પ્રથમ ઓવરબ્રિજ માટે 30 મીટરના ડીપી રોડની લાઈનદોરી મંજુર
જામનગર મ્યુ. સ્થાયી સમિતિએ કમિશનરની દરખાસ્તનો કર્યો સ્વીકાર
શહેરના પ્રથમ અને સૌરાષ્ટ્રના સૌથી મોટા સાડા ત્રણ કિ.મી. માં ફલાય ઓવરબ્રિજના પ્રોજેકટ માટે 30 મીટર પહોળા ડીપી રોડની લાઈનદોરી સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂર કરવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌ પ્રથમ અને સૌરાષ્ટ્રના સૌથી મોટા સાડા ત્રણ કિલોમીટરના ફલાય ઓવરબ્રીજના પ્રોજેકટ માટે જરૂરી 30 મીટર પહોળા ડી.પી.રોડની અમલવારી કરવા અંગે લાઇનદોરી નક્કી કરવાનો નિર્ણય ગઇકાલે બપોરે મળેલી સ્થાયી સમિતિની નવી બોડીની બીજી બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ મનીષભાઇ કટારીયાની વરણી થયા બાદની સૌ પ્રથમ બેઠક (આમ બીજી)ગઇકાલે બપોરે મળી હતી. આ બેઠકમાં વર્ષ 2020-21નું રિવાઇઝડ અને વર્ષ 2021-22નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે રૂા.15 કરોડ મંજૂર કરાયા હતા. આ ઉપરાંત વી.એમ.મહેતા મ્યુનિ.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના 2 ટકા અનુદાનવાળા બજેટને પણ વહાલી અપાઇ હતી. જામનગરમાં સાત રસ્તા સર્કલથી નાગનાથ ગેઇટ નજીકને તાજી સુભાષ બ્રીજ સુધીના સાડા ત્રણ કિલોમીટર લાંબા ફલાઇ ઓવર બ્રીજનું નિમાર્ણ રૂા.198 કરોડના ખર્ચે થનાર છે. જો કે આ કિંમત હાલની છે. પરંતુ મટીરીયલમાં ભાવ વધારા, મોડો પ્રોજેકેટ શરૂ થવાના કારણે તથા અન્ય વહીવટી કારણસર કોન્ટ્રાકટરને ભાવ વધારો અપાય તો પ્રોજેકટ કોસ હજુ વધી જશે.
આ ફલાય ઓવરબ્રીજ શહેરનો પ્રથમ અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો હશે તેવો દાવો કરાઇ રહ્યો છે. જામનગરના આ મહાત્વાકાંક્ષી પ્રોજેકટ સંદર્ભે 30 મીટર પહોળા ડી.પી.રોડની અમલવારી અંગે વિકાસ યોજના મુજબ મ્યુનિ.કોર્પો.કાયદાની કલમ 210 હેઠળ લાઇનદોરી નક્કી કરવા અંગેની દરખાસ્ત અન્વયે સમિતિએ સૈધ્ધાંતિક મંજૂરી અપાઇ હતી.
બજેટમાં વિશેષ વિકાસના કામો માટે જોગવાઇ
મહાનગરપાલિકાના બજેટમાં શિક્ષણ સમિતિને મહાનગરપાલિકા દ્વારા ફાળાની રકમ રૂા.14 કરોડ ફાળવવામાં આવી છે. તેમજ શાળા ફર્નિચર, રીપેરીંગ, ફાયર સેફટીના સાધનો વિગેરે માટે રૂા.1.5 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમ કુલ 15 કરોડ ફાળવવામાં આવશે. સાથે સાથે રક્ષાબંધન ભાઇ-બીજ અને વિશ્ર્વ મહિલા દીન નિમિત્તે મહિલાઓને સીટી બસમાં મફત મુસાફરીની સુવિધા અપાશે. ઉપરાંત વ્યકિતગત શૌચાલ્ય સહાયમાં રૂા.2,000નો વધારો કરી 14 હજાર અપાશે. આ ઉપરાંત વી.એમ.મહેતા મ્યુ.આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ માટે રૂા.15 લાખની ફાળવણી કરવામાં આવેલ છે. શહેરમાં અલગ-અલગ સ્થળોએ પે એન્ડ પાર્ક માટેના સ્થાન નક્કી કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 15માં નાણાપંચની ગ્રાન્ટ આધારીત રૂા.4.50 કરોડના ખર્ચે મેટલ વાઇડનીંગ અને ડી.પી.રસ્તા ખુલ્લા કરવામાં આવશે. ગુલાબનગર ખાતેનો જુનો સમ્પ ડિસમેન્ટલ કરી નવો વધુ ક્ષમતાવાળો સમ્પ, પંપ હાઉસ અને કલોરીન સીસ્ટમ માટે રૂા.1.68 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ભુગર્ભ ગટરના નેટવર્ક માટે કુલ રૂા.61.79 કરોડના કામો પૈકી રૂા.31 કરોડના કામો હાલ ચાલુ છે. નવા ભળેલા વિસ્તારમાં સિવર કલેકશન પાઇપ લાઇન નેટવર્ક, પંપીગ સ્ટેશન અને રાઇઝીંગ મેઇનના કામોનું આયોજન માટે રૂા.13.50 કરોડની જોગવાઇ કરાઇ છે. આ બજેટમાં પાણી પુરવઠાના કામો અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, હાઉસીંગ સેલ, રસ્તાઓ, ફાયર ઇમરજન્સી સર્વિસના કામો તેમજ ભુજીયા કોઠા રેસ્ટોરેન્ટને પ્રાદ્યાન્ય અપાશે.