બેન્કો પાસેથી લીધેલી લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ ગયેલા ૪૮ આસામીઓની મિલકતનો કબ્જો બેંકને સોંપવા મામલતદારોને અધીકૃત કરાયા
નોટિસ બાદ રૂ.૩.૧૭ કરોડનું બાકી લેણુ તુરંત જ ભરપાઈ કરી દેનાર ૬ આસામીઓનો બચાવ
વિવિધ બેંકો પાસેથી લોન લઈને રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ ગયેલા ૪૮ આસામીઓ પાસેથી રૂ.૧૨૭.૭૯ કોડનું બાકી લેણુ વસુલવા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ મિલકત જપ્તીના આદેશ આપ્યા છે. આ સાથે મિલકતનો કબજો બેંકને સોંપવા અર્થે મામલતદારોને અધિકૃત કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. જો કે નોટિસ બાદ રૂ.૩.૧૭ કરોડનું બાકી લેણુ તુરંત જ જમા કરાવી દેનાર ૬ આસામીઓની મિલકત બચાવ થયો છે.
રાજકોટ જિલ્લામાં બેંક ઓફ બરોડા, અલ્હાબાદ બેંક, દેના બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક, સિટી યુનિયન બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, શુભ હાઉસીંગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ, આદિત્ય બિરલા ફાયનાન્સ લી., યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, કોર્પોરેશન બેંક, એ.યુ.સ્મોલ ફાયનાન્સ બેંક લી., સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ધ લક્ષ્મી વિલાસ બેંક પાસેથી લોન લઈને આ લોન ભરપાઈ કરવામાં ૪૮ આસામીઓ નિષ્ફળ ગયા હતા.
ત્યારે આ ૪૮ આસામીઓ પાસેથી લેણા પેટે નીકળતા રૂ૧૨૭.૭૯ કરોડની વસુલાત માટે ગીરવે મુકવામાં આવેલી મિલકતો કબજે લેવા અર્થે બેંકોએ જિલ્લા કલેકટર સમક્ષ દરખાસ્ત મુકી હતી. ત્યારે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આ ૪૮ આસામીઓ પાસેથી રૂ૧૨૭.૭૯ કરોડ વસુલવા માટે તેઓની મિલકત જપ્ત કરવાના આદેશ આપ્યા છે.
જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આસામીઓની લોન માટે તારણમાં મુકવામાં આવેલી સ્થાવર અને જંગમ મિલકતોનો કબજો બેંકોને અપાવવા મામલતદારોને અધિકૃત કરતા હુકમો કર્યા છે. જે સંદર્ભે મામલતદારો આ તમામ આસામીઓની મિલકતનો કબજો મેળવીને તે કબજો બેંકોને સોંપી દેશે. આ ઉપરાંત ૬ આસામીઓએ નોટિસ મળતા તુરંત જ રૂ.૩.૧૭ કરોડની બાકી રકમ બેંકોને ચૂકવી આપતા તેઓની મિલકતનો બચાવ થઈ ગયો છે.
અગાઉ ૫૪ આસામીઓની બેંકોને ભરપાઈ કરવાની બાકી રકમ રૂ.૧૩૦.૯૬ કરોડ જેટલી હતી. જો કે, ૬ આસામીઓએ પોતાનું ૩.૧૭ કરોડનું બાકી લેણુ બેંકોને નોટિસ મળ્યા બાદ બેંકોને ચૂકવી દેતા ૪૮ આસામીઓ પાસેથી લેણુ મેળવવાનું બાકી રહ્યું હતું. ત્યારે આ ૪૮ આસામીઓના રૂ.૧૨૭.૭૯ કરોડ વસુલવા તેઓની મિલકતની જપ્તી લેવા માટે જિલ્લા કલેકટરે આદેશ કરીને આ માટે મામલતદારોને અધિકૃત પણ કર્યા છે.