અસરકારક કામગીરીથી જાનમાલનું મોટું નુકશાન અટકાવવામાં સફળતા: કલેકટર
જુલાઈ રાજકોટ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર-ટીમ રાજકોટએ કરેલી અસરકારક કામગીરીના કારણે અનેક મોટી નુકસાની અટકાવી શકાઈ છે. એટલું જ નહી, જિલ્લામાં જ્યાં ક્યાંય રોડ કે પુલ સહિતનું માળખું ક્ષતિગ્રસ્ત થયું છે, ત્યાં પણ તાબડતોબ રિપેરિંગ કામગીરી શરૂ કરી દેવાઈ છે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આ બેઠકમાં જિલ્લામાં પૂર બચાવ-રાહત કામગીરીનો તલસ્પર્શી અહેવાલ વિવિધ વિભાગો પાસેથી મેળવ્યો હતો.
તેમણે પ્રભાવશાળી કામગીરી કરનારી ટીમ રાજકોટને ખાસ અભિનંદન પાઠવ્યા હતા, તેમજ તેમણે પોલીસ વિભાગ, સિંચાઈવિભાગ, પ્રાંત અધિકારીઓ તેમજ પૂર-બચાવ રાહત કામગીરીમાં જોડાયેલા સૌનો આભાર પણ માન્યો હતો. કલેક્ટરએ ખાસ કહ્યું હતું કે, ટીમ રાજકોટની અસરકારક કામગીરીના કારણે આપણે જાનમાલનું મોટું નુકસાન અટકાવી શક્યા છીએ.
રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ
કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મહત્તમ લોકો સુધી પહોંચાડવા કલેક્ટરે આપ્યા દિશા-નિર્દેશ
રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં કલેક્ટએ વિવિધ પડતર પ્રથ્નોનો તાગ મેળવીને તેને વહેલાસર ઉકેલવા માટે સૂચનો આપ્યાં હતાં. એટલું જ નહીં, કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે કલેક્ટરએ દિશાનિર્દેશ આપ્યા હતા.
આજે સવારે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં જિલ્લામાં વિવિધ વિભાગોના પડતર પ્રશ્નો ચર્ચાયા હતા. કલેક્ટરએ માર્ગ અને મકાન વિભાગ, વનવિભાગ, પીજીવીસીએલ, શિક્ષણવિભાગ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, સિંચાઈ વિભાગ, જિલ્લા ઉદ્યોગ, પૂરવઠા વિભાગ, જમીન અને સંપાદન, ખેતી અને પશુપાલન ક્ષેત્ર સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી, તેમના વિભાગોની પ્રગતિનો અહેવાલ જાણ્યો હતો. એટલું જ નહીં, વિવિધ પડતર પ્રશ્નોનો વહેલાસર ઉકેલ કેમ લાવવો તે અંગે પણ કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં કિસાન ક્રેડિટ કાર્ડ, અટલ પેન્શન યોજના સહિત અનેક કલ્યાણકારી યોજનાઓના લાભો વધુમાં વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાડવા અને મહત્તમ લોકો સુધી વિકાસના ફળ કેવી રીતે પહોંચાડવા તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓ અંગો લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ કલેક્ટરશ્રીએ અધિકારીઓને અપીલ કરી હતી. કલેક્ટરએ કચેરીના બાકી તુમાર અંગે પણ જાણકારી મેળવીને સંબંધિત કચેરીના અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર, અધિક કલેક્ટર અને ડી.આર.ડી.એ.ના ડાયરેક્ટર એન.આર. ધાધલ, તમામ પ્રાંત અધિકારીઓ, જિલ્લા પૂરવઠા અધિકારી સહિત અનેક અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.