બપોર બાદ અરજી અંગે લેવાશે નિર્ણય, અરજી મંજૂર થયે અરજદારોને રૂબરૂ બોલવાશે ઉદ્યોગકારોને શક્ય હોય તો એસોસિએશનને અરજી આપવા કલેકટર તંત્રની અપીલ
જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉદ્યોગો માટેની અરજી હવે માત્ર બપોરે ૨ વાગ્યા સુધી જ સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ સાંજના સમયે અરજી મંજુર કરવી કે કેમ તે નક્કી કરાશે અને અરજી મંજુર થયે તુરંત જ અરજદારોને બોલાવવામાં આવનાર હોવાનું કલેકટર તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
લોકડાઉન વચ્ચે રાજકોટ જિલ્લામાં મહાપાલિકાની હદ બહારના વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે આ ઉદ્યોગોએ પોતાનું પ્રોડક્શન ચાલુ કરવા માટે પ્રથમ તો બાહેંધરી પત્રક આપવાનું રહે છે. જે એસોસિએશનને કે પ્રાંત અધિકારીને જમા કરાવ્યા બાદ ઉદ્યોગ શરૂ કરી શકાય છે. પરંતુ ઉદ્યોગના કામદારોના પાસ તેમજ પરિવહનની છૂટ માટે કલેકટર કચેરીએથી પાસ મેળવવાનો રહે છે.
હવે આ અરજી સ્વીકારવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે જન સેવા કેન્દ્રમાં બપોરે ૨ વાગ્યા સુધી જ ઉદ્યોગો અંગેની અરજી સ્વીકારવામાં આવશે. બપોર બાદ આ અરજી અંગે કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. અને જો અરજી મંજુર થાય તો તુરંત જ અરજદારને જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુમાં કલેકટર તંત્ર દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે શક્ય હોય તો ઉદ્યોગકારો પોતાના એસોસિએશનને જ અરજીઓ આપે જેથી તંત્રને તથા ઉદ્યોગકારોને સરળતા રહે.