વિશ્ર્વ હિન્દુ પરીષદનું ભવ્ય આયોજન

૨ કિ.મી. લાંબી રથયાત્રા મવડી ચોકડીથી બજરંગ ચોક સુધીના ૨૪ કિ.મી. લાંબા રૂટ પર ફરશે: ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે: લોકોમાં અનેરો ઉત્સાહ

રથયાત્રા પૂર્વે ધર્મસભાનું આયોજન: રથયાત્રામાં સંદેશો આપતા ૧૨૫ ફલોટ્સ બનશે આકર્ષણનું કેન્દ્ર

વિહિપ અગ્રણીઓ ‘અબતક’ની મુલાકાતે

વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી પરંપરાગત રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ અવિરત ૩૩મી શોભાયાત્રાનું અભૂતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા એકાદ મહિનાથી વિવિધ સમિતિના સભ્યો, હોદેદારો, કાર્યકરોની ફૌજ કાર્યરત રહી શોભાયાત્રાને ભવ્યાતીભવ્ય બનાવવા માટે કાર્ય કરી રહી છે. આગામી તા.૦૩ને સોમવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય દિન એવા જન્માષ્ટમી પ્રસંગે સવારે ૮:૦૦ કલાકે મવડી ચોકડી ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. જેમાં બજરંગદળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધર્મસભાના મુખ્ય વકતા સોહનજી સોલંકી હાજર રહેશે.

આ વખતની શોભાયાત્રાના ધર્માધ્યક્ષ તરીકે આપાગીગાનો ઓટલો (ચોટીલા)ના મહંત નરેન્દ્રબાપુ સ્થાન શોભાવશે. આ પ્રસંગે અનેક સંપ્રદાયના સાધુ-સંતો, મહંતો ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવશે. ધર્મસભા બાદ જન્માષ્ટમી શોભાયાત્રા રાજકોટનગરના પરિભ્રમણ માટે પ્રસ્થાન કરશે. રથયાત્રાની શરૂઆતમાં પાવન કેશરીયો ઘ્વજ લહેરાશે ત્યારબાદ આખી યાત્રા તેને અનુસરશે.

આ રથયાત્રામાં ૧૦૧ યુવાનો કેશરી સાફા અને એક સરખા યુનિફોર્મ સાથે ૧૫ તિરંગા સાથે જોડાશે. બોલબાલા ટ્રસ્ટના અલગ-અલગ ફલોટ, રાજકોટ મહાજન પાંજરાપોળ, શ્રીજી ગૌશાળા, વેજીટેરીયન સોસાયટી સહિતની અનેક ગૌશાળાના ફલોટ શોભાયાત્રામાં જોડાશે. ૨૪ કિમી જેટલા લાંબા રથયાત્રાના રૂટ પર જિલ્લા પંચાયત ચોક ખાતે જૈન સમાજના ચારેય ફીરકાઓ દ્વારા સદર બજાર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આમ્રપાલી ફાટક પાસે વોરા સમાજ દ્વારા એમ રૂટ પર અનેક સમાજ, જ્ઞાતિ દ્વારા ઠેર-ઠેર રથયાત્રાનું સ્વાગત ઉમળકાભેર કરવામાં આવશે.

અનેક મંડળો, સંસ્થા, ગ્રુપ દ્વારા શરબત, પાણી, પ્રસાદી વિતરણ કરવામાં આવશે. જેની તૈયારીના ભાગરૂપે હજારોની સંખ્યામાં રીક્ષામાં ઝંડીઓ લગાવવામાં આવી છે. ચોકે-ચોકે ઘ્વજારોહણ અને લતે-લતે સુશોભનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ફલોટ માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે.

