લેન્ડ ગ્રેબીંગ એકટની પ્રથમ બેઠક સંપન્ન
૧૮ અધિકારીઓની બેઠકમાં ઉપસ્થિતિ: આગામી મીટીંગ પૂર્વે જે-તે ડિવિઝનના પોલીસ અધિકારી તથા પ્રાંત અધિકારીએ તપાસનો રિપોર્ટ તૈયાર કરી સમિતિને સોંપવો પડશે
લેન્ડ ગ્રેબીંગ એકટની પ્રથમ મીટીંગ આજે મળી હતી જેમાં કલેકટર સહિતના ૧૮ અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. આ બેઠકમાં કલેકટરે કાર્ય પઘ્ધતિ નકકી કરી ૧૫ અરજીઓની તપાસના આદેશો છોડયા હતા. આ તપાસ જે-તે ડિવિઝનના પોલીસ અધિકારી તથા પ્રાંત અધિકારીને કરવા સુચના આપવામાં આવી છે અને આગામી બેઠક મળે તે પૂર્વે જ તપાસનો રીપોર્ટ સમિતિને સોંપવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે.
રાજય સરકાર દ્વારા તાજેતરમાં અમલમાં આવેલ લેન્ડ ગ્રેબીંગ એકટમાં રાજકોટ શહેર અને જિલ્લામાં જમીન હડપના ૧૫ કિસ્સાઓ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કલેકટરને લેન્ડ ગ્રેબીંગ એકટ અન્વયે ૧૫ અરજીઓ મળી હતી. આજરોજ કલેકટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબીંગ એકટ સંદર્ભે પ્રથમ મીટીંગ મળી હતી જેમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ વડા, રૂડાના સીઈઓ, સીટી પ્રાંત-૧, સીટી પ્રાંત-૨ સહિતના ૧૮ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યત્વે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા કાર્ય પઘ્ધતિ નકકી કરવામાં આવી હતી. આ કાર્ય પઘ્ધતિ મુજબ જ હવેથી જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળની કાર્યવાહી શરૂ થશે. આ બેઠકમાં સમિતિ સમક્ષ ૧૫ અરજીઓ મુકવામાં આવી હતી. આ ૧૫ અરજીઓની તપાસ જે-તે વિસ્તારના ડિવિઝનના પોલીસ અધિકારી તેમજ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. કૌભાંડની વિસ્તૃત તપાસનો રીપોર્ટ આ અધિકારીઓએ આગામી બેઠક પૂર્વે સમિતિ સમક્ષ મુકવાના આદેશ આપવામાં આવ્યા છે.