કુલ ૪૦૪૨ ઔધોગિક એકમો પાસેથી ૧૬૪૫ કરોડનું ઉઘરાણું કરવામાં લાજ કાઢતું વિદ્યુત બોર્ડ
રાજયની વીજ કંપનીઓનો ઘરના ઘંટી ચાટે અને પાડોશી આંટો લઈ જાય તેવો ઘાટ સર્જાયો છે. એક તરફ વિદ્યુત કંપનીઓને પગાર ચુકવવો ન પડે તે માટે ઓછા કર્મચારીઓ રાખી કામ ચલાવી રહી છે. બીજી તરફ રાજયના ૪૦૪૨ ઔધોગિક એકમો પાસેથી ‚રૂ ૧૬૪૫ કરોડ ઉઘરાવવામાં પાછીપાની કરી રહી છે.
રાજયમાં વિદ્યુત બોર્ડના કર્મચારીઓ ઓછો સ્ટાફ હોવાની રજુઆતો અવાર નવાર કરે છે. આ મામલે આંદોલન કરવા સુધીની ચીમકી ઉચ્ચારાઈ ચુકી છે પરંતુ નાની એવી રકમ ચુકવવા ઈચ્છતી નથી. વિગતો મુજબ હાલ રાજયમાં પીજીવીસીએલમાં ૪૨૦૦ કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે. જો આ જગ્યાઓ ભરી દેવામાં આવે તો વર્ષે માંડ ‚રૂ.૧૪૧ કરોડનું વાર્ષિક ભારણ પડી શકે પરંતુ આ ૧૪૧ કરોડ બચાવવાના પ્રયત્નોમાં ભાન ભુલેલા વિદ્યુત બોર્ડ ઔધોગિક એકમો પાસેથી રૂ.૧૬૪૫ કરોડ ઉઘરાવી શકતું નથી.
માત્ર ૧૪૧ કરોડ બચાવવા જતા પીજીવીસીએલના વિસ્તારમાં ૪૨૦૦ કર્મચારીઓ અને અધિકારીઓની જગ્યા ખાલી પડી છે. સ્ટાફ સેટઅપ ઓછું હોવાથી મુખ્યત્વે ગ્રાહકોને મુશ્કેલી પડે છે. કર્મચારીઓની અછતના કારણે પીજીવીસીએલ ગ્રાહકોને સમયસર સર્વિસ પ્રોવાઈડ કરી શકતી નથી. ખાસ કરીને ચોમાસામાં ગ્રાહકોને તકલીફ વેઠવી પડે છે. વધુમાં સ્ટાફની અછતના કારણે અન્ય કર્મચારીઓ અને અધિકારીઓને કામનું ભારણ વધે છે. ઝડપી કામ કરવા જતા કર્મચારીઓ કયારેક અકસ્માતનો ભોગ પણ બને છે. આમ ઓછું સ્ટાફ સેટઅપ કર્મચારીઓના ભોગનું કારણ પણ બની રહે છે.
વિધાનસભામાં પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં ગુજરાત સરકારે ઔધોગિક એકમો પાસેથી લેણાની નીકળતી રકમનો ફોડ પાડયો છે. સુરતના ૯૮૬ એકમો પાસેથી રૂ.૮૨૯ કરોડ, ભરૂચના ૨૩૮ એકમો પાસેથી ૨૩૮ કરોડ, કચ્છના ૨૦૮ એકમો પાસેથી ૬૩ કરોડ, મોરબીના ૨૬૦ એકમો પાસેથી ૪૫ કરોડ, પોરબંદરના ૧૭૮ એકમો પાસેથી ૪૫ કરોડ, ભાવનગરના ૨૪૪ એકમો પાસેથી ૩૪ કરોડ અને રાજકોટના ૩૭૫ એકમો પાસેથી ૨૯ કરોડનું ઉઘરાણું બાકી છે. અનેક કિસ્સાઓમાં મામલો કોર્ટમાં પહોંચ્યો છે. લોક અદાલતના માધ્યમથી ઝડપથી કેસનો નિકાલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
સરકાર સંચાલિત વીજ કંપનીઓની આડોડાઈ બંને તરફ ભારે પડી રહી છે. કર્મચારીઓના અભાવે લોકો ત્રસ્ત છે અને જયાંથી પૈસા લેવાના છે ત્યાં ઉઘરાણુ ન કરાતા મસમોટુ નુકસાન થયું છે. આંકડા મુજબ સરકારને ૨૦૧૬માં યુનિટ દીઠ રૂ.૨.૮૫ ૩૧,૮૦૫ મીલીયન યુનિટ ખાનગી કંપનીઓ પાસેથી ખરીદવા પડયા હતા. ગુજરાતને અત્યાર સુધી સર પ્લસ પાવર સ્ટેટ ગણવામાં આવતું હતું પરંતુ બીંબાઢાળ વહિવટના કારણે સરકારને વિજળી પણ બહારથી ખરીદવાની ફરજ પડી રહી છે.
ખાલી પડેલી ૪૨૦૦ જગ્યા ભરવામાં પીજીવીસીએલને રસ નથી: જગ્યા ભરવાથી માત્ર ૧૪૧ કરોડનો વાર્ષિક ખર્ચ