રાજકોટનું લઘુતમ તાપમાન ૧૧.૭ ડિગ્રી, નલિયા સૌથી ઠંડુ શહેર
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ઠંડીનું જોર વધ્યું છે. આગામી દિવસોમાં તાપમાનમાં હજુ બે-ત્રણ ડિગ્રી નોંધપાત્ર ઘટાડો થવા સામે ઠંડી વધુ તીવ્ર બનશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
દર વર્ષે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ઠંડી વધુ પડતી હોય છે. જો કે ગત વર્ષની વાત કરીએ તો ૩૧ ડીસેમ્બર સુધીમાં પારો ૧૦ ડિગ્રીથી નીચે પટકાયો હતો ત્યારે આજે રાજકોટ શહેરનું લઘુતમ તાપમાન ૧૧.૭ ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન ૨૭.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા અને ૮ કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બર્ફીલા પવનો ફૂંકાય હતા જેને લઈ લઘુત્તમ તાપમાનનો પારો પણ નીચે પટકાયો છે. રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. ત્યારે રાજ્યભરમાં સૌથી વધુ ઠંડુ શહેર નલિયાનું ૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. લોકો ઠંડીથી બચવા ગરમ કપડાં અને તાપણાનો સહારો લઇ રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પારો હજુ બે થી ત્રણ ડિગ્રી ઘટે તેવી શકયતા છે અને આજે સવારે સૂર્યગ્રહણને કારણે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું જેથી ઠંડીમાં વધારો થયો હતો. આજે ૮:૦૪ કલાકથી સૂર્યગ્રહણના લીધે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં અંધારપટ છવાયું હતું જેને લઇને ઠંડીમાં આંશિક વધારો થયો હતો અને પવનની ગતી પણ તેજ થતા લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.