મેયર બંગલે આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંઠીયા ખાવાની ઇચ્છા વ્યક્ત કરી: કૈલાશ ફરસાણના ફાફડા-ગાંઠીયા, સંભારો, મરચા અને જલેબીનો લુફ્ત ઉઠાવ્યો

રાજકોટના વણેલા અને ફાફડા ગાંઠીયાના ચાહક માત્ર રાજકોટવાસીઓ જ હોય તેવું નથી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પણ રાજકોટના ગાંઠીયાનો સ્વાદ દાઢે વળગી ગયો છે. ગઇકાલે આટકોટ ખાતે કે.ડી.પરવાડીયા હોસ્પિટલના કેથલેબ અને ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કર્યા બાદ સીએમ ‘અનંત અનાદી વડનગર’ ફિલ્મ જોવા માટે મેયર બંગલા ખાતે પધાર્યા હતા. સીએમની ખાતીરદારી કરવા માટે મેયર ડો.પ્રદિપ ડવે સેન્ડવિચ, ડ્રાયફ્રૂટ્સ અને જ્યુસનો નાસ્તો તૈયાર રાખ્યો હતો પરંતુ મુખ્યમંત્રી કંઇક અલગ જ મૂડમાં હતા. તેઓની નાસ્તાની પ્લેટ પર નજર કર્યા બાદ મેયર સામે જોઇને કહ્યું હતું કે રાજકોટમાં આવીને ડ્રાયફ્રૂટ્સ થોડા ખાવાના હોય મેયર ફાફડા-ગાંઠીયા મંગાવો. મુખ્યપ્રધાને ગાંઠીયા ખાવાની ઇચ્છા વ્યક્ત કરતા થોડીવાર માટે દોડાદોડી થઇ ગઇ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના શિડ્યુલ મુજબ તેઓ ખરેખર વડનગર ખાતે જઇને ‘અનંત અનાદી વડનગર’ ફિલ્મ નિહાળવાના હતા. પરંતુ આટકોટ કાર્યક્રમમાં મોડું થઇ જવાના કારણે તેઓએ આ ફિલ્મ રાજકોટમાં મેયર બંગલા ખાતે નિહાળવાનું નક્કી કર્યું હતું. રાત્રે 9:15 કલાકે સીએમનો કાફલો રેસકોર્ષ રિંગ રોડ પર આવેલા મેયર બંગલા ખાતે આવ્યો હતો. જ્યાં મુખ્યમંત્રીની ખાતીરદારી માટે નાસ્તો તૈયાર રાખવામાં આવ્યો હતો. જેમાં સેન્ડવિચ, અલગ-અલગ ડ્રાયફ્રૂટ્સ અને જ્યુસ રાખવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીને મેયરે નાસ્તો કરવા માટે આગ્રહ કર્યો હતો.

જ્યારે નાસ્તાની પ્લેટ પર નજર કરતાની સાથે જ ભૂપેન્દ્રભાઇના મોંઢામાંથી શબ્દો સરી પડ્યા હતા કે રાજકોટની મુલાકાતે આવ્યા હોય ત્યારે ડ્રાયફ્રૂટ્સ અને સેન્ડવિચ જેવો નાસ્તો થોડો કરાય, મેયર ફાફડા-ગાંઠીયા મંગાવો.

સીએમે ગાંઠીયા ખાવાની ઇચ્છા વ્યક્ત કરતા મેયર ડો.પ્રદિપભાઇ ડવે તાત્કાલીક સ્ટાફને દોડાવ્યો હતો. શહેરના સરદારનગર રોડ પર આવેલા કૈલાશ ફરસાણમાંથી સીએમ માટે ફાફડા-ગાંઠીયા, સંભારો, મરચા અને જલેબી મંગાવવામાં આવી હતી. ગાંઠીયાનો નાસ્તો પીરસવામાં આવતા જ મુખ્યમંત્રી ખુશ-ખુશાલ થઇ ગયા હતા. તેઓએ મન પસંદ નાસ્તાનો લુફ્ત ઉઠાવ્યો હતો. તેઓની સાથે રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળિયા, ભાનુબેન બાબરિયા, પ્રફૂલ્લભાઇ પાનસેરિયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરિયા સહિતના નેતાઓએ નાસ્તો કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.