રાજકોટ જિલ્લાના પ્રત્યેક તાલુકાની એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા મોડેલ સ્કૂલ બને તેવા જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસો
સણોસરા પ્રાથમિક શાળાના જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા કલેક્ટર
રાજકોટ તાલુકાના સણોસરા ગામે આવેલી સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા સહભાગી બન્યા હતા અને કૂલ મળી ૧૦૯ બાળકોને વિદ્યામંદિરોમાં પ્રવેશ કરાવ્યો હતો. તેમણે આ તકે બાળકોને ચિત્ત લગાવી અભ્યાસ કરવા શીખ આપી હતી.
કલેક્ટર ડો. ગુપ્તાએ જણાવ્યું કે, બાળકો પાસે કોઇને કોઇ શક્તિ છૂપાયેલી હોય છે. તેને માત્ર નીખારવાની જરૂરત હોય છે. કોઇ બાળક અભ્યાસમાં નબળો હોય તો તેની પાસે રહેલી બીજી કોઇ કળાનો વિકાસ કરવો જોઇએ. કોઇ બાળક સારો ચિત્રકાર બની શકે તો કોઇ બાળક સારો ખેલાડી બની શકે છે. ભગવાને તમામ લોકોને સરખા બનાવ્યો છે. તેમની પાસે ગરીબ અને તવંગર એવો કોઇ ભેદ નથી. એટલે જ ગરીબ પરિવારના છાત્રો પણ ટાંચા સાધનોથી પણ પોતાની સારી કારકીર્દિનું નિર્માણ કરતા હોય છે. તેનું ઉત્તમ ઉદાહરણ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી છે. જે સાવ ગરીબ પરિવારમાંથી આવે છે અને ચા વેચીને ગુજરાન ચલાવતા હતા. જે આજે વડાપ્રધાન બન્યા છે.
વાલીઓને ટકોર કરતા કલેક્ટરશ્રીએ કહ્યું કે બાળક શાળાથી ઘરે આવે ત્યારે, વાલીઓને તેમના અભ્યાસ અંગે પૃચ્છા કરવી જોઇએ. શાળામાં શું ભળાવ્યું, કંઇ પ્રવૃત્તિ કરાવી તે બાબતથી વાલીઓને વાકેફ થવું જોઇએ. બાળકોને તેના અભ્યાસ સિવાયની કોઇ પણ પ્રવૃત્તિઓમાં જોતરવા જોઇએ નહીં. તેજસ્વી બાળક આખા પરિવારને તારી દે છે. જ્યારે, અભ્યાસમાં નબળા હોય એવા બાળકોની વિશેષ તકેદારી રાખવા અને આવા બાળકોને માટે શાળા સમય સિવાય પણ વિશેષ અભ્યાસ વર્ગોનું આયોજન કરવા શિક્ષકોને સૂચન કર્યું હતું.
કલેક્ટરશ્રી અને અન્ય મહાનુભાવોએ શૈક્ષણિક કિટ આપી આંગણવાડીમાં ૨૫, પ્રાથમિક શાળામાં ૩૦ અને માધ્યમિક શાળામાં ૫૪ બાળકોનું નામાંકન કરાવ્યું હતું. બાળકોને સાંસ્કૃત કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. દાતાઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
એ બાદ કલેક્ટરશ્રીએ પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા શિક્ષણ વર્ગની મુલાકાત લીધી હતી અને ડિઝીટર ક્લાસ રૂમથી તેઓ પ્રભાવિત થયા હતા. પ્રાથમિક શાળાના આચાર્યા શ્રી પારુલબેન નોંઘણવદરાએ શાળામાં બ્લોક ટાઇલ્સ નાખવાની જરૂરિયાત વર્ણવતા કલેક્ટરશ્રીએ તેમની રજૂઆત માન્ય આ માટે ગ્રાંટ ફાળવવાની જાહેરાત કરી દીધી હતી.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે તેઓ વ્યક્તિગત રીતે એવો લક્ષ્યાંક રાખે છે રાજકોટ જિલ્લાના પ્રત્યેક તાલુકાની એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા મોડેલ સ્કૂલ બને. આ માટે તેઓ કાર્યવાહી કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેના પરિણામે આજે ડ્રોપ આઉટ રેશિયો બે ટકા સુધી પહોંચી ગયો છે. હવે, આપણા સહિયારા પ્રયત્નોથી શિક્ષણ સારૂ અને સુલભ બને એ માટે સતત કાર્યરત રહેવું પડશે.
કલેક્ટરશ્રીએ સણોસરામાં આવેલા પ્રાથિમક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, ઐતિહાસિક સ્થળ દરબાર ગઢનું પણ નિરીક્ષણ કર્યું હતું.
આ વેળાએ ગામના સરપંચ શ્રીમતી નફિસાબેન શેરશિયા, ઉપસરપંચ શ્રી બાબુભાઇ ડાભી, આચાર્ય શ્રી ગોપાણી, તબીબી અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.