જૂનાગઢ કલેકટર કચેરી ખાતે યોજાયેલ લીલી પરિક્રમા અંગેની બેઠકમાં પત્રકારોને પ્રવેશ આપવામાં ન આવતા જૂનાગઢના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો એ કલેકટર કચેરી ખાતે ધરણા કર્યા હતા.
જૂનાગઢની લીલી પરિક્રમા આ વર્ષે યોજાશે કે નહીં ? તે અંગેની છેલ્લા કેટલાય મહિનાઓથી જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ અને ગુજરાતમાં ચર્ચાઓ ચાલી રહી હતી અને આ બાબતે પત્રકારો દ્વારા અનેક વખત અહેવાલો પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક માધ્યમથી દ્વારા પ્રસિદ્ધ કરાયા હતા. કારણ કે, જુનાગઢની લીલી પરિક્રમા એ લાખો લોકોની શ્રદ્ધા ભક્તિ સાથે જોડાયેલી છે.
દરમિયાન ગઈકાલે જૂનાગઢ કલેકટર કચેરી ખાતે લીલી પરિક્રમા અંગે એક બેઠક મળી હતી અને આ વર્ષે લીલી પરિક્રમા થશે કે કેમ ? તે લોકો જાણી શકે અને જો રદ કરવામાં આવે તો કયા કારણોસર રદ કરવામાં આવશે તે બાબતથી પણ લોકો વાકેફ થાય તેવા શુભ આશય સાથે જૂનાગઢના ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયાના કર્મીઓ આ મીટીંગના કવરેજ માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા, ત્યારે જૂનાગઢના પત્રકારોને આ મિટિંગમાં પ્રવેશ દેવામાં આવ્યો ન હતો. જેને લઇને પત્રકારોમા નારાજગી અને રોષ ફેલાયો હતો અને કલેક્ટર કચેરી ખાતે ધરણાં શરૂ કર્યા હતા.
જો કે એક વાત મુજબ મીટીંગ પૂર્ણ થયા બાદ પણ આ વર્ષે લીલી પરિક્રમા કયા કારણોસર રદ કરાઇ ? અને આ બાબતે કોના દ્વારા શું ચર્ચા કરવામાં આવી ? તેવા પત્રકારોએ સવાલો કર્યા હતા પરંતુ અધિકારીઓએ તેમના પણ જવાબ આપ્યા ન હતા.