પુલવામાં હત્યાકાંડ બાદ સૈન્યએ હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં છુપાયેલા જૈશના કમાન્ડર ગાઝી સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર મરાયા: આતંકીઓએ કરેલા ફાયરીંગમાં મેજર સહિત પાંચ જવાનો શહિદ થયા
પુલવામાં સીઆરપીએફ જવાનો પર થયેલા આત્મઘાતી હુમલા સામે સુરક્ષાદળોએ શરૂ કરેલી વળતી કાર્યવાહીમાં આ કાવતરાને અંજામ આપનાર ત્રણ આતંકીઓને ખાતમો કરવામાં સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરમાં પુલવામાના હુમલાના બદલાની કાર્યવાહીએ જૈસ એ મોહમ્મદનો આતંકી અબ્દુલ રસીદ ગાઝીને ગઈકાલે જ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે.
અબ્દુલ રસીદ ગાઝી પુલવામાં કાંડનો મુખ્ય કાવતરાખોર ગણવામાં આવતો હતો. એન્કાઉન્ટરમાં થયેલ લોહિયાળ અથડામણમાં આર્મીના મેજર સહિત પાંચ જવાનો શહિદ થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે પુલવામાકાંડના મુખ્ય સુત્રધાર કામરાન ઈલ્યાસ ફહદ, રશીદ ગાઝી ઈલ્યાસ અને લુકમાન નામના બે પાકિસ્તાનીઓ અને હિલાલ એહમદ નામના કાશ્મીરી આતંકીને ઠાર મરાયો હોવાનું જાહેર કરાયું હતું. હજુ મસુદ અઝહરનું ભાણેજ મોહમ્મદ ઉંમર દક્ષિણ કાશ્મીરમાં છુપાયો હોવાનું જાણવા મળ્યું છે.
પુલવામાકાંડ બાદ શરૂ થયેલી સાફસુકી ઝુંબેશમાં પિનગલ અને કાંકાપુરા આદિલના વતનમાં ૨૦ કલાક સુધી ચાલેલ સામ-સામેના થયેલા ફાયરીંગમાં ત્રણ આત્મઘાતીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. વહેલી સવારે ૪ વાગ્યા સુધી ચાલેલી આ અથડામણમાં ડીઆઈજી અમિતકુમાર, બ્રિગેડીયર અરબીરસિંગ અને રાહુલ ગુપ્તા ઈજાગ્રસ્ત થયા હતા.
તેમણે ગમાણમાં છુપેલા આતંકીઓને ખતમ કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન કેટલાક લોકોએ સુરક્ષાદળો પર પથ્થરમારો પણ કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં સેનાએ છુપાયેલા આતંકવાદીઓને શોધી કાઢવામાં સેનાના ત્રણ હેલિકોપ્ટરને કામે લગાડયા હતા. બે ડ્રોમનો આતંકીઓના લોકેશન મેળવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પુલવામાકાંડ બાદ ૪૪ સૈનિકોની શહાદતનો એક-એક કરીને બદલો લેવાના ભારત સરકારના સંકલ્પના પ્રથમ ચરણમાં પુલવામાનાં મુખ્ય સુત્રધાર ગાઝી સહિતના ત્રણને ઠાર મારી દેવાયા છે. પાક પ્રેરિત આતંકવાદીઓને સ્થાનિક દેશ વિરોધી તત્વોનું પીઠબળ હોવાનું હવે સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે સેના અને સુરક્ષાદળો બદલાની કાર્યવાહીમાં ઓછામાં ઓછી નાગરિકોની નુકસાની થાય તે માટે સંયમથી વર્તી રહી છે.
જૈશના ૨૧ આતંકીઓ ડિસેમ્બરમાં કાશ્મીરમાં ઘૂસી ગયાનું ખૂલ્યું
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો મુખ્ય હાથો બનીને દક્ષિણ એશિયાના દેશોમાં હાહાકાર સર્જતુ જેશે મોહમ્મદ પુલવામાં કાંડના મુખ્ય અપરાધી હોવાના સાબીત થઈ ચૂકયું છે. જમ્મુ કાશ્મીરમાં ત્રણ મોટા આતંકવાદી આત્મઘાતી હુમલાના મનસુબા સાથે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ જૈશના ૨૧ સભ્યો જમ્મુ કાશ્મીરમાં ઘુસી ગયા હતા.
