૧૧.૮ ડિગ્રી સેલ્સીયસ સાથે નલીયા રાજયનું સૌથી ઠંડુ શહેર લોકો શાલ-સ્વેટર જેવા ગરમ વસ્ત્રોમાં દેખાવા લાગ્યા
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં શિયાળો ધીમેધીમે જમાવટ કરી રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવનો ફુંકાવાના કારણે લોકોહવે સાલ અને સ્વેટર જેવા ગરમ વસ્ત્રોને દેખાવા લાગ્યા છે. આગામી બે ત્રણ દિવસમાં આકાશમાંથી વાદળોનું આવરણા હટતાની સાથે જ રાજયભરમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૭.૧ ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ સવારે ૮.૩૦ કલાકે શહેરનું તાપમાન ૧૯.૮ ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા અને પવનની સરેરાશ ઝડપ પ્રતિ કલા ૬ કી.મી. રહેવા પામી હતી.
ગઈકાલનું મહતમ તાપમાન ૩૨.૪ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ હાલ પૂર્વીય પવન ફૂંકાય રહ્યા છે. આકાશમાં વાદળોનું આવરણ હોવાના કારણે શિયાળો બરાબર જામતો નથી અને દિવાળીના એક માસ બાદ પણ હજી જોઈએ તેવી ઠંડીનો અહેસાસ થતો નથી.
વહેલી સવારે અને રાત્રે ઠંડા પવનના કારણે ઠંડી અનુભવાય રહી છે. લોકોએ ફરજીયાત ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે છે. આગામી બેથી ત્રણ દિવસમાં વાદળોનું આવરણ હટતા અને આકાશ કલીયર થતાની સાથે જ રાજયભરમાં કાતીલ ઠંડીનુંજોર વધશે અને શિયાળો બરાબર જમાવટ કરશે.
કચ્છના નલીયાએ આ વર્ષે પણ શિયાળાની આગેવાની લીધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે નલીયા આજે ૧૧.૮ ડિગ્રી સેલ્શીયસ સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું હતુ ઠંડીના ચમકારાના કારણે ગરમ વસ્ત્રોના વેચાણમાં પણ વધારો થયો છે. શિયાળુ શાકભાજીની આવક પણ શરૂ થઈ જવા પામી છે.