ભારતમાં ગ્રેટ વોલ કંપની ગુજરાતમાં સ્થાપશે તેનો પ્રથમ પ્લાન્ટ: ૨૦૨૦માં ઓટો એક્ષપોમાં ભાગ લેવા ચાઈનીઝ કંપની તૈયાર
વૈશ્વિક સ્તર પર ભારત જે રીતે કાર્ય કરી રહ્યું છે તે જોતાં વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે ખુબ જ ઉત્સુકતા દાખવી રહી છે ત્યારે ગુજરાત રાજય માટે સારા સમાચાર એ છે કે, ચાઈનાની ઈલેકટ્રીકલ વાહન બનાવતી કંપની ગ્રેટ વોલ સાણંદ ખાતે ૭૦૦૦ કરોડનાં ખર્ચે તેનો પ્લાન્ટ સ્થાપશે જયાં ઈલેકટ્રીકલ વાહનો એટલે કે ઈ-વાહનોનું ઉત્પાદન કરવામાં આવશે. જયારે બીજી સૌથી મોટી વાત એ છે કે, ચાઈનીઝ કંપની ૨૦૨૦માં ઓટો એકસ્પોમાં પણ ભાગ લેશે તે અંગેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આ પહેલા ચાઈનાની સાંઘાઈ ઓટોમોટીવ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને રોકાણ કર્યું હતું.
ગુજરાત રાજયનાં વરીષ્ઠ અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, ચાઈનાની ગ્રેટવોલ મોટર કંપની ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપી ઈલેકટ્રીકલ વાહનોનું ઉત્પાદન કરશે અને જો યથાયોગ્ય રીતે કામગીરી આગળ ચાલી તો આવનારા દિવસોમાં ઓટો મેન્યુફેકચરીંગ ઝોન સાણંદ ખાતે સ્થાપિત કરવામાં આવશે. કંપનીનાં વરિષ્ઠ કર્મચારીઓએ ગુજરાત ગર્વમેન્ટનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટીંગ કરી લાંબાગાળા અને ટુંકાગાળાનાં ગોલ વિશે ચર્ચા કરી હતી. આ પ્રગતિને અનુસરી રાજય સરકારે સાણંદની પાસે ચાઈનીઝ પાર્કમાં ગ્રેટ વોલ મોટરને જમીન ફાળવી દીધેલી છે. ગ્રેટ વોલ મોટર્સે ઈન્ડિયા ખાતે ચાલુ કરવામાં આવતા યુનિટને હવલ ઈન્ડિયા નામ આપ્યું છે જેનું હેડકવાર્ટર ગુંડગાવ ખાતે રહેશે. ગ્રેટ વોલ મોટર્સનાં પ્લાન્ટ બલગેરીયા, એકવાડોર, ઈથોપીયા, ઈન્ડોનેશિયા, ઈરાન, નાઈજીરીયા, રશિયા, સેનેગલ, યુક્રેન અને વિયેતનામ ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે જયારે ભારતમાં સાણંદ ખાતે તેઓ તેમનો પ્રથમ પ્લાન્ટ સ્થાપિત કરશે. ચાઈનીઝ કંપનીઓની વાત કરવામાં આવે તો ગુજરાત ખાતે આશરે તેઓએ ૧૭ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.