પોત- પોતાના વિસ્તારોમાં સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો અંગે ઠોસ પુરાવા એકત્ર કરવા પ્રાંત અધિકારીઓને કલેકટર અરૂણ મહેશબાબુનો આદેશ
અબતક, રાજકોટ : સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણો ઉપર ટૂંક સમયમાં મોટી કાર્યવાહી થવાના એંધાણ મળી રહ્યા છે. જિલ્લા કલેકટર આ વિષયે એક્શન મોડમાં છે. તેઓએ પ્રાંત અધિકારીઓને પોત- પોતાના વિસ્તારોમાં સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો અંગે ઠોસ પુરાવા એકત્ર કરવાનો આદેશ આપ્યો છે.
રાજકોટ જિલ્લામાં ગેરકાયદે રીતે જમીન ઉપર દબાણ કરનારાઓ સામે એક્શન લેવા માટે આજે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે સરકારી જમીન ઉપર જેટલા દબાણો થયા છે તેના ઠોસ પુરાવા એકત્ર કરવામાં આવે. જેથી દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહી શરૂ થઈ શકે.
ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી જમીન ઉપર બેફામ દબાણો ખડકાયેલા છે. આ ઉપરાંત હાઇવે ટચ સરકારી ખરાબાઓમાં પણ દબાણો પુરજોશમાં થઈ રહ્યા છે. સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં તો સરકારી દબાણો ઉપર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.પણ ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યવાહીનો અભાવ આજ સુધી વર્તાઈ રહ્યો છે.
આજ રોજ જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુએ લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં 35 અરજીઓ અંગે નિર્ણય કર્યો હતો. સાથોસાથ સરકારી જમીનોમાં થયેલા દબાણો વિશે પણ ભાર મુક્યો હતો. તેઓએ પ્રાંત અધિકારીઓને આદેશ આપ્યો કે તેઓના વિસ્તારોમાં સરકારી જમીન ઉપર જેટલા જેટલા દબાણો છે તેની વિગતો એકત્ર કરવામાં આવે અને સરકારી જમીનમાં કોનું દબાણ છે તે સહિતના ઠોસ પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવે. આમ હવે સમગ્ર જિલ્લામાં સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ ખડકી બેફામ બનેલા ભુમાફિયાઓ સામે કલેકટર તંત્ર દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ શકયતા જણાઈ રહી છે.
વધુમાં એવી પણ શકયતા છે કે હવે કલેકટર તંત્ર જરૂર પડ્યે સરકારી જમીન ઉપર દબાણ ખડકી દેનાર તત્વો સામે પોતે ફરિયાદી બનીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ પણ કાર્યવાહી કરે. હવે કલેકટર તંત્ર દબાણ કરનારાઓ સામે એક્શન મોડના આવ્યું હોવાનું જણાય રહ્યું છે. એટલે હવે થોડા દિવસોમાં જ નવાજુની થાય તેવા અણસાર મળી રહ્યા છે.