બન્ને પક્ષોને નોટિસો આપી કલેકટર ઓફિસે હાજર રહેવા સૂચના : બન્ને પક્ષોને સાંભળીને નિર્ણય લેવાશે : હાઇકોર્ટે નિર્ણય લેવા માટે આપેલી મુદત આજે પૂર્ણ
બાલાજી મંદિરના બાંધકામ મુદ્દે કલેકટર શુક્રવારે સુનાવણી કરવાના છે. બન્ને પક્ષોને નોટિસો આપી કલેકટર ઓફિસે હાજર રહેવા સૂચના આપી દીધી છે. બન્ને પક્ષોને સાંભળીને બાદમાં નિર્ણય લેવાશે તેવું જાણવા મળી રહ્યું છે.
શહેરીજનોની આસ્થાના પ્રતિક એવા બાલાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા શહેરની ઐતિહાસિક એવી કરણસિંહજી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં અનઅધિકૃત રીતે બાંધકામની ઉઠેલી ફરીયાદ બાદ આ પ્રકરણ હાઈકોર્ટ સુધી પહોંચ્યું હતું. જેને પગલે હાઇકોર્ટે જિલ્લા કલેકટરને 4 અઠવાડિયામાં નિર્ણય લેવા આદેશ કર્યો હતો.
જેને પગલે તાજેતરમાં જિલ્લા કલેકટરે બાલાજી મંદિરની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેઓએ ત્યાં સ્થાનિકોને સાંભળ્યા પણ હતા. તે અગાઉ બન્ને પક્ષોના હિયરીંગ-નિવેદનો લેવાની કામગીરી સીટી-1 પ્રાંત અધિકારી ચૌધરી દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પ્રાંત અધિકારી દ્વારા રિપોર્ટ પણ તૈયાર કરી જિલ્લા કલેકટરને સોંપ્યો હતો. પછી જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ઓચિંતી બાલાજી મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સમગ્ર બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત આસપાસ રહેતા સ્થાનિકોની રજુઆત સાંભળી હતી.
આ ઘટના ક્રમ બાદ આજે કલેકટર કચેરીએથી જાણવા મળ્યા મુજબ બન્ને પક્ષોને નોટિસ આપી દેવામાં આવી છે. બન્ને પક્ષોને આગામી તા.26ને શુક્રવારના રોજ સવારે 11 વાગ્યે હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આમ હવે શુક્રવારે કલેકટર પ્રભવ જોશી દ્વારા બન્ને પક્ષોને અંતિમ વખત સાંભળવામાં આવશે. ત્યારબાદ તેઓ દ્વારા નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે બાલાજી મંદિર ટ્રસ્ટના આ બાંધકામના મુદ્દે તપાસ કરવા હાઈકોર્ટ દ્વારા જીલ્લા કલેકટરને આદેશ આપવામાં આવેલ હતો. જે બાદ કલેકટર પ્રભવ જોશી દ્વારા આ અંગે તાબડતોબ તપાસ કમીટીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી ચૌધરી, સીટી સર્વે અધિકારી શિક્ષણ અધિકારી અને બે મામલતદારોનો સમાવેશ કરવામાં આવેલ હતો.
જે બાદ બાલાજી મંદિર ટ્રસ્ટના બાંધકામના મુદ્દે રચાયેલી ખાસ કમીટી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત જીલ્લા શિક્ષણાધિકારી પાસેથી પણ રીપોર્ટ મંગાવવામાં આવેલ હતો. જે બાદ પ્રાંત અધિકારી ચૌધરી દ્વારા પણ આ પ્રકરણમાં બન્ને પક્ષોના નિવેદનો અને હિયરીંગની કામગીરી કરવામાં આવી હતી.
હાઇકોર્ટ દ્વારા અગાઉ શક્ય હોય તો એટલે કે ઇચ્છનીય છે કે જિલ્લા કલેકટર 4 અઠવાડિયામાં નિર્ણય જાહેર કરે તેવી સૂચના જાહેર કરવામાં આવી હતી. આ 4 અઠવાડિયાનો સમય આજે 23મીએ પૂર્ણ થયો છે.