સમીક્ષા બેઠક બોલાવતાં મહાપાલિકાનાં પદાધિકારીઓ: બાંધકામ, વોટર વર્કસ, ડ્રેનેજ અને આવાસ યોજના સહિતનાં પ્રોજેકટોની ચર્ચા
લોકસભાની ચુંટણીની જાહેરાત થયા બાદ ગત ૧૦મી માર્ચથી દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ છે. દરમિયાન ગઈકાલે લોકસભાની ચુંટણીનું પરિણામ આવી ગયું છે. છેલ્લાં અઢી માસથી દેશમાં લાગુ આચારસંહિતા આગામી સોમવારે વિધિવત રીતે ઉઠી જશે ત્યારબાદ ફરી વિકાસ કામો શરૂ થઈ જશે. આજે મહાપાલિકાનાં પદાધિકારીઓએ ત્રણેય ઝોનનાં સિટી એન્જીનીયર, આવાસ યોજનાનાં અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી અને અલગ-અલગ પ્રોજેકટોની સમીક્ષા કરી હતી.
કેન્દ્રીય ચુંટણીપંચ દ્વારા ગત ૧૦મી માર્ચનાં રોજ ૧૭મી લોકસભાની ચુંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી જેનાં કારણે છેલ્લા અઢી માસથી વિકાસ કામો પર બ્રેક લાગી જવા પામી છે. ચાલુ પ્રોજેકટનો ધમધમાટ ચાલી રહ્યો છે પરંતુ નવા એકપણ પ્રોજેકટ શરૂ થઈ શકયા નથી. ગઈકાલે લોકસભાની ચુંટણીની મતગણતરી પૂર્ણ થઈ જવા પામી છે. આગામી ૨૭મી મેનાં રોજ ચુંટણીપ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ આચારસંહિતા ઉઠી જશે. હવે વિકાસ કામો શરૂ કરી શકાશે.
દરમિયાન આજે કોર્પોરેશનમાં મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા અને શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણીએ ત્રણેય ઝોનનાં સિટી એન્જીનીયર, આવાસ યોજના વિભાગનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. શહેરમાં ચાલતાં બાંધકામ, વોટર વર્કસ, ડ્રેનેજ અને આવાસ યોજનાનાં કામોની વિગત મેળવી હતી અને નવાં કામો શરૂ કરવા અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સોમવારે આચારસંહિતા ઉઠયા બાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિવિધ વિકાસ કામોને બહાલી આપી શકાશે.