જૈશના મુખ્ય સુત્રધાર મસુદ અઝહરના ભાણેજ મોહમ્મદ ઉંમર અને કામરાન આ મિશની આગેવાનીમાં હતા જે ગઈકાલે એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દેવાયો છે.જમ્મુ કાશ્મીરમાં થયેલી લશ્કરી કાર્યવાહીમાં ગયા વર્ષે ઓકટોબરમાં મસુદનો બીજો ભારેજ ઉસ્માન હૈદરને ઠાર મરાયો હતો તેની સાથે ૨૦૦૧માં સંસદ પર થયેલા હુમલામાં ફાંસીએ લટકાવાયેલા અફઝલગૂરૂની આખી ટોળકી સાફ કરી દેવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવનાર અઝહર મસુદનું આખુ ખાનદાન આતંકી પ્રવૃત્તિમાં સંડોવાયેલુ છે. ૫મી ફેબ્રઆરીએ જારી થયેલા વિડિયોમાં અઝહરના નાનોભાઈ રઉફ અઝહરે ભારતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપી હતી મોદી સરકાર જો અયોધ્યામાં રામમંદિરા બનાવવાની દિશામાં આગળ વધશે તો ભારતમાં શ્રેણીબધ્ધ આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી હતી.
ભારતમાં બે ટોળકીઓમાં એક મુદશીરખાન અને બીજી તાજેતરમાં જ મોતને ભેટે અને ૧ લી ફેબ્રુઆરીએ પુલવામાંના ધ્રુવ ગામમાં સૈન્યના એન્કાઉન્ટરમાં મોતને ઘાટ તરેલા શાહીદ બાબાને ભારતમાં તબાહી માટે મોકલવામાં આવ્યા હતા.
આદીલ અહેમદદાર સ્થાનીક કાશ્મીર યુવાન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. અને તેને કોઈપણ બે હુમલામાંથી એકની પસંદગીનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં જૈશે મોહમ્મદ અને લશ્કર તાયબા આત્મઘાતી હુમલા માટે યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે.
આ માટે સ્થાનિક આતંકવાદીઓને જૈશની સભ્યોની ગુપ્ત મીટીંગ હાલમાં થઈ હોવાનું ઉર્દૂ અખબારમાં દાવો થયો હતો જૈશના બે જુથો ૧૯૯૦થી ૯૫માં રજીસ્ટર થયેલા ૧૬ જૂના વાહનો બોમ્બ બનાવવા માટે લઈ ચૂકયા હતા. જુના વાહનો પર શંકા ન જાય તે માટે પસંદગી થઈ હોવાનું બહાર આવ્યું છે. કાશ્મીરમાં ૨૧ શૈતાનોને મોતની માયાજાળ માટે મોકલવામાં આવ્યા હતા.
આત્મઘાતી ધડાકામાં વપરાયેલું આરડીએકસ પાકિસ્તાની સૈન્યએ પૂરૂ પાડયાનો ધડાકો
આતંકવાદને પોષતું પાકિસ્તાન હવે વિશ્વ સમક્ષ તેના કરતુતોને લઈને સાવ ઉઘાડુ પડી ગયું છે. પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાનું આરડીએકસ વપરાયું હોવાના પર્દાફાશથી આ હુમલો પાકિસ્તાને જ કરાવ્યો હોવાનું અને પાકિસ્તાનમાં સંરક્ષણ દળે આ આરડીએકસ આપ્યું હોવાનું બહાર આવ્યું હતું.
પુલવામાં આત્મઘાતી હુમલા કરવા માટે આ મોતનો સામાન એક મહિના પહેલા ભારત લાવવામાં આવ્યું હતું પરંતુ તેનો વિસ્ફોટક તરીકેનું રૂપ ઘટનાસ્થળેથી પાંચ-સાત કિલોમીટરના અંતરે જ આપવામાં આવ્યું હતું. આ બોમ્બ તૈયાર કરવા માટે બોમ્બ બનાવવાના નિષ્ણાંત એક થી વધુ સંખ્યામાં ભારતમાં ચાલ્યા હોવાનું તપાસમાં ખુલતા પાકિસ્તાનની હાલત ચારેનીમાં કોઠીમાં મોઢુ ઘાલીને રોતી જેવો થયો છે.
