સુરક્ષાદળને મળી સફળતા, હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત્ માર્યા ગયેલા આતંકીઓ જૈશ-એ-મહોમદ સાથે સંકળાયેલા હતા
પુલવામામાં આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર કરીને સફળતા મેળવી છે. આ આતંકીઓ જૈશ-એ-મોહમ્મદનાં હોવાનું જાણવા મળ્યું છે. હાલ સેનાએ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે.
પુલવામામાં આતંકવાદીઓ અને ભારતીય સેનાનાં જવાનો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જેમાં સેનાએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓ પાસેથી એકે-૪૭, એકેએમ અને એસએલઆર સહિતનાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. જવાનોનું સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત રાખવામાં આવ્યું છે. ઠાર કરાયેલા આતંકવાદીઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસનાં બે એસપીઓનો પણ સમાવેશ થાય છે. જે ગુરુવારે સર્વિસ રાઈફલ લઈને ફરાર થઈ ગયા હતા. તે બંને જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા હતા.
અગાઉ સેનાએ બુધવારે કાશ્મીરનાં આવા જ ટોપ ટેન આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી કે જે જમ્મુ-કાશ્મીરમાં થતા આતંકવાદી હુમલામાં સૌથી વધુ કાર્યરત હતા. આ યાદીમાં લશ્કર-એ-તોયબાનાં શોપિયા જિલ્લાનો કમાન્ડર વસીમ અહેમદ ઉર્ફે ઓસામા, એચએમનાં અનંતગામ જિલ્લાનો કમાન્ડર મહોમદ અશરફ ખાન, એચએમનાં બોરામૂલા જિલ્લાનો કમાન્ડર મહેરાઝુદીન, શ્રીનગરમાં એચએમનાં આતંકવાદી સૈફુલ્લાહ મીર ઉર્ફે ડોકટર સૈફ, એચએમનાં પુલવામા જિલ્લાનો કમાન્ડર અરશદ ઉલ હકનો સમાવેશ થાય છે. ભારતીય સેના આ તમામ આતંકવાદીઓનો સફાયો કરવા માટે આગામી દિવસોમાં વિશેષ અભિયાન હાથ ધરશે તેવું જાણવા મળ્યું છે.