આજે રાત્રિના સવા અગિયાર કલાક પછી સમગ્ર ભારત સહિત વિશ્ર્વના અમુક દેશો પ્રદેશોમાં છાયા ચંદ્રગ્રહણનો અદ્ભૂત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં નરી આંખે આકાશમાં ૦૩ કલાક, ૧૮ મિનિટ સુધી ગ્રહણ જોવા મળશે. ટેલીસ્કોપ-દૂરબીનથી ગ્રહણની ગતિવિધિ તેજસ્વીતામાં ફેરફાર, પડછાયાની કરામત સ્પષ્ટ જોવા મળશે. રાજયમાં ગ્રહણ નિદર્શન સાથે જાગૃતોને ચા નાસ્તો કરાવી વેધાદિ નિયમોનો ભુકકો બોલાવી નકારાત્મક ફળકથનોની હોળી કરવામાં આવશે. લોકોને છાયા ચંદ્રગ્રહણ નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.
વાવાઝોડાને પગલે ચંદ્રગ્રહણ સમયે વાદળો અવરોધરૂપ બને તેવી પુરેપુરી શકયતાઓ છે.
જાનાથા રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, રાજયમાં પસંદગીના સ્થળોએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી નિદર્શન સાથે ચા નાસ્તાનું ફેરફાર, પડછાયાની કરામત ઉપર સમજણ આપવામાં આવશે. અત્યારે દેશભરમાં જાથાએ અવકાશ તરફ નજર કરતાં થાય તે અભિયાન આદર્યુ છે.
ચંદ્રગ્રહણ ધાર્મિક દૃષ્ટિએ પાળવાની જરૂર નથી
જેઠ સુદ પુનમને આજે છાયાચંદ્રગ્રહણ હોવાથી ધાર્મિક દૃષ્ટિએ પાળવાની જરૂર નથી. આ ગ્રહણ વૃશ્ર્વિક રાશિમાં થશે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, એશિયા, યુરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરિકામાં દેખાશે ગ્રહણ સ્પર્શ આજે રાત્રે ૧૧:૧૬ કલાકે, અને ગ્રહણ મોક્ષ આજે રાત્રે ૨:૩૪ કલાકે થશેે. -શાસ્ત્રી રાજદિપ જોષી