શોભાયાત્રાના પ્રચાર અર્થે સમિતિ દ્વારા સ્ટીકર, બેગ, પેન, કીચન, પર્સ, ધજા, પતાકા, બેનર સહિતનું અનેક સાહિત્ય મોટી સંખ્યામાં છાપવામાં આવ્યું છે. શોભાયાત્રા પ્રસંગે અનેક સંતો-મહંતો, સાધુઓ, સામાજીક, રાજકીય, સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા આગેવાનો, મોભીઓ, શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં જોડાશે. સમગ્ર શોભાયાત્રા સુંદર રીતે પાર પાડવા માટે સમગ્ર રાજકોટ પોલીસ સ્ટાફ, ટ્રાફિક પોલીસ વિભાગ, બજરંગદળ અને દુર્ગાવાહીનીના કાર્ય કરતા ભાઈઓ-બહેનો સેવામાં જોડાયા છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

તો આ પ્રસંગે રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા વિનામૂલ્યે ફલોટ માટે વાહનો પુરા પાડવામાં આવ્યા છે. જેથી દરેક ચાલકોને મહોત્સવ સમિતિ દ્વારા એક પ્રોત્સાહિત પુરસ્કારરૂપે ગીફટ આપવામાં આવશે. ૧૫૧ જેટલા ગ્રુપ, મંડળો દ્વારા નોંધણી તથા લતાસુશોભન અને અનેક પ્રકારની થીમ તથા સંદેશાઓ પાઠવતી કૃતિઓ તૈયાર કરવામાં આવી છે.

જેને શહેરીજનો માટે ખુલ્લી મુકાઈ છે. જેને નિહાળી સમિતિની નિર્ણાયક કમિટી કૃતિઓને પ્રથમ, દ્વિતીય, તૃતિય ક્રમાંક આપી બહુમાન અને ઈનામથી નવાજવામાં આવશે. આમ જન્માષ્ટમીના પાવન પર્વે રાજકોટ શહેર કૃષ્ણમય બની ખીલી ઉઠશે ત્યારે આ નિમિતે રથયાત્રામાં જોડાવવા શહેરીજનોને આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

આ અંગે વિસ્તૃત વિગતો આપતા નિતેશભાઈ કથીરીયા, સુશીલભાઈ પાંભર, રીશીતભાઈ શીંગાળા, દિપકભાઈ ગમઢા, વિમલભાઈ લીંબાસીયા, વિજયભાઈ ચૌહાણ, રાજુભાઈ જુંજા, મીતલભાઈ ખેતાણી, કમલેશભાઈ શાહ, રમેશભાઈ પરમાર, દેવજીભાઈ વાઘેલા, હર્ષભાઈ વ્યાસ, હિરેનભાઈ પટેલે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે તડામાર તૈયારીઓ

DSC 2155શહેરમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરના અનેક કૃષ્ણ મંદિરોમાં વિવિધ ફલોટસ-પંડાલ અને ડેકોરેશન સહિતના આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.DSC 2156

જન્માષ્ટમીના પાવન પર્વે શ્રીકૃષ્ણના દર્શનાર્થે આવતા ભાવિકો આ આકર્ષણોને દર્શન કરીને ધન્યતા અનુભવશે. શહેરના હનુમાન મઢી ચોક, અજીતનગર સહિતના વિસ્તારોમાં આવેલા મંદિરોમાં વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે જે ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.DSC 2158

જન્માષ્ટમી રથયાત્રાની વિશેષતા

વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રામાં બે લાખ પતાકા, ૩૫૦૦૦ સ્ટીકર અને ૧૫૦૦૦ ઝંડીનું વિતરણ થશે.

૨૯૦૦ લોકો ૩૦૮ વાહનો અને ૧૧૪ જેટલા ફલોટસ સાથે જોડાશે.

શહેરના અલગ-અલગ ૨૧ જગ્યાઓ પર ઘ્વજારોહણ કરાશે.

૨૪ કિમીનો રથયાત્રાનો રૂટ રહેશે.

રથયાત્રાને સુરક્ષા કવચ પુરુ પાડવા પોલીસ કાફલો તૈનાત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.