નોઈડાની એનર્જીએફિશિયનસી સર્વિસીઝ લીમિટેડને બે દિવસમાં બંધ પડેલી લાઈટો રિપ્લેશ કરવા તાકીદ

એક તરફ ગુજરાત સરકાર વીજ બચત માટે ગ્રામપંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં એલઇડી સ્ટ્રીટ લાઈટો પાછળ કરોડો ખર્ચી રહ્યા છે ત્યારે મોરબી નગર પાલિકા વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે હજારો સ્ટ્રીટ લાઈટો ૨૪ કલાક ચાલુ રહેતી હોવાની સાથે હજારો નવી લાઈટો બંધ પડી હોય નગરપાલિકાના ચીફ ઓફિસર ઉકળી ઉઠ્યા છે અને આ મામલે કામ રાખનાર એજન્સીને નોટિસ ફટકારી બે દિવસમાં બંધ લાઈટો ચાલુ કરવા અને સતત ચાલુ રહેતી સ્ટ્રીટલાઈટ ઓટોમેટિક બંધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરી છે અન્યથા ફોજદારી રાહે પગલા ભરવા ચીમકી આપતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં ૩૨૫૨ જેટલી સ્ટ્રીટ લાઈટો ૨૪ કલાક ચાલુ રહે છે અને ૫૪૧૬ જેટલી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. આ અંગે નગરપાલિકા તંત્ર દ્વારા અનેક વખત કોન્ટ્રાકટ રાખનાર એજન્સી એનર્જી એફિસીએન્સી સર્વિસીઝ લિમિટેડને જાણ કરવામાં આવી હતી. છતાં એજન્સી દ્વારા અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

વધુમાં એજન્સી દ્વારા સ્ટ્રીટ લાઈટ અંગેની ફરિયાદનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો ન હોવાથી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ આકરી કાર્યવાહી કરવાની તૈયારી કરી કોન્ટ્રાકટ એજન્સીને નોટિસ ફટકારી છે નોટિસમાં જણાવ્યા મુજબ આજે તા.૧૭ ને ગુરુવાર સુધીમાં સ્ટ્રીટ લાઈટના પ્રશ્નનું નિરાકરણ લાવવા નો આદેશ કર્યો હતો.

ચીફ ઓફિસરે સરૈયાએ ફાટકારેલી આ કડક નોટિસમાં જો આજની મુદત સુધીમાં એજન્સી દ્વારા નિરાકરણ લાવવામાં નહિ આવે તો તેની સામે ફોજદારી પગલાં ભરવાની ચીમકી પણ આપી હતી. આ ઉપરાંત તેઓએ ફટકારેલી નોટિસનો જો જવાબ આપવામાં નહિ આવે તો કોન્ટ્રાકટ એજન્સી સાથે થયેલો કરાર રદ કરી દેવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં શહેરના તમામ વોર્ડમાં કેટલી લાઈટો સતત ચાલુ રહે છે અને કેટલી લાઈટો બંધ પડી છે તેની આંકડાકીય માહિતી સાથે કોન્ટ્રાકટર એજન્સીને નોટિસ ફટકારતા નવા જુનીના એંધાણ મળી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.