ધર્મ પરિવર્તન માટે તે ધર્મ અંગે જ્ઞાન અને વિશ્વાસ હોવો પણ જરૂરી : અલ્હાબાદ હાઇકોર્ટ
અલ્હાબાદ હાઇકોર્ટે ૧૧ નવેમ્બરના રોજ એક સુનાવણી દરમિયાન મહત્વની બાબત નોંધી છે. અલ્હાબાદ હાઇકોર્ટે મામલામાં નોંધ્યું છે કે, જીવનસાથીના પાત્રની પસંદગી કરવી તે કોઈ પણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે પરંતુ માત્ર જાતિ પરિવર્તન કરવા માટે અન્ય ધર્મ કે જાતિના પાત્રની પસંદગી કરવી તે ગેરકાયદેસર છે.
અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ પંકજ નકવી અને વિવેક અગ્રવાલની ખંડપીઠે એક મામલામાં ચુકાદો આપ્યો છે. ખંડપીઠે નોંધ્યું છે કે, જો સમલૈંગિક સબંધ ધરાવતા લોકો પણ શાંતિ અને કુનેહપૂર્વક એકસાથે રહેવા ઇચ્છતા હોય તો પરિવાર, સમાજ કે રાજ્ય સરકાર તે બાબતમાં દખલગીરી કરી શકે નહીં પરંતુ તેના માટે બંને પાત્રો પુખ્ત વયની હોય તે જરૂરી છે. ભારતીય નાગરિકોને તેમની પસંદગીની વ્યક્તિ સાથે રહેવાનો અબાધિત અધિકાર છે તે વ્યક્તિ કોઈ પણ જાતિ, જ્ઞાતિ કે ધર્મનો હોય તે બાબત ગૌણ છે.
કોર્ટમાં સલામત અંસારી સહિતના ૩ લોકો પર અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં આઈપીસીની કલમ ૩૬૩, ૩૬૬, ૩૫૨,૫૦૬ તેમજ પોકસો સહિતની કલમનો ઉમેરો કરીને અપહરણ, ધાક – ધમકી સહિતનો ગુન્હો ખુશીનગર જિલ્લાના વિષ્ણુપુરા પોલીસ મથકમાં નોંધાયો હતો. સલામત અંસારીએ પ્રિયંકા ખરવાર નામની યુવતી સાથે એક વર્ષ અગાઉ તારીખ ૧૯ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન પૂર્વે પ્રિયંકાએ ધર્મ પરિવર્તન કરીને ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. જે મામલે પ્રિયંકાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં અપહરણ તેમજ જાતીય શોષણ સહિતનો આરોપ મુકવામાં આવ્યો હતો. જે મામલે સલામત અંસારી કોર્ટમાં પહોંચ્યો હતો અને દલીલ કરતા કહ્યું હતું કે, લગ્ન સમયે અમે બંને પુખ્ત વયના હતા. લગ્નના એક વર્ષ સુધીના બંને વ્યક્તિઓ રાજી ખુશીથી સાથે રહી રહ્યા છે. ફક્તને ફક્ત આંતરધર્મ લગ્ન કર્યા હોવાથી પ્રિયંકાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું પણ દલીલ કરવામાં આવી હતી.
મામલામાં કોર્ટે નોંધ્યું હતું કે, લગ્ન સમયગાળા દરમિયાન પ્રિયંકા ઉર્ફે આલિયાની ઉંમર ૨૧ વર્ષની હતી અને તે પોટાઈ મરજીથી સલામત અંસારી સાથે ગઈ હોવાથી અપહરણનો ગુન્હો બનતો નથી. જે રીતે પ્રિયંકાની ઉંમર ૨૧ વર્ષ હોવાનું સામે આવ્યું છે તેને ધ્યાને રાખીને પોકસો હેઠળનો ગુન્હો પણ બનતો નથી જેથી પોકસોની કલમોનો ઉમેરો પણ કરી શકાય નહીં.
કોર્ટે મહત્વનું નિવેદન નોંધતા કહ્યું હતું કે, અમે સલામત અને પ્રિયંકાને હિન્દૂ અને મુસ્લિમ તરીકે જોતા નથી. બે પુખ્તવ્યની વ્યક્તિઓ રાજીખુશીથી છેલ્લા એકવર્ષથી શાંતિપૂર્વક સાથે રહી રહ્યા છે. ભારતીય સંવિધાનની કલમ ૨૧ મુજબ તમામ વ્યક્તિઓને તેમની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર છે. સ કોઈ તેમની મરજીથી તેમના પસંદગીના પાત્ર સાથે લગ્ન કરી શકે છે જેમાં કોઈ ધર્મ કે જાતિનો બાધ હોઈ શકે નહીં. કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, કોઈ પણ પુખ્ત વ્યક્તિઓને અપાયેલી સ્વતંત્રતાને છીનવી શકાય નહીં કે તેમાં દખલગીરી પણ કરી શકાય નહીં.
કોર્ટે અન્ય એક ચુકાદાને ધ્યાનમાં લેતા કહ્યું હતું કે, લગ્ન માટે કરાયેલું જાતી પરિવર્તનએ માન્ય છે પરંતુ જાતિ પરિવર્તન કરવા માટે કરાયેલા લગ્ન ગેરકાયદેસર છે. કોર્ટે સપ્ટેમ્બર ૨૦૨૦માં નૂર જહાં અને પ્રિયાંશી કેસનો હવાલો આપતા કહ્યું હતું કે, કોઈ પણ જાતના જ્ઞાન, વિશ્વાસ વિના ઇસ્લામ ધર્મ અપનાવી લેવું તે પણ માન્ય નથી. ધર્મ પરિવર્તન માટે તે ધર્મ અંગેનું જ્ઞાન અને વિશ્વાસ હોવો પણ એટલો જ જરૂરી છે. નૂર જહાં કેસમાં ઇસ્લામ ધર્મ અંગે કોઈ જાતનું જ્ઞાન નહીં હોવાના અભાવે કોર્ટે લગ્ન અને ધર્મ પરિવર્તનને ગેરકાયદેસર ઠેરવ્યું હતું.