બામણબોર અને જીવાપરના ચકચારી જમીનનો કેસ રિવિઝનમાં લઈને લાંબા સમયથી ચાલેલી સુનાવણી બાદ ગમે તે ઘડીએ ચુકાદો જાહેર થશે
બામણબોર અને જીવાપર ગામની સીમમાં આવેલ અંદાજે 700 એકર જેટલી સરકારી જમીનને ટોચમર્યાદા ઘારાનું ખોટું અર્થઘટન કરી 10થી વધુ ખાનગી વ્યક્તિઓના નામે ચડાવી દેવામાં આવી હતી. તે અંગે તપાસ હાથધરવામાં આવી હતી. આ બન્ને ગામનો રાજકોટમાં સમાવેશ થયા બાદ જિલ્લા કલેક્ટરે આ કેસ રિવિઝનમાં લીધો હતો. હવે ચુકાદાની અંતિમ ઘડીઓ ગણાય રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજકોટના નવા એરપોર્ટને અડીને 700 એકર જમીનના તમામ કેસો રાજકોટ જીલ્લા કલેકટરે રીવીઝનમાં લઈ નોટીસો કાઢી સુનાવણી નક્કી કરી હતી. જેમાં એ.એલ.સી. રેકર્ડસ ઓફ રાઇટસ સહિતના તમામ કાયદાઓનું ઉલ્લંઘન થયું છે. ચોટીલા તાલુકા મામલતદારે વર્ષ 2017માં 700 એકર જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સુપ્રીમ કોર્ટમાંથી રીમાન્ડ થઇને આવ્યા બાદ તત્કાલીન ચોટીલા મામલતદારે આ કેસો ચલાવી જે ચુકાદા આપી 700 એકર જમીન ગીરાસદારને આપી દીધી હતી. ચુકાદામાં કોઇ સ્પષ્ટતા એટલે કે એએલસી એકટ તેમજ રેકર્ડસ ઓફ રાઇટસનો ઉલ્લેખ કર્યો નથી. માત્રને માત્ર કેસનું વિવરણ કરીને ગીરાસદારને જમીન આપી દીધી છે. ચુકાદામાં અનેક વિસંગતતા બહાર આવી હતી.
માટે રાજકોટ જિલ્લા કલેક્ટરે આ કેસોને રિવિઝનમાં લીધા હતા. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હવે આ કેસ સુનાવણી ઉપર છે. ગમે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવનાર છે.
ચકચારી કેસમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે
ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની જમીનને ખાનગી વ્યક્તિઓના નામે કરી ગેરરીતીમાં અત્યાર સુધી એસીબીએ (1) તત્કાલીન નિવાસી અધીક કલેકટર ચંન્દ્રકાન્ત પંડયા (2) ચોટીલાના તત્કાલીન નાયબ જીલ્લા વિકાસ અધિકારી વી.ઝેડ.ચૌહાણ (3) ઈન્ચાર્જ મામલતદાર જે.એલ.ઘાડવી (4) એમ.સી.રાઠોડ-તત્કાલીન મામલતદાર ચોટીલા (5) વી.ટી.ખાચર-તત્કાલીન સર્કલ ઓફીસર ચોટીલા (6) ડી.એમ.પંજવાણી-તત્કાલીન ચીટનીશ કલેકટર કચેરી સુરેન્દ્રનગર, (7) રાજેશ રામભાઈ ખાચર-પ્રજાજન અને (8) ભીમાભાઈ કલાભાઈ પરમાર-તત્કાલીન તલાટી-કમ-મંત્રી બામણબોર જીવાપર સહિત 8 આરોપીઓની ઘરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યાં હતાં.
સર્વોચ્ચ અદાલતના હુકમને અવગણી કૌભાંડ આચરવામાં આવ્યું
જે તે સમયે સર્વોચ્ચ અદાલતે તમામ પીટીશન્સ કલબ કરી, સુપ્રીમ કોર્ટ દ્વારા વીડ, રોકવાળી, પોત ખરાબા તથા અન્ય પ્રકારની બંજર જમીનને પણ ખેતીની જમીન ગણવા અંગેનો ચુકાદો જાહેર કરી, તમામ પીટીશન્સ ડીસમીસ કરવા હુકમ કરવામાં આવેલ. તેવા સંજોગોમાં 17 વર્ષ બાદ ફરીથી કેસ ચલાવી કરેલ હુકમની કાર્યવાહી કરી, નામ સુપ્રીમ કોર્ટના આદેશનું અવમાન કરેલ હતું. ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા મુજબ બહેનો-દીકરીઓને યુનિટ મળવાપાત્ર નહીં હોવા છતા તેઓને યુનિટ આપી કાયદાકીય અધિકાર બહારનું આચરણ કરેલું હતું.