પુલવામાં આત્મઘાતી હુમલામાં ૪૪ સૈનિકોની શહિદીમાં પાકિસ્તાનની સંડોવણી હોવાનું શરૂઆતથી જ સંકેતો મળી ચુકયા હતા ત્યારે એફએસએલના નિષ્ણાંતોની તપાસમાં આ ધડાકામાં પાકિસ્તાન સંરક્ષણદળમાં વપરાતું આરડીએકસ હોવાનું બહાર આવ્યું છે. પુલવામાં આત્મઘાતી હુમલામાં ફોરેન્સીક નિષ્ણાંતોએ કરેલી તપાસમાં જૈસ એ મોહમ્મદે વિસ્ફોટકો ભરીને જે વાહનને કાર બોમ્બનું રૂપ આપ્યું હતું.
તે મારૂતિ ઈકો ગાડી હોવાનું પણ રીપોર્ટમાં ખુલાસો થયો છે. એફએસએલની એક ટીમે ઘટના સ્થળેથી લીધેલા ફોરેન્સીક નમુનાઓમાં આ બોમ્બમાં સૈન્ય દ્વારા વાપરવામાં આવતા આરડીએકસનો ઉપયોગ થયો હતો અને ભારતમાં લવાયા પછી વિસ્ફોટની જગ્યાથી પાંચ થી સાત કિલોમીટરની જગ્યામાં જ મારૂતિ ઈકોને કાર બોમ્બ બનાવી હશે.
નિષ્ણાંતોએ અહેવાલમાં જણાવ્યું છે કે, સૈન્યનું આરડીએકસ અન્ય વિસ્ફોટક નથી. અનેક ગણુ વધુ ઘાતક હોય છે. સાદા વિસ્ફોટકો આવી તબાહી મચાવવા માટે ૧૦૦ થી ૩૦૦ કિલો જોઈએ પરંતુ અહીં ૫૦ થી ૭૦ કિલો આરડીએકસ વપરાયું હતું અને આ સૈન્યમાં વપરાતું આરડીએકસ હોવાનું બહાર આવ્યું છે.
તપાસનીશ અધિકારીઓએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, હજુ આ અંગેનો પૂર્ણ અહેવાલ આવવાનો બાકી છે પરંતુ પ્રાથમિક તપાસમાં પુલવામાનો આ કાર બોમ્બ નિષ્ણાંત દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં આરડીએકસની સાથે ડીટોનેટર અને પાવર સ્વીચનો ઉપયોગ થયો હતો. જયારે આ બોમ્બ ઉપયોગ પહેલા થોડી જ કલાકો પહેલા બનાવાયું હોવાનું બહાર આવ્યું છે.
પુલવામાકાંડ બાદ તપાસનીશ અધિકારીઓએ સેનાને અપાયેલા આરડીએકસ જથ્થાની એક-એક ગ્રામની વિગતો મેળવી હતી. અહીં બધુ હેમખેમ હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ આરડીએકસ પાકિસ્તાન સૈન્ય દ્વારા જ અપાયું હોવાનું સાબિત થઈ રહ્યું છે. અગાઉ આ પ્રકારના કાર બોમ્બ પશ્ચિમ એશિયાના દેશોમાં આઈએસ દ્વારા ઉપયોગ થઈ ચુકયો છે. પ્રચંડ ધડાકા સાથે ફાટતા આ બોમ્બમાં વિસ્ફોટ બાદ કાળા ધુવાળા અને તમામ વસ્તુ ઓગળી જતી હોય છે. અગાઉ ૨૦૦૦માં બદામીબાગ આત્મઘાતી કાર બોમ્બ, ૨૦૦૧માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા હુમલાના પ્રયાસમાં મળી આવેલી મોટર આ જ રીતે તૈયાર થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પુલવામા આત્મઘાતી આદિલ અહેમદના હુમલાને અંજામ આપવા માટે માનસિક રીતે વ્યવસ્થિત તૈયાર કરવામાં આવ્યો હતો. તેણે પોતાના લક્ષ્ય પર પહોંચીને વ્યવસ્થિત રીતે પોતાની જાતને ફુંકી મારી હતી. પુલવામા વિસ્ફોટમાં પાકિસ્તાનના કરતુતો ઉઘાડા પડી ગયા છે.