચીવ રાજેશ ભુષણે કહ્યું કે, મહારાષ્ટ્ર, કેરળમાં કોરોનાના ભરડા પાછળ નવો સ્ટ્રેન કારણભૂત નથી. જોકે, તેમ છતાં લોકોએ વધુ સચેત થઈ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.
નેગેટીવ રીપોર્ટ હશે તો જ દિલ્હીમાં પ્રવેશ મળશે
કોરોના ફરી વકરતા દેશમાં એકટીવ કેસની સંખ્યા પૂન: દોઢ લાખને પાર થઈ ગઈ છે. કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના ભરડાથી અન્ય રાજયો પણ એલર્ટ થઈ ગયા છે. રાજધાની દિલ્હીમાં ફરી કોવિડ પરિસ્થિતિ અનિયંત્રીત બને તે પહેલા સરકારે નિર્ણય કર્યો છે કે, મહારાષ્ટ્ર, કેરળ, છતીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબમાંથી આવતા મુસાફરોએ ફરજીયાત પણે રીપોટ; કરાવવો પડશે અને રીપોર્ટ નેગેટીવ આવશે તો જ દિલ્હીમાં પ્રવેશા મળશે. આ નિયમ ૨૬મી ફેબ્રુઆરીથી લાગુ થશે.