ગુજરાતમાં સારો વરસાદ થયો હોવા છતાં પણ પાણીની ખેંચ: સિંચાઈ અને ઉદ્યોગો માટે ૧૫મી માર્ચથી પાણી આપવાનું બંધ થશે
૧૫ માર્ચ પછી સિંચાઇ અને ઉદ્યોગો માટે પાણી બંધ
આ વર્ષમાં મેઘરાજાની મહેરબાની ગુજરાત પર રહી હોવા છતાં જળ સંકટની ભીતિ ઉભી થઈ છે. આ વર્ષે ઉનાળા પહેલા જળ સંકટ આંબી જશે તેવી દહેશત ચિફ સેક્રેટરીએ વ્યકત કરી છે. સરદાર સરોવર ડેમમાંથી ૧૫ માર્ચ બાદ સિંચાઈ અને ઉદ્યોગો માટે પાણી આપવાની મનાઈ ફરમાવાઈ છે. સરકારે પાણી પહેલા પાળ બાંધવાનું શરૂ કરી દીધું છે.
સરકાર લોકોને પીવાનું પુરતુ પાણી મળી રહે તે માટે સિંચાઈ અને ઉદ્યોગોને અપાતા પાણી ઉપર કાપ મુકવા તૈયાર છે. સરકારે સ્થાનિક બોડીને જેમ બને તેમ લોકલ શોર્સનો ઉપયોગ કરવા માટે સલાહ આપી છે. જેનાથી નદી તેમજ ડેમ પરનું ભારણ ઓછુ થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
આ મામલે ગુજરાતના ચિફ સેક્રેટરી જે.એન.સિંઘે જણાવ્યું હતું કે, ૫૮૬૦ મિલીયન કયુબીક મીટરની સ્ટોરેજ કેપેસીટીની સામે આપણી પાસે માત્ર ૪૫૫ મિલીયન કયુબીક મીટર પાણી જ બચ્યું છે. ગત વર્ષે આ સમયમાં ૧૧૭૩ મિલીયન કયુબીક મીટર પાણી હતું. માટે પાણીની તંગી ગત વર્ષ કરતા વધુ રહેશે તેવી ધારણા છે.
તેમણે ઉમેર્યું કે પાણીની અછતના કારણે ઉનાળુ પાક માટે ખેડૂતોને પાણી આપવામાં આવશે નહીં. અમે ખેડૂતોને સલાહ આપી છે કે, જો તેમની પાસે સ્થાનિક શોર્સના પાણી હોય તો જ પાકની વાવણી કરે. નર્મદામાંથી ખેંચાતા ગેરકાયદે પાણી સામે પણ કડક પગલા ભરવાનો નિર્ધાર સરકારે કર્યો છે. પાણીની પરિસ્થિતિ ગંભીર છે. પરંતુ પીવા માટે પાણી લોકોને પુરતા પ્રમાણમાં મળી રહેશે તેવો આત્મવિશ્ર્વાસ સિંઘે વ્યકત કર્યો છે.
સરકાર લોકોને પુરતુ પીવાનું પાણી મળી રહે તે માટે મોટા ઉદ્યોગોને પણ પાણી આપશે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે, નર્મદાના કેચમેન્ટ એરીયામાં મધ્યપ્રદેશથી ઠલવાતા પાણીનો જથ્થો ખૂબજ ઓછો રહ્યો છે. વર્ષમાં મધ્યપ્રદેશમાં વરસાદ ઓછો હોવાના કારણે પાણી ઓછા પ્રમાણમાં ઠલવાયું છે. ગુજરાતમાં વરસાદ સારો ર્હયો છે છતાં પણ પાણીની ખેંચ ઉભી થશે તે મધ્યપ્રદેશમાં થયેલા ઓછા વરસાદના કારણે છે તેવું માનવામાં આવે છે. મધ્યપ્રદેશમાં છેલ્લા ૧૫ વર્ષનો સૌથી નબળુ ચોમાસુ રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં દર વર્ષે પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ વર્ષે પણ ફરીથી પાણીની તંગી સહન કરવી પડે તેવી દહેશત ઉભી થઈ છે. જળ તંગી થશે જ તેવું ભારપૂર્વક માનવામાં આવે છે. અત્યારથી જ સરકારે તૈયારી કરી છે તેનો મતલબ એવો થયો કે જળ તંગી ખરેખર ખૂબજ ગંભીર હશે.