શહેરની મધ્યમાં ઓફિસ માટે આપેલી કરોડોની કિંમતી જમીન ઉપર વર્ષો સુધી બાંધકામ ન કરતા કલેકટર તંત્રનું આકરું પગલું
ઈન્ડીયન એરલાયન્સ એટલે કે એર ઈન્ડિયાને રાજકોટ શહેરની મધ્યમાં ઓફિસ બનાવવા માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર દાયકાઓ સુધી બાંધકામ કરવામાં ન આવતા અંતે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ શરતભંગ કેસ ચલાવી સરકારની જ ઈન્ડીયન એરલાયન્સ કંપની પાસેથી જમીન પરત લેવા હુકમ કરતા ચકચાર જાગી છે.
જાણવા મળતી વધુ વિગત મુજબ રાજકોટ શહેરના ત્રિકોણબાગ નજીક એ ડિવીઝન પોલીસ સ્ટેશનની બાજુમાં દાયકા પૂર્વે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ઈન્ડિયન એરલાયન્સ અને હાલની એર ઈન્ડિયા કંપનીને ઓફિસ બનાવવાના હેતુ માટે ૧ હજાર ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી પરંતુ એર ઈન્ડિયા દ્વારા વર્ષો વિતવા છતાં આ જમીન પર બાંધકામ કરવામાં ન આવતા શહેરની વચ્ચો વચ્ચ આવેલી અને કરોડોની કિંમતી ગણાતી આ જમીન પર મસમોટો ઉકરડો જામી જતા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ઈન્ડિયન એરલાયન્સને શરતભંગ બદલ નોટિસ ફટકારી આ જમીન કેમ પરત ન લેવી ? તેવો સવાલ કર્યો હતો.
વધુમાં ઈન્ડીયન એરલાયન્સ સરકારનું જ સાહસ હોય જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ઈન્ડિયન એરલાયન્સની વિનંતી ગ્રાહ્ય રાખી અગાઉ બેથી વધુ વખત તક આપી નિયત સમય મર્યાદામાં ઉપરોકત સ્થળે બાંધકામ કરી લેતા તાકીદ કરવામાં આવી હતી આમ છતાં પણ કંપની દ્વારા બાંધકામ કરવામાં ન આવતા છેલ્લે વધુ એક તક આપી ડિસેમ્બર-૨૦૧૭ સુધીમાં હેતુ મુજબ જમીનનો ઉપયોગ કરી બાંધકામ કરવા આખરી તક કલેકટર તંત્ર દ્વારા આપવામાં આવી હતી.
જોકે આમ છતાં ઈન્ડિયન એરલાયન્સ એટલે કે એર ઈન્ડિયા કંપની દ્વારા હેતુ મુજબનો ઉપયોગ કરવા આ જમીન પર બાંધકામ કરવામાં ન આવતા અંતે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ શરતભંગ કેસ ચલાવી દઈ કંપનીને આપેલી કરોડોની કિંમતી ૧ હજાર ચો.મી. જમીન પરત સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે જે-તે સમયે ઈન્ડિયન એરલાયન્સ કંપનીને બાર્ટન ટ્રેનીંગ સેન્ટરની શૈક્ષણિક હેતુ માટેની જમીનમાંથી આ જમીન ફાળવવામાં આવી હતી પરંતુ વર્ષો સુધી એર ઈન્ડિયાએ આ જમીનનો હેતુ મુજબનો ઉપયોગ કર્યો ન હતો અને સામાપક્ષે બાર્ટન ટ્રેનીંગ કોલેજની હાલની આ જગ્યા ટુંકી પડી રહી હોય એર ઈન્ડિયા કંપનીની રદ થયેલી જમીન પુન: બાર્ટન કોલેજને ફાળવવામાં આવે તેવી શકયતા પણ જોવાઈ રહી છે.