હજી એકાદ સપ્તાહ સુધી મિશ્ર વાતાવરણ રહેશે ‘ગાજા’ સંપૂર્ણપણે વિખેરાયા બાદ ઠંડી જમાવટ કરશે
દિવાળી બાદ એક સપ્તાહ વિતવા છતાં સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડી બરાબર પડતી નથી. વહેલી સવારે અને સાંજે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો બપોરે આકરા તાપનો અહેસાસ થઈ રહ્યો છે. શિયાળાની સિઝનને બંગાળની ખાડીમાંથી ઉદભવેલા ગાજા નામના વાવાઝોડાએ અવરોધી છે. આગામી એકાદ સપ્તાહ સુધી રાજયભરમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થશે. ગાજા વિખેરાયા બાદ શિયાળો જમાવટ કરશે અને ઠંડીનો દોર શરૂ થશે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા અને પવનની સરેરાશ ઝડપ પ્રતિકલાક પાંચ કિમી રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. આજે સવારે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. મોડીરાતે પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે બપોરના સમયે પંખા અને એસી જેવા ઈલેકટ્રીક ઉપકરણો ચાલુ રાખવા પડે છે.
સામાન્ય રીતે દિવાળી બાદ ઠંડીનો આરંભ થતો હોય છે પરંતુ આ વર્ષ દિવાળીના આઠ દિવસ બાદ પણ ઉનાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે. બંગાળની ખાડીમાંથી ઉદભવેલા ગાજા નામના વાવાઝોડાના કારણે શિયાળાની સિઝન ડિસ્ટર્બ થઈ છે. નોર્થ-ઈસ્ટના શિયાળુ પવનો ફુંકાવાની શરૂઆત થઈ નથી. હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, ગાજી નામનું વાવાઝોડું સંપુર્ણપણે વિખેરાયા બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. હાલ એકાદ અઠવાડિયા સુધી હાડ થ્રીજાવતી ઠંડીનો દોર શઅ થાય તેવી કોઈ જ શકયતા નથી.