એકાદ પખવાડીયું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેશે: ડિસેમ્બરથી શિયાળો લેશે જમાવટ
હાલ વહેલી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરે ઉનાળા જેવી આકરી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. મિશ્ર સિઝનના કારણે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધ્યું છે. દરમિયાન આગામી 15મી નવેમ્બર બાદ રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે એકાદ પખવાડીયું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે. ડિસેમ્બરના આરંભથી શિયાળો બરાબર જમાવટ કરશે. આ વર્ષ શિયાળામાં કાતીલ ઠંડી પડે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન હવે વિખેરાય ગયું હોય રાજ્યમાં કમૌસમી વરસાદની કોઇ જ સંભાવના નથી.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર હજી પાંચેક દિવસ લઘુત્તમ તાપમાનનો પારો 18 થી 20 ડિગ્રી સેલ્શિયસ વચ્ચે રહેશે. હાલ ઉત્તર-પૂર્વના સુક્કા પવનો ફૂંકાવાનું શરૂ થઇ ગયું છે.
આગામી 15મી નવેમ્બર બાદ ઠંડીના જોરમાં ક્રમશ: વધારો થશે. એકાદ પખવાડીયુ લઘુત્તમ તાપમાન 15 થી 20 ડિગ્રી વચ્ચે રહેશે. ડિસેમ્બરના આરંભથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. જમ્મુ-કાશ્મિર સહિત ઉત્તરના રાજ્યોમાં હિમવર્ષા પડ્યા બાદ કાતીલ ઠંડી પડશે. આ વર્ષ શિયાળામાં હાડ ધ્રુજાવતી ઠંડી પડશે. તેવી આગાહી અગાઉ જ આપી દેવામાં આવી છે.
આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી સેલ્શિયસ રહ્યા પામ્યુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 42 ટકા અને પવનની સરેરાશ ઝડપ 6 કિ.મી. પ્રતિકલાક રહ્યા પામી હતી. ગઇકાલનું મહત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું. આગામી 15મી નવેમ્બર બાદ દિવસના તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. દિવાળી બાદ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.