રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કંપની સંચાલકોની મુખ્યમંત્રી સાથે બેઠક કરાવી કાચામાલનો પ્રશ્ર્ન ઉકેલ્યો
પોરબંદરમાં ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ ફેકટરીને કાચા માલ માટે ખુબ મુશ્કેલી વેઠવી પડતી હતી તેથી 15મી ઓકટોબરથી ફેકટરી બંધ કરવાની ફરજ પડી છે. તેથી મજુરો અને કામદારો બેરોજગાર થઇ ગયા છે ત્યારે તેમની મદદે દોડી ગયેલા રાજયસભાના સાંસદે કંપનીના સંચાલકોની મુખ્યમંત્રી સાથે બેઠક કરાવીને દરમિયાનગીરી કરી કાચા માલના પ્રશ્નનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું અને મુખ્યમંત્રીએ પણ બોકસાઇટના પ્રશ્નનું નિરાકરણ કરવા માટેની ઓન ધ સ્પોટ ખાત્રી આપી દીધી છે તેથી દિવાળી પહેલા જ આ બંધ થઇ ગયેલી ઓરીએન્ટ ફેકટરી પુન: ધમધમતી થઇ જશે તેવું જાહેર કરવામાં આવતા કામદારો અને તેના પરિવારો સહિત પોરબંદર શહેરમાં પણ ખુશીની લહેર ફરી વળી છે.
પોરબંદરમાં ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ લી.ના હેડ (એચ.આર. એન્ડ એડમીન) નિશિત વ્યાસ દ્વારા તા. 15 ઓકટોબરના કામદારોને છુટા કરીને એવું જણાવાયું હતું કે, કંપનીમાં છેલ્લા દોઢેક વર્ષથી ઉત્પાદન માટે જરૂરી પ્રાઇમ કવોલીટી રો-બોકસાઇટની અછત થયેલ છે અને સંસ્થાના અથાગત પ્રયત્ન છતાં પણ જરૂરી પ્રાઇમ કવલીટી ગ્રેડનો રો-બોકસાઇટ મળતો નથી, જે અંગે સંસ્થાએ સરકારના જરૂરી વિભાગોમાં વારંવાર રજુઆતો કરેલ છે અને હાલમાં પણ સરકાર સાથે આ બાબતમાં ચર્ચા-વિચારણા ચાલુ જ છે. આ પરિસ્થિતિ ઉત્પન્ન થતાં છેલ્લા ઘણા સમયથી ઉત્પાદનની પ્રક્રિયાને અસર પહોંચેલ છે તેમજ છેલ્લે જુન-2021 થી કંપનીના મુખ્ય વિભાગ પાવર પ્લાન્ટ તથા ફરનેશ ડિપાર્ટમેન્ટ બંધ થયેલ છે અને હવે વધુ સમય સંસ્થાની ઉત્પાદનની પ્રક્રિયા કાચા માલની અછતને કારણે થઇ શકે તેમ નથી.
આમ, મેનેજમેન્ટ દ્વારા જરૂરી પ્રાઇમ રો-બોકસાઇટ મેળવવાના અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા છતાં પણ નજીકના સમયમાં કાચો માલ મળે તેવી શકયતા જણાતી નથી અને ઉત્પાદનની પ્રક્રિયાઓ થઇ શકે તેમ નથી. આ કારણોસર મેનેજમેન્ટ દ્વારા સંસ્થા બંધ કરી છે. રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ તેમના વતનપ્રેમને છલકાવીને તેમના વતનમાં દિવાળીની રોનક પાછી આવે તે માટે દરમિયાનગીરી કરી હતી અને ફેકટરીના સંચાલકોની મુખ્યમંત્રી સુધી રૂબરૂ વાત પહોંચાડી હતી. પોરબંદરના 1250 થી વધારે પરિવારોને દિવાળી પહેલા ખુશીના સમાચાર મળ્યા છે.
કેટલાય પરિવારોને ચુલા બંધ થયાના સમાચાર મળતા જ લોકસેવા માટે તત્પર રહેતા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ આ કંપનીના સંચાલકોની રજુઆતને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રી સમક્ષ વાત પહોંચાડી હતી. ઓરીએન્ટ અબ્રેસીવ્ઝ લીમીટેડના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કંપનીના સી.ઈ.ઓ. હેમુલભાઇ શાહ તથા તેમના પી.આર.ઓ. રાજુલભાઇ શાહને સાથે રાખીને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરી હતી. ખાસ કરીને કેટલાય પરિવારોને રોજગારી મળી રહે તેવા હેતુથી આ કાર્ય ત્વરીત ઝડપેપૂર્ણ કરવા પણ અનુરોધ કર્યો હતો. જે અંતર્ગત મુખ્યમંત્રીએ આ બાબતે અગ્રસ્થને લઇને તેનો યોગ્ય ઉકેલ લઇ આવવા તથા કંપનીને પુન: કાર્યરત કરવા સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી થશે તેવું આશ્વાસન આપ્યું હતું. રામભાઇ મોકરીયાએ કરેલી આ રજુઆતને પગલે મજદુર પરિવારોમાં આશાનો સંચાર થયો છે.
ફરીથી રોજગારી મળશે તો બાળકોના શિક્ષણ સહિતની સમસ્યાઓનો આપોઆપ ઉકેલ આવશે તેવી આશા બંધાઇ છે. સર્વે પરિવારોએ આ તકે રામભાઇનો આભાર વ્યકત કર્યો હતો. અગાઉ સરકાર દ્વારા બોકસાઇટની લીઝ રીન્યુ સહિતની કાર્યવાહી બે થી ત્રણ મહિનાની અંદર સંપન્ન થતી હતી પરંતુ હાલના સમયમાં 8 મહિનાથી 1 વર્ષ અથવા તો તેનાથી પણ વધારે સમય લાગી જાય છે એ કારણે મુશ્કેલી પડી રહી હોવાનું કંપની જણાવી રહી છે. ત્યારે સરકારે પ્રોત્સાહક નીતી જાહેર કરીને કંપની ચાલુ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે તેવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મૌખિક રીતે ખાત્રી આપી છે.w