હાલમાં જ મુંબઈનો એક યુવાન એન્જિનિયર આ હુક્કાને કારણે ૧૮ દિવસ હોસ્પિટલમાં રહ્યો હતો અને માંડ બચ્યો હતોયુવાનોમાં અમુક આદતો માટે એવો ક્રેઝ જોવા મળે છે કે અત્યારે નહીં કરીએ તો ક્યારે કરીશું? જીવન એક વાર જ મળ્યું છે અને બસ, એ માટે બધી મજા કરી લઈએ. આ વિચાર ઉપર યુવાનો ખોટી આદતોના બંધાણી બની રહ્યા છે અને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. હકીકત એ જ છે કે જીવન એક જ વાર મળ્યું છે અને એને આવા નકામા શોખ માટે જોખમમાં મૂકવું એ બિલકુલ સમજદારીભર્યું કામ નથી. તમારી એક પળની મજા તમારા અને તમારા પરિવાર માટે જીવનભરની સજામાં ફેરવાય એ પહેલાં ચેતી જવું સારું. જો તમને આ વાત નકામો ઉપદેશ લાગતો હોય તો હાલમાં મુંબઈના ૨૯ વર્ષના ઈંઝ એન્જિનિયર સાથે થયેલો કેસ જાણવો જરૂરી છે.
સિવિયર ઇન્ફેક્શન
મુંબઈના આ ઈંઝ એન્જિનિયરને અચાનક બે અઠવાડિયાં પહેલાં શ્વાસમાં તકલીફ ઊપડી અને તે હોસ્પિટલમાં દાખલ થયો. તેને તપાસતાં ખબર પડી કે તેને છાતીમાં સિવિયર ઇન્ફેક્શન છે અને એને કારણે રેસ્પિરેટરી ફેલ્યર થયું છે. તેનો સ્કેન દર્શાવી રહ્યો હતો કે તેનાં ફેફસાંમાં સફેદ રંગના પેચ છે જે સિવિયર ઇન્ફેક્શન દર્શાવતા હતા. ડોક્ટરે તેમને સપોર્ટ સિસ્ટમ પર રાખ્યા અને દવાઓ શરૂ કરી, પરંતુ ઇન્ફેક્શન એટલું જટિલ હતું કે તરત કાબૂમાં આવે એમ નહોતું. ડોક્ટર તેને દરરોજ પૂછતા કે તને સ્મોકિંગ કે બીજી કોઈ ખરાબ આદત છે? તે ના પાડતા. ડોક્ટરનું આવું પૂછવા પાછળનું કારણ એ હતું કે આ પ્રકારનું ઇન્ફેક્શન મોટા ભાગે ડ્રગ્સ લેનારા લોકોને થતું હોય છે. ૬ ફુટનો ૨૯ વર્ષનો યુવાન માણસ અને તેને આવું ઇન્ફેક્શન થયું હોય તો ડ્રગ્સ સિવાય બીજું શું કારણ હોઈ શકે? પરંતુ કારણ નીકળ્યો હુક્કો.
જીવનું જોખમ
આ એન્જિનિયરનાં હાલમાં જ લગ્ન થયાં હતાં. તેના એક અંકલ તેના માટે સિંગાપોરથી હુક્કો ખરીદીને લાવ્યા હતા. ઘરે નહોતાં, બહારગામ ગયાં હતાં એટલે તેણે એ હુક્કો બહાર કાઢ્યો અને પીવાનું શરૂ કર્યું. એટલી મજા આવવા લાગી કે દરરોજ પીવા લાગ્યો. એના માટે તેણે પાનની ફેન્સી દુકાનોમાં મળતો મેજિક કોલ એટલે કે એક પ્રકારનો કોલસો પણ ખરીદ્યો. આ કોલસાનો ઉપયોગ હુક્કાના કેમિકલને બાળવા માટે થતો હોય છે. છેલ્લા બે મહિનાથી તે લગભગ દરરોજ ઘરે આ હુક્કો પીતો હતો. આ એન્જિનિયરનો ઇલાજ કરનારા અને ઝેન હોસ્પિટલ, ચેમ્બુરના પલ્મનોલોજિસ્ટ ડો. અરવિંદ કાટે કહે છે, આ એક અતિ સિવિયર પ્રકારનું ઇન્ફેક્શન હતું, જે આ મેજિક કોલ એટલે કે કોલસાને કારણે થયું હતું. અમે આ દરદીને ઍન્ટિબાયોટિક અને ઍન્ટિફંગલ દવાઓ ચાલુ રાખી હતી. આ ઇન્ફેક્શનને કાબૂમાં લેવું અઘરું હતું, જેના માટે મેં મુંબઈના ટોપ ડોક્ટર્સ જોડે ચર્ચા પણ કરેલી હતી. સદ્નસીબે આ દવાઓ એ વ્યક્તિ પર કામ કરી ગઈ નહીંતર તેના જીવ પર જોખમ ઊભું હતું. આ વ્યક્તિને ૧૮ દિવસ અમારે હોસ્પિટલમાં રાખવી પડી હતી.
ફ્લેવર્ડ હુક્કા સેફ નથી
ઘણા લોકોની એવી માન્યતા છે કે સિગારેટ-બીડી હાનિકારક હોય છે, પરંતુ હુક્કા નહીં. અને એમાં પણ ખાસ ફ્લેવર્ડ હુક્કા માટે લોકોને એમ હોય છે કે એ હાનિકારક નથી. પરંતુ એ હોય જ છે. ઠેર-ઠેર હુક્કા-પાર્લરમાં જે લોકો હુક્કા ટ્રાય કરતા હોય છે એમાંથી લગભગ દરેકની માન્યતા એવી હોય છે કે આ પ્રકારના હુક્કા ફક્ત મજા આપે છે, નુકસાન કરતા નથી. આ કેસ આ માન્યતાને નકારે છે. ફ્લેવર્ડ હુક્કા કઈ રીતે નુકસાન કરતા હોય છે એ વિશે સમજાવતાં ડો. અરવિંદ કાટે કહે છે, હુક્કા-પાર્લરવાળા કહે છે કે આ હુક્કામાંથી જે ધુમાડો છે એ પાણી પરથી પસાર થઈને આવે છે એટલે એ ફિલ્ટર થઈ જાય છે અને એમાં રહેલી અશુદ્ધતા કે કેમિકલ જતાં રહે છે અને એ શુદ્ધ ફોર્મમાં તમને મળે છે. આ વાતનું વૈજ્ઞાનિક કોઈ તથ્ય નથી. બીજું એ કે ફ્લેવર લાવવા માટે વપરાતાં કેમિકલ્સ તમને નુકસાન પહોંચાડે જ છે, કારણકે આ કેમિકલ્સ ટોક્સિક હોય છે. એમાં જે કોલસો વાપરવામાં આવે છે એ કોલસો પણ કઈ ક્વોલિટીનો છે, કેટલો જૂનો છે એ તમને ખબર નથી હોતી. એને કારણે આ પ્રકારના બનાવો બને છે. કોલસામાં ફૂગ થઈ જતી હોય છે. જો એવા કોલસાને વાપરવામાં આવે તો ઇન્ફેક્શન થવાનું રિસ્ક ઘણું વધી જાય છે.
સિગારેટથી પણ વધુ નુકસાનકારક
પુણેસ્થિત નેશનલ લેવલના ચેસ્ટ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા હુક્કાનું સેવન કેટલું હાનિકારક હોઈ શકે એ એનાં ઘણાં રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે એ વાત જણાવતાં ડો. અરવિંદ કાટે કહે છે, અઢળક રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે હુક્કો સિગારેટ અને બીડી કરતાં પણ વધુ હાનિકારક છે, કારણ કે એમાં કશ ઊંડો ભરવાનો હોય છે અને વધુ સમય માટે ધુમાડો શરીરમાં રહે છે. એક આંકડા મુજબ હુક્કા-પાર્લરમાં જે ૧ કલાકનો સમય હોય છે એ એક કલાક તમાકુવાળો હુક્કો જો તમે પીતા હો તો એ ૧૦૦ સિગારેટ પીવા જેટલું હાનિકારક ગણાય છે. ફેફસાંની પહેલેથી કોઈ તકલીફ હોય; જેમ કે અસ્થમા, શ્વાસમાં તકલીફ કે ફેફસાંનું ઇન્ફેક્શન વગેરે તો એવી વ્યક્તિએ આ પ્રકારના એક્સપોઝરથી દૂર જ રહેવું; કારણ કે તેમને જીવલેણ અટેક આવી શકે છે. આ સિવાય સામાન્ય વ્યક્તિઓને પણ હુક્કાને કારણે ઇન્ફેક્શન કે બ્રોન્કાઇટિસ થઈ શકે છે. એને કારણે શ્વાસની તકલીફ આવે, ઇન્હેલર્સ કે નેબ્યુલાઇઝેશન લેવાં પડે, હોસ્પિટલમાં ભરતી થવું પડે અને જો દવાઓ કામ ન લાગી તો જીવ પણ ખોવાની હાલત આવી શકે છે.
મેજિક કોલથી થતું નુકસાન
કોલસાનો એક એવો પ્રકાર છે જે જલદી સળગી શકે છે. જે લોકો ઘરે હુક્કો પીએ છે તેઓ સહુલિયત માટે સરળતાથી હુક્કો સળગાવી શકે એ માટે વાપરતા હોય છે. યુવાનોમાં એ ઘણું જ પોપ્યુલર છે. બજારમાં સરળતાથી મળે છે, પરંતુ આ કોલસો કેમિકલ દ્વારા કોટ કરવામાં આવે છે જેથી એ જલદી સળગી શકે. આ કેમિકલ ખૂબ હાનિકારક સાબિત થતાં હોય છે. વળી એની ક્વોલિટી ખરાબ હોય તો પણ ખબર પડતી નથી. સામાન્ય રીતે કોલસો બળે તો કાર્બન મોનોક્સાઇડ જેવા હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત ઘણી અશુદ્ધિઓ પણ એ ઉત્પન્ન કરે છે જે ફેફસાંમાં જઈને ઇન્ફેક્શનનું કારણ બનતી હોય છે. આ અશુદ્ધિઓ કેન્સરકારક હોય છે.