રાજકોટનું લઘુત્તમ તાપમાન ૯.૪ ડિગ્રી સેલ્શીયસ: ૧૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા શહેરીજનો થરથર ધ્રુજયાં: રાજયભરમાં કોલ્ડવેવ, હજુ ઠંડી વધે તેવી શકયતા

ઉત્તર ભારતના રાજયોમાં સતત પડી રહેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતા રાજકોટ આજે ૯.૪ ડિગ્રી સેલ્સીયસ લઘુતમ તાપમાન સાથે સૌરાષ્ટ્રનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું હતું. કચ્છના નલીયામાં આજે લઘુતમ તાપમાનનો પારો ઉંચકાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હજુ ૩ થી ૪ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૯.૪ ડિગ્રી સેલ્સીયન નોંધાયું હતું. ગઈકાલ કરતા આજે ઠંડીનું જોર વધ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૧ ટકા રહેવા પામ્યું હતું. સવારે ૮:૩૦ કલાકે શહેરનું તાપમાન ૧૨.૮ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.

એક તરફ લઘુતમ તાપમાનનો પારો નીચે પટકાયો હતો તો બીજી તરફ શહેરમાં પ્રતિ કલાક ૧૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા શહેરીજનો કાતિલ સુસવાટા મારતા ઠંડા પવનમાં રીતસર ઠુંઠવાઈ ગયા હતા. દિવસભર સતત ગરમ કપડામાં વિટોળાઈ રહેવું પડે તેવી ઠંડીનો અહેસાસ છેલ્લા ત્રણ દિવસથી રાજકોટવાસીઓ કરી રહ્યાં છે. સતત બીજા દિવસે રાજકોટ સૌરાષ્ટ્રનું ઠંડી શહેર રહ્યું હતું.

આજે કચ્છના નલીયામાં લઘુતમ તાપમાનનો પારો ૩ ડિગ્રી સુધી ઉંચકાતા નલીયાવાસીઓને કાતિલ ઠંડીમાં થોડી રાહત મળી હતી. નલીયાનું લઘુતમ તાપમાન ૯ ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૪ ટકા અને પવનની ઝડપ શાંત રહેવા પામી હતી. ગઈકાલનું મહત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલી શહિતના શહેરોમાં આજે કાતિલ ઠંડીએ રીતસર બોકાસો બોલાવી દીધો હતો. અમરેલીનું લઘુતમ તાપમાન ૧૦.૪ ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૬ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬.૭ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.

જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૨.૪ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. ગીરનાર પર્વત પર તાપમાનનો પારો ૭ ડિગ્રી આસપાસ પહોંચી જતા યાત્રીકો કાતિલ ઠંડીમાં ઠુઠવાઈ ગયા હતા. જૂનાગઢમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં માત્ર ૨ ડિગ્રીનો તફાવત રહેતા સોરઠવાસીઓ દિવસભર ઠંડીમાં ધ્રુજયા હતા. અહીં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૨ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૭.૪ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.

ઉત્તરીય રાજયોમાં કાતિલ હિમવર્ષાના કારણે રાજયમાં હજુ ચાર દિવસ ઠંડીનું જોર યથાવત રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આવતીકાલે પણ રાજયના મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો પટકાય તેવી શકયતા જણાય રહી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.