- મેળામાં લાખોની મેદની હજારો વાહનોની અવરજવરની વ્યવસ્થા માટે ભૂતકાળના અનુભવો આધારીત આયોજનોની હિમાયત
- જૂનાગઢના સુપ્રસિધ્ધ શિવરાત્રીના મેળાની આગમનના પગલે વહીવટીતંત્ર અને ધર્માલયોમાં મેળાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. મેળામાં 15 લાખની સંભવીત મેદની અને શહેરમાં હજારો વાહનોની અવર જવરની વ્યવસ્થામાં ભૂતકાળના અનુભવો ટાંકીને મેળાની અણીચુક વ્યવસ્થા માટે તંત્રએ કમર કસી છે.
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ મહાશિવરાત્રીના મેળા સંદર્ભે ભવનાથ તળેટી સહિત મેળાના વિસ્તારની સ્થળ મુલાકાત કરી જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ભાવિકોની સુવિધાને અગ્રતા આપવા કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરએ મજેવડી ગેટ, ભરડાવાવ, વાઘેશ્વરી મંદિર પાસેનું ગ્રાઉન્ડ, ગિરનાર દરવાજા, ભવનાથ પોલીસ સ્ટેશન પાસેનો વિસ્તાર, રવેડી રૂટ તેમજ ભવનાથ વિસ્તારની મુલાકાત કરી, યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે સંબંધીત અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત કલેક્ટરએ ભવનાથ મહાદેવના દર્શન કરવાની સાથે મૃગીકુંડ ખાતેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.અગાઉના વર્ષોના અનુભવ, મેળા દરમિયાન ધ્યાનમાં આવેલી બાબતોને લક્ષમાં રાખીને સુવિધાને અગ્રતા આપવા પણ જણાવ્યું હતું. કલેકટરએ મહાશિવરાત્રીના મેળા સંદર્ભે પૂર્વ તૈયારીઓ અન્વયે ભવનાથ વિસ્તારની મુલાકાત કરી રસ્તા, સાફ સફાઈ, પીવાના પાણીની સુવિધાઓ, ટ્રાફિક નિયમન તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ બાબતે સંલગ્ન અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કર્યો હતો. પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને કોમ્યુનિકેશનમાં સુદ્રઢ વ્યવસ્થા અને રાઉન્ડ ધ ક્લોક કામગીરી માટે જણાવ્યું હતું.
આ સ્થળ વિઝીટમાં મ્યુ.કમિશનર ઓમ પ્રકાશ, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેક્ટર એન.એફ.ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાપડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.