બાળકની ઈચ્છા વિરૂધ્ધ કોર્ટ કોઈપણ વ્યક્તિને વાલી તરીકે નીમી શકાતી નથી: વડી અદાલતનો મહત્વનો ચૂકાદો
બાળકોના આંતરરાષ્ટ્રીય વાલીપણાના નિયમો સંબંધીત સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં ગાર્ડીયન એન્ડ વોર્ડ એકટ ૧૯૮૦ની કલમ ૧૭ (૩) ઉપર વિશ્ર્વાસ મુકીને ચુકાદો આપતા જણાવ્યું હતું કે, સગીર બાળકની જરૂરીયાતો પર પુન: વિચાર કરવો જોઈએ અને સંજોગોનું અધ્યયન કરીને બાળકના વાલીપણા અંગેનો નિર્ણય લેવો જોઈએ.
સુપ્રીમ કોર્ટ જણાવ્યું હતું કે, કલમ ૧૭ (૩) અન્વયે સગીર બાળકના વાલીપણા નિશ્ર્ચિત કરવા માટે બાળકની જરૂરીયાત અને તેની લાગણી ધ્યાનમાં લેવી જોઈએ. કલમ ૧૭ (૫)માં એવી સ્પષ્ટ જોગવાઈ છે કે સગીર બાળકની ઈચ્છા વિરુધ્ધ કોર્ટ કોઈપણ વ્યક્તિને વાલી તરીકે નીમી શકતી નથી. સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેંચમાં ન્યાયમૂર્તિ યુ.યુ.લલીત, ઈન્દુ મલ્હોત્રા અને હેમત ગુપ્તાની બેચમાં એક પિતાને બાળકનું વાલીપણુ સોંપવાની પરવાનગી આપતા આ નિયમનો ઉલ્લેખ કર્યો હતો. ખંડપીઠમાં બાળક સાથે તેની ઈચ્છાઓ મહત્વકાંક્ષાઓ અને તેનું મન જાણવા માટે વાતચીત કરી હતી. સુપ્રીમ કોર્ટે સ્મૃતિ મદાન કણસાગરા અને પેરી કણસાગરાના આ કેસમાં વાલીપણા માટેના નિયમોની વિસ્તૃત ચર્ચા કરી હતી.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, કોઈપણ પ્રકારના કેસમાં સગીર બાળકની કસ્ટડી એટલે કે, વાલીપણુ નક્કી કરવા માટે બાળકની ઈચ્છા અને તેની જરૂરીયાત ધ્યાને લેવી જોઈએ. કોર્ટે જણાવ્યું હતું કે, આ બાળક સાથેની વાતચીતમાં અમને એવું લાગ્યું કે, આદિત્ય પોતાની વય કરતા વધુ આત્મવિશ્ર્વાસી અને પુખ્ત છે. તેની લાગણી અને જેણે તેના વાલીપણાની માંગરી કરી હતી તે નાનીમાં સાથે બાળકને ઉત્કૃષ્ટ અને ઉંડા પ્રેમનો સંબંધ છે. સાથે સાથે અમને એવું લાગ્યું કે, તેને તેના પિતા અને દાદા-દાદી સાથે પણ ખુબજ લાગણી છે. ફેમીલી કોર્ટ, હાઈકોર્ટ અને લવાદની રાય પર વિશ્ર્વાસ કરતા કોર્ટે એવું નોંધ્યું છે કે, તરૂણ બાળક પોતાના પિતા પ્રત્યે સૌથી વધુ પ્રેમ ધરાવે છે અને બંનેનો સંબંધ વાસ્તવિક છે. આથી કોઈપણ બાળકના વાલીપણાની જવાબદારી નિર્ધારીત કરતા પહેલા તેની લાગણી અને સંજોગોને ધ્યાને લેવા જોઈએ.