ઓનલાઈન વેપારની લોભામણી સ્કીમોથી નાના અને મધ્યમ વેપારીઓની રોજગારી પર અસર
ઓનલાઈન શોપીંગનાં વિરોધમાં ખંભાળિયાનાં મોબાઈલ, ઈલેકટ્રોનિકસ આઈટમો, કાપડ, ફુટવેર, કોસ્મેટીક, રમકડા, ખાદ્યવસ્તુઓ સહિતના વેપારીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થાનિક રોજગારીને ઉગારવાની માંગ ઉઠાવી હતી.
રજુઆતમાં જણાવાયું છે કે, મોબાઈલ, ઈલેકટ્રોનિકસ આઈટમો, કાપડ, ફુટવેર, કોસ્મેટીક, રમકડા, ખાદ્ય વસ્તુઓ જેવી લગભગ તમામ ક્ષેત્રમાં ઓનલાઈન બિઝનેસ મારફત એકાધિકાર સ્થપાઈ રહ્યો છે અને તેના કારણે બજારમાંથી ગ્રાહકનો અભાવ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિના કારણે નાના અને મધ્યમ વેપારીઓની રોજગારીમાં કફોડી હાલત સર્જાઈ છે. ઓનલાઈન વેપારની લોભામણી સ્કીમો દ્વારા ગ્રાહક સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે.
સાથો સાથ દરેક નાના-મોટા શહેરોમાં એક એવો સમાંતર વેપાર પણ ચાલી રહ્યો છે કે, જેને શહેર કે સમાજ જીવન સાથે કાંઈ લેવા-દેવા ના હોય, માત્ર શહેરની બહાર સેલનું બોર્ડ મારીને નિમન કક્ષાની વસ્તુઓ વેંચી રહ્યા છે અને પોતાની દુકાન સરકારી ટેકસોનું ભારણ અને અનેક લાઈસન્સો મેળવીને નોકર ચાકર રાખીને લાખો કરોડોનું રોકાણ કરી અનેક નાના માણસોને રોજગારી પુરી પાડી રહ્યા છે.
આમ પોતાની દુકાન ઉભી કરીને વેપાર કરતો વેપારી આજે બિચારો અને નવરો થઈને બેઠો છે ત્યારે મલ્ટીનેશનલ કંપનીઓ શરૂઆતના તબકકામાં એક પ્રકારના રોકાણ સમાન નુકસાની કરી આ ક્ષેત્રમાં કામ કરતા નાના વેપારીઓને બરબાદ કરી ઓનલાઈનના માધ્યમથી દેશના નાગરિકોને હલકી ગુણવતાના ઉત્પાદનો વેંચીને આ મહાકાય વિદેશી કંપનીઓ છેતરી રહી છે. ભારતીય પ્રજાને અનુરૂપ સરળ અને અનુકુળ કાયદો તાત્કાલિક બનાવવામાં આવે અથવા ઓનલાઈન વેપાર કંપની પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ છે