કચ્છના નલીયામાં લઘુતમ તાપમાનનો પારો ઉંચકાયો, રાજકોટમાં પારો પટકાયો: હજી બે દિવસ ઠંડીનું જોર વધશે: બેઠા ઠારથી જનજીવન ઠુંઠવાયું
જમ્મુ-કાશ્મીરમાં પડેલી રેકોર્ડબ્રેક બરફ વર્ષાના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત કાતિલ ઠંડીની આગોશમાં આવી ગયું છે. આજે ચાલુ સાલ શિયાળાની સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં આજે લઘુતમ તાપમાનનો પારો ૧૧ ડિગ્રી સેલ્શીયસે પહોંચી ગયો હતો. બેઠા ઠારની અસરતળે જનજીવન રિતસર ઠુંઠવાઈ ગયું હતું. આગામી બે દિવસ હજી રાજયભરમાં ઠંડીનું જોર જળવાય રહેશે ત્યારબાદ લઘુતમ તાપમાન ૧૩ થી ૧૫ ડિગ્રી વચ્ચે સ્થિર થઈ જશે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલનું તાપમાન ૧૨.૯ ડિગ્રી હતું એક જ દિવસમાં પારો ૩ ડિગ્રી સુધી પટકાતા શહેરીજનો રિતસર ઠંડીમાં ઠુંઠવાય ગયા છે. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા અને પવનની ગતિ સરેરાશ ૮ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૨૭.૮ ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા ચાર દિવસમાં રાજકોટમાં લઘુતમ તાપમાનમાં ૯ ડિગ્રીથી વધુનો ઘટાડો નોંધાતા શહેરીજનો હાર્ડ થ્રીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
એક તરફ આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને રાજયભરના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો નીચો પટકાયો હતો તો બીજી તરફ છેલ્લા ઘણા વર્ષોથી શિયાળાની સીઝનમાં રાજયમાં ઠંડીની આગેવાની લેતા કચ્છના નલીયામાં આજે આશ્ર્ચર્યજનક રીતે ઠંડીનો પારો ઉંચકાયો હતો. નલીયાનું મહતમ તાપમાન આજે ૧૦.૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. સતત બે દિવસ સુધી સિંગલ ડિજિટમાં તાપમાન રહ્યા બાદ આજે ડબલ ડિજિટમાં પારો પહોંચતા નલીયાવાસીઓને કાતિલ ઠંડીમાંથી થોડી રાહત મળી હતી. અહીં ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને પવનની ગતિ શાંત રહેવા પામી હતી. રાજકોટ કરતા ગઈકાલે નલીયાનું મહતમ તાપમાન વધુ નોંધાયું હતું. કાલે નલીયાનું મહતમ તાપમાન ૨૮.૨ ડિગ્રી રહેવા પામ્યું હતું.
એક તરફ તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. બીજી તરફ કાતિલ ઠંડીના સુસવાટામાં બેઠા ઠારનો અહેસાસ થઈ રહ્યો હોવાના કારણે જનજીવન રિતસર કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ ગયું છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં પડેલી રેકોર્ડબ્રેક બરફવર્ષાની અસર હજી બે થી ત્રણ દિવસ સુધી રાજયમાં જોવા મળશે.
આગામી દિવસોમાં રાજકોટમાં હજી પણ તાપમાનનો ઘટાડો આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. ઠંડી સામે રક્ષણ મેળવવા માટે લોકો ગરમ પીણા, અડદિયા, ગુંદર પાક, ચીકી સહિતના આરોગ્યપ્રદ ખોરાક તરફ વળ્યા છે. મોડી રાતસુધી જાગતું રાજકોટ કાતિલ ઠંડીમાં જાણે વહેલી પથારી ભેગું થઈ જતું હોય તેવું લાગી રહ્યું છે. શહેરના રાજમાર્ગો પર રાત પડતાની સાથે જ સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ જોવા મળે